રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆધુનિક ગઝલ પર ગઝલો
‘ગઝલ’ શબ્દ ‘મુગાઝેલત’
અથવા ‘તગઝઝુલ’ પરથી આવ્યો છે. ‘મુગાઝેલત’નો અર્થ કુમારિકાઓ સાથે પ્રેમગોષ્ઠી કરવી એવો છે. ‘તગઝઝુલ’નો અર્થ પ્રેમનો રંગ થાય છે. પ્રેમની વાતો એટલે ગઝલ એ ગઝલની પ્રાથમિક ઓળખ. એક અનુમાન અનુસાર ગુજરાતી ભાષામાં ૧૬મી-૧૭મી સદીથી ગઝલ લખાવા માંડી. ગઝલ ચોક્કસ મીટર, નિશ્ચિત છંદમાં લખાતો સ્વતંત્ર કાવ્ય પ્રકાર છે. મૂળે અરબી–ફારસીમાં લખાતી ગઝલ વાયા ઉર્દૂ ગુજરાતીમાં ફેલાઈ છે. ૧૯૫૦ સુધી ગઝલના વિષયવસ્તુ અને રજૂઆત પારંપારિક અને સીમિત હતા. એ જ સમયગાળામાં સુરેશ જોશીનો સાહિત્ય અવલોકન અને વિવેચનનો નવોન્મેષ વાવાઝોડાની જેમ ફેલાયો અને સાહિત્યના દરેક પ્રકાર પર એની અસર થઈ. સાહિત્યિક કૃતિઓના સ્વરૂપ અને પરંપરાના બીજા અંતિમે ખેડી શકાય એવી સંભાવનાઓ વિશે ગંભીર પ્રયાસો શરૂ થયા. ગુજરાતી ગઝલ પણ આ પ્રહારથી બાકાત ન રહી અને એક મામૂલી સમયગાળો એવો પણ આવ્યો જ્યારે ગઝલલેખન રૂઢિવાદી અને ઉપેક્ષિત બની ગયું. પણ એ ગાળો લાંબો ન ચાલ્યો અને ફરી ગઝલલેખનમાં જુવાળ આવ્યો – એ જુવાળ આધુનિક લક્ષણો સમેતનો રહ્યો. પ્રભુસ્તુતિ, દેશપ્રેમ અને પ્રેમિકા સાથે ગુફતગૂના ચોકઠાને અતિક્રમી છંદમુક્ત કવિતા જેમ દરેક વિષય આવરે છે એમ ગઝલલેખનનો પટ પહોળો અને બહોળો થયો. મુખ્ય પરિવર્તન વિષયોમાં થયું. સ્વરૂપ તો છંદબદ્ધ જ રહ્યું કેમકે છંદ ગઝલની ઓળખ છે. આધુનિક ગઝલના પ્રણેતાઓ હરીન્દ્ર દવે, આદિલ મન્સૂરી, મનહર મોદી, ચિનુ મોદી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, ભગવતીકુમાર શર્મા, માધવ રામાનુજ ઇત્યાદિને કહી શકાય.