રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદલિત ચેતના પર અછાંદસ
પ્રથમ ‘દલિત’ શબ્દ સમજી
લઈએ – ‘દલિત’ શબ્દ મરાઠી ભાષામાંથી આવ્યો છે અને તેનો અર્થ ‘તળિયું’, ‘દબાયેલું’, ‘કચડાયેલું’ અને ‘તૂટેલા ટુકડા’ થાય છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ઓગણીસમી સદીમાં જ્યોતિરાવ ફુલેએ કર્યો હતો. અગાઉના સમયમાં દ્વિજ હિંદુઓ દ્વારા અછુત જાતો પર કરવામાં આવેલ દમનના સંદર્ભે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમાજના એક વર્ગની સ્થિતિ દબાયેલી, કચડાયેલી હતી, એના માટે જ્યોતિબા ફુલેએ આ વિશેષણ વાપર્યુ જે એકદમ બંધબેસતું છે. દલિત ચેતના એટલે દલિત હોવાનું ભાન, દલિત હોવાની સ્થિતિનો વિરોધ, સંઘર્ષ, આક્રોશ અને એમાંથી ઉપર ઊઠવાનો પ્રયાસ કરવા પ્રેરતી ચેતના. આ ચેતના બાબાસાહેબ આંબેડકરનાં સામાજિક અને રાજકીય વ્યવહાર અને નિર્ણયોથી જનમાનસમાં વ્યાપ્ત થઈ. મરાઠી કવિતાઓમાં દલિત સ્થિતિ પર ચોટદાર કવિતાઓ લખાઈ. આમ, સાહિત્યમાં દલિત ચેતનાની શરૂઆત થઈ જેના પરથી ગુજરાતના દલિત સાહિત્યકારોએ પ્રેરણા લીધી. દલિતસાહિત્ય ગુજરાતી ભાષામાં ગાંધીયુગમાં પણ લખાયું પણ એ સાહિત્ય દલિત સ્થિતિના વિરોધની ચળવળના ભાગરૂપે કે દલિતસાહિત્યના વિશેષણ સાથે નહોતું લખાયું. એ કૃતિઓ ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, ઉમાશંકર જોશી જેવા લેખકોએ તત્કાલીન સામાજિક સ્થિતિના અનુભવ, નિરીક્ષણ અને વ્યક્તિગત સંવેદનથી પ્રેરાઇને રેચલ સાહિત્યકૃતિઓ છે જે દલિતસાહિત્યની શ્રેણીમાં મૂકી શકાય એવી છે. ગુજરાતી ભાષામાં સભાનતા સાથે દલિતસાહિત્ય ૭૦ના દાયકામાં કવિતાઓ દ્વારા રચાવું શરૂ થયું. ૧૯૮૬માં જોસેફ મેક્વાનની ‘આંગળિયાત’ નવલકથા આવી જે દલિતસાહિત્યની પ્રથમ નવલકથા કહી શકાય. દલિત ચેતનનાનો વ્યાપ સામાજિક, રાજકીય , સાહિત્યિક ક્ષેત્રે વિવિધ નેતા-સાહિત્યિકારો અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા થયો અને થઈ રહ્યો છે.