રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરેખ્તા ગુજરાતી વિશે
રેખ્તા ગુજરાતી એ રેખ્તા ફાઉન્ડેશનની પહેલ છે જે ગુજરાતી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત છે. રેખ્તા ગુજરાતીનો ઉદ્દેશ ગુજરાતી કવિતા અને સાહિત્યને ચોકસાઈ અને કાળજીપૂર્વક દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતી અને કાવ્યરસિકો સુધી પહોંચાડવાનો છે. સોશિયલ મીડિયા ટેકનોલોજીની મદદ લઈ સત્ત્વશીલ સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવાનો અને તે થકી ગુજરાતી ભાષાની માવજત કરવાની નેમ પણ રેખ્તા ગુજરાતી રાખે છે. આ વેબસાઇટ પર અત્યારે 800થી વધારે કવિઓની સંખ્યાબંધ કવિતાઓ છે, જેમાં સંતસાહિત્ય અને લોકસાહિત્યનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. રેખ્તા ગુજરાતીની ટીમ સતત તેમાં ઉમેરણ કરી રહી છે.
કાવ્યરસિકોને સુગમ પડે તે માટે કાવ્ય સ્વરૂપ અનુસાર, વિષય અનુસાર અને વિભાગ અનુસાર પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને તે સતત સમૃદ્ધ બનતું રહે તે માટે રેખ્તા ગુજરાતી પ્રતિબદ્ધ છે.
ગુજરાતી કાવ્યપરંપરાના તમામ મુખ્ય કવિઓનો વેબસાઇટ પર સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમની કવિતાઓનું ચયન કરીને મૂકવામાં આવી છે. આ ઉપરાંત હાંસિયામાં ધકેલાઇ ગયેલા કવિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વીડિયો વિભાગમાં કવિતાને ઓડિયો-વીડિયો સ્વરૂપે રજૂ કરવામાં આવી છે, તો સાથે સાથે સાહિત્યિક ચર્ચા, ભાષાવિજ્ઞાન, વરિષ્ઠ સર્જકો-વિવેચકોની મુલાકાતના પણ વીડિયો બનાવીને પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે.
કવિતાને સમજવા માટે શબ્દકોશની સવલત ઊભી કરવામાં આવી છે. ગુજરાતી શબ્દકોશ પર સતત કામ ચાલી રહ્યું છે. ગુજરાતની તમામ બોલીઓ, તળપદા શબ્દો વગેરેને લઈને ભવિષ્યની પેઢી માટે એક વિશાળ શબ્દકોશ તૈયાર થાય તેવું અમારું સ્વપ્ન છે.
પુસ્તકાલયોની સંખ્યા સતત ઘટી રહી છે અને ઇન્ટરનેટ પર અધકચરી તેમજ અધિકૃત સ્રોત વિનાની માહિતી ખડકાઈ રહી છે ત્યારે પુસ્તકો આ વેબસાઇટની વિશિષ્ટતા છે. અમે ગુજરાતના ઐતિહાસિક પુસ્તકાલયોને વિનામૂલ્યે ડિજિટાઇઝ કરવાનું કામ શરૂ કર્યું છે. હાલ, અમદાવાદમાં આવેલી ભો. જે. વિદ્યાભવન, નડિયાદમાં સ્થિત અ.સૌ. ડાહીલક્ષ્મી લાઇબ્રેરી અને ભરૂચની રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં કામગીરી ચાલી રહી છે. આ સૌ સન્માનનીય પુસ્તકાલયોના સૌજન્યથી તે પુસ્તકો દુનિયાભરમાંથી રેખ્તા ગુજરાતીની વેબસાઇટ પર વાંચી શકાય છે.
આગામી સમયમાં અમે ગુજરાતી ગદ્યનો પણ વેબસાઇટ પર સમાવેશ કરવાની નેમ રાખી છે.
રેખ્તા ગુજરાતી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતી ભાષા-સાહિત્ય મહત્તમ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ કરે છે. આ વેબસાઇટને બહેતર બનાવવા માટે આપના દરેક સૂચનોનું હરખભેર સ્વાગત છે.