અસ્તિત્વ પર ગઝલો
હોવું. હસ્તી. આ શબ્દના
મૂળિયાં તત્ત્વચિંતનમાં માનવજાતની ઉત્પત્તિ સુધી જ નહીં બલકે મનુષ્ય હોવાનો અર્થ શું એની ચર્ચા સુધી ગયા છે અને મનુષ્ય હોવું એટલે શું એ પાયાની વાત તત્ત્વચિંતન કે વિજ્ઞાન ઉપરાંત સાહિત્ય માટે પણ મૂળભૂત નિસ્બત હોય એ દેખીતું છે. માટે આ સર્વ વિષયને સ્પર્શતો અસ્તિત્વવાદ પણ સર્જાયો છે. અસ્તિત્વવાદ એક ફિલોસોફિકલ વિચારધારા છે, જેના પડઘા સાહિત્ય પર પડ્યા છે. સિતાંશુ યશશ્ચંદ્ર, લાભશંકર ઠાકર, પવનકુમાર જૈન, મુકેશ વૈદ્ય, ભૂપેશ અર્ધવ્યુ, પ્રબોધ પરીખ, હરીશ મિનાશ્રુ જેવા અનેક કવિઓના કાવ્યો અસ્તિત્વવાદને રજૂ કરે છે. મધુ રાય, રાધેશ્યામ શર્મા, શ્રીકાંત શાહ, કિશોર જાધવ, જીગ્નેશ બ્રહ્મભટ્ટ જેવા આધુનિક કાળ અને એ પછીના કાળના લેખકોની ટૂંકી વાર્તાઓમાં અસ્તિત્વવાદની અસરો જોઈ શકાય છે.