રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રણય કલહ પર ગીત
પ્રણય સંબધમાં, પ્રેમીઓ
દરમિયાન થતાં કલહને પ્રણય કલહ કહે છે. પણ જેવુ કલહને પ્રણયનું વિશેષણ જોડાય કે તરત એનું મૂળ સ્વરૂપ સમૂળગું બદલાય જાય છે. કલહ અને પ્રણયકલહમાં જમીન- આસમાનનો ફરક છે. દાખલા તરીકે કોઈ પણ કલહને ચોક્કસ અને નિશ્ચિત કારણ હોય છે જ્યારે પ્રણયકલહમાં ખૂબ મામૂલી કે નહિવત કારણ પણ વિખવાદ સર્જી શકે છે. સામાન્ય કલહમાં માણસનો અહંકાર મોટો ભાગ ભજવે છે અને ભૂલ ન સ્વીકારવાના અહંકારમાં કલહ વકરતો હોય છે જ્યારે પ્રણયકલહમાં કોઈ એક પક્ષ બિનશરતી માફી માંગવા તૈયાર હોય છે અને સામેવાળો પક્ષ એવી સ્થિતિમાં પણ સમાધાન માટે ઉત્સુક ન હોય એવું દૃશ્ય ઊભું થતું હોય છે. એનું કારણ એ છે કે પ્રણયકલહ કોઈ સમાધાન માટે કે કોઈ સમસ્યાના નિરકારણના ઉદ્દેશથી નથી હોતા. પ્રણયકલહ એ પ્રણયની અનેકવિધ ચેષ્ટાનો જ એક ભાગ છે અને એમાં સંચાલકભાવ પ્રણય હોય છે, કલહ નહીં. દાખલા તરીકે, ધૂમકેતુની ‘રજપૂતાણી’ વાર્તામાં નાયિકા પોતાના મૃત પતિના આત્માને તલવાર લઈ મારવા નીકળી પડે છે, એની સાથે વિવાદ કરે છે, તલવારના ઘા કરે છે – પ્રણયકલહનો આ વાર્તા એક પ્રશિષ્ટ નમૂનો છે કે આખરે આ કલહમાં રજપૂતાણી પણ દેહ છોડે છે! કેમકે એ કલહનો ઉદ્દેશ નાયિકા માટે નાયકના આત્માને હરાવી નાખવું એ નહોતો – જેમકે કોઈ પણ પ્રણયકલહમાં પ્રિયજનને ‘હરાવી નાખવું’ એ હેતુ હોતો જ નથી. સરોજ પાઠકની વાર્તા ‘ન કૌંસમાં, ન કૌંસ બહાર’ પ્રણયકલહની કથાનું અન્ય એક નમૂનેદાર ઉદાહરણ છે. પતિના અનેક મિત્રો અને પરિવારના સગાવહાલાઓ યજમાન બનતાં પરિવારની સ્ત્રી–નાયિકાને ખબર પડે છે કે કોઈક પરિચિત એમના ઘર નજીકથી પસાર થશે, સમયના અભાવે તે વ્યક્તિ ઘરે નહીં આવી શકે, તેથી નાયિકાનો પતિ કહે છે કે તેને મળવા સ્ટેશને જવાનું છે. આ માહિતી પતિ આપે છે અને નાયિકા પતિને સૂચના આપે છે કે તે વ્યક્તિને આગ્રહ કરી ઘરે લઈ આવજો અને કોઈક કારણોસર એ વ્યક્તિનું એ વિસ્તારમાં આવવાનું રદ્દ થાય છે. આટલી ઘટનામાં નાયિકના આત્મસંવાદથી વાચકને સમજાય છે કે આવનાર વ્યક્તિ નાયિકાનો એક કાળનો પ્રિયજન છે, કેમકે નાયિકના મનોસંવાદમાં તે વ્યક્તિ સાથેના કલહનો સૂર છે અને એ કલહના સૂરથી થતાં દરેક સંવાદ, ફરિયાદ અને ઉપલંભમાં વાચક ભારોભાર પ્રણય અનુભવી શકે છે. છેલ્લે તે વ્યક્તિ ન આવતા મામૂલી ઈજાથી નાયિકાનું ફૂટી પડતું રુદન પ્રણયકલહની પરિસીમા દાખવે છે. આમ, પ્રણયકલહના સાહિત્યમાં અનેક ઉદાહરણો છે.