Famous Gujarati Ghazals on Dishahin | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિશાહીન પર ગઝલો

ધ્યેય ન હોવું. જીવન

વિચિત્ર છે. વિના કોઈ ધ્યેય કે ઉદ્દેશ જીવવું આકરું થઈ પડે. મરીઝના શેર માફક મૂંઝાઈ જઈએ : એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું? રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે (મરીઝ) તમારે ક્યાંય જવાનું ન હોય તો તમે ઘરથી ન નીકળો પણ ઘરથી ક્યાંક પહોંચવા નીકળો અને અડધી રસ્તે પહોંચતા તમને જાણ થાય કે પહોંચવાનો અર્થ નથી તો? તો તમે ઘરે પાછા જઈ શકો પણ તમારા જીવનમાં તમારું ધ્યેય અદૃશ્ય થઈ જાય તો? જીવનમાં તમે પાછા વાળી ન શકો – અને આગળ કયા પહોંચવું એ સમજાતું ન હોય. આ દિશાહીન સ્થિતિ કવિ અને લેખકોને લખવા માટે, જીવનની અર્થ શૂન્યતાની વાત મૂકવા માટે ઉમદા તક પૂરી પાડે છે. ફ્રેંચ ભાષામાં સૅમ્યુઅલ બેકેટ લિખિત “વેઇટિંગ ફોર ગોદો” (૧૯૫૨) આધુનિક માનવની દિશાશૂન્ય અવસ્થા દર્શાવતું વૈશ્વિક સ્તરે ગણના પામેલું નાટક છે. અને આ નાટકની અસરો દુનિયાભરના ત્યારબાદના નાટકો પર પડી છે. મધુ રાયના એકાંકી ‘અશ્વત્થામા’માં શ્રાપરૂપે અમરત્વ પામેલ અશ્વત્થામા જીવનની નિરર્થકતા જે રીતે વહે અને સહે છે એ અસરદાર છે. લાભશંકર ઠાકર લિખિત નાટક ‘પીળું ગુલાબ અને હું’(૧૯૮૫)ની નાયિકા જે અભિનેત્રી છે એ વ્યાવસાયિક અને વાસ્તવિક જીવનના મિશ્રણમાં ભીંસાયા બાદ દિશાહીન થઈ જાય છે. કઈંક એ જ રીતે હસમુખ બારાડીના નાટક ‘આખું આયખું ફરીથી’(૧૯૯૧)ના મુખ્ય પાત્ર નાટક ભજવતા ભજવણીની બહાર સમાંતરે વહેવાર કરવા માંડે છે અને ગૂંચવાડા ઊભા થાય છે. ચંદ્રકાંત બક્ષીની નવલકથા ‘આકાર’(૧૯૬૩)નો નાયક યશ એની બૌદ્ધિક મુખરતાને કારણે જીવાતા જીવનના વિવિધ રસ વચ્ચે પણ વિરક્ત થતો જાય છે અને લક્ષ્યહીન અવસ્થામાં જીવે છે. ભગવતીકુમાર શર્માની વાર્તા ‘હું કયાં?’ના નાયકની સ્થિતિ અને ગતિ કરુણ રીતે લક્ષ્ય ખોઈ બેસે છે. કળામાં દિશાશૂન્ય સ્થિતિના આલેખનને ઔદ્યોગિકરણ અને તત્ત્વજ્ઞાનના વિકાસ સાથે સીધો સંબંધ છે. પાત્રોમાં સંવેદાતી ચૈતસિક હતાશાના મૂળમાં માનસિક ક્ષુબ્ધતા મોટો ભાગ ભજવે છે જે વિજ્ઞાનના વિકાસને પગલે – આ સૃષ્ટિ કોણે સર્જી અને શા માટે તથા આ સૃષ્ટિમાં માણસ તરીકે આપણે શું કે કોણ અને શા માટે – જેવા પાયાના પ્રશ્નો સર્જાયા છે.

.....વધુ વાંચો