રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોડાયરી પર ગઝલો
આમ તો ‘ડાયરી’નો અર્થ
ટચૂકડી નોંધપોથી થાય પણ વ્યવહારમાં ‘ડાયરી’ શબ્દ રોજનીશીના વિકલ્પે લોકપ્રિય થઈ પડ્યો છે. રોજનીશીના સ્વરૂપમાં ટૂંકી વાર્તાઓ લખાઈ છે. સ્ત્રીના સજાતીય, વિજાતીય અનુભવો અને મનોમંથનને આલેખતી બિંદુ ભટ્ટની નવલકથાનું જ નામ છે : ‘મીરા યાજ્ઞિકની ડાયરી’ ડાયરીનો અર્થ અસીમિત છે માટે ટૂંકી વાર્તા, કવિતા કે નવલકથા કોઈ પણ સ્વરૂપમાં ડાયરી કેન્દ્રમાં હોઈ શકે. કોઈ એક દિવસના કોઈ બનાવની વાતથી માંડીને આખા વરસ કે અમુક વર્ષો કે સમગ્ર જીવનની વાત ડાયરીમાં શક્ય છે. જન્મે મરાઠી અને ગુજરાતીમાં લખતા લેખક નરેન્દ્ર ફણસેના પુસ્તક ‘જિપ્સીની ડાયરી’માં આવતું લશ્કરી વાતાવરણ જુઓ : “...દુશ્મનના પ્રદેશમાં રાતના સમયે ગાડીઓએ જવું હોય તો અમારી ગાડીઓને વગર લાઇટે જવું જોઈએ. જરા જેટલી રોશની થાય તો દુશ્મનનો OP અમારી પોઝીશન તેના તોપખાનાને ખબર કરે અને ફરીથી અમારા પર બૉમ્બવર્ષા શરૂ થાય. અમારા વાહનો ધીમે ધીમે જતાં હતાં ત્યારે એવું લાગ્યું જાણે સડક પર ચાલતી મારી જીપની નીચે રોડા પડ્યા હોય તેવું લાગ્યું. નીચા વળીને જોયું તો સડક પર જીપની નીચે અને તેની આજબાજુમાં પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ પડ્યા હતા. કોઈકના લાડકવાયા – ભલે તે દુશ્મનના કેમ ન હોય, ત્યાં કાયમ માટે પોઢ્યા હતા. [કેપ્ટન નરેન્દ્ર ફણસે / જિપ્સીની ડાયરી] વિશ્વસાહિત્યમાં ‘ડાયરી ઑફ એન ફ્રેન્ક’ બહુ જ જાણીતી કૃતિ છે. હિટલરની તાનાશાહીનો વાસ્તવિક ચિતાર આપતી માંડ ચૌદ વર્ષની બાળા એન ફ્રેંન્કે ડચ ભાષામાં લખેલી આ ડાયરી ખરેખર તો આત્મકથાનાત્મક દસ્તાવેજ છે, પણ એનની ભાષા એટલી સમૃદ્ધ છે કે આ લખાણ દસ્તાવેજ માત્ર ન રહી સાહિત્ય ગણાય એવું લખાયું છે. આમ, ડાયરી વાસ્તવથી માંડી કલ્પના સુધીના દરેક પ્રકારનું વહન કરી શકે છે.