રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદ્રોપદી પર ગઝલો
દ્રૌપદી મહાભારતનું અગત્યનું
સ્ત્રીપાત્ર છે. દ્રૌપદીનું નામ એના પિતાના નામ પરથી પડ્યું : ‘દ્રુપદ’ની દીકરી ‘દ્રૌપદી.’ આ પાત્ર બે સંદર્ભોને કારણે લોકમાનસમાં સજ્જડ થઈ ગયું છે. એક તો કુંતીના માતા તરીકેના એક ગેરસમજપૂર્ણ સૂચનને કારણે અર્જુનને વરી હોવા છતાં બાકીના ચાર પાંડવોને પણ પતિ તરીકે સ્વીકારી દાંપત્યજીવન પાર કરનાર સ્ત્રી. બીજો સંદર્ભ યુધિષ્ઠિર જૂગટું રમતાં દ્રૌપદીને હારી જતાં હસ્તિનાપુરની રાજ્યસભામાં સહુ સમક્ષ જૂગટું જીતનાર તરીકે દુઃશાસનની દ્રૌપદીનું વસ્ત્રહરણ કરવાની ચેષ્ટા. વસ્ત્રહરણની ઘટનાના રાજકીય, સામાજિક, પારિવારિક અને વ્યક્તિગત એમ દરેક સ્તરે એકથી વધુ અર્થસંકેત નીકળે એવું એનું આલેખન છે. સ્ત્રીની સ્થિતિ બદલ એ એક વૈશ્વિક કક્ષાનું વિધાન છે. ધર્મ, શાસન, નીતિ અને વિવેકના સ્તર માટે લિટમસ પેપરની કસોટી જેવું સચોટ ઉદાહરણ છે. આ સિવાય દ્રૌપદી અને શ્રીકૃષ્ણની મૈત્રીના સંબંધ પ્રચલિત છે. મહાભારતના યુદ્ધ માટે એકાધિક કારણો છે, પણ એમાંય એક કિસ્સાને નિમિત્તે દ્રૌપદીને પણ આ યુદ્ધ માટે કારણભૂત ગણવામાં આવે છે. એ કિસ્સો છે ‘મયદાનવ’ નામના યક્ષના મહેલમાં પાંડવો અને કૌરવો અતિથિ બન્યા હતા ત્યારનો એક બનાવ. મયદાનવ એ કાળનો સ્થાપત્યકલાનો જાણકાર અને રસિક હતો. એના મહેલમાં ભ્રમ નિપજાવતા બાંધકામ એણે કરાવ્યા હતા. અગ્નિ બળતો હોય એવું લાગે પણ ત્યાં અગ્નિ ન હોય કે જળાશય છે એમ ભાસે પણ ત્યાં પાણીનું ટીપું પણ ન હોય એવું સ્થાપત્ય એના મહેલમાં હતું. આવા ભ્રમને કારણે દુર્યોધન એક સૂકા સ્થાનને પાણી ભરેલી સમજી બેઠો હતો અને એ જોઈ દ્રૌપદીએ હસી પડતાં ઉપહાસમાં કહ્યું હતું : ‘આંધળાના દીકરા આંધળા જ હોય!’ જે દુર્યોધન માટે તેજોવધ સમાન હતું અને મહાભારતના યુદ્ધના બીજ દ્રૌપદીના આ વિધાનથી રોપાયા એમ કહેવાય છે. આ બનાવ કાલ્પનિક પણ હોઈ શકે, કેમકે આ બનાવમાં દ્રૌપદી જેટલી અવિચારી જણાય છે એવી મહાભારતના શેષ લખાણમાં એ ક્યાંય જણાતી નથી, પણ દંતકથા જેવી આ વાત અતિપ્રસિદ્ધ છે.