રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆધુનિકીકરણ પર અછાંદસ
માનવ જીવનના સંદર્ભમાં
જોઈએ તો આધુનિકતા એટલે વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં સમાજ અને સંસ્કૃતિમાં થયેલી એક વૈશ્વિક ગતિવિધિ, જે ઔદ્યોગિક જીવનના અનુભવ અને મૂલ્યો સાથે ઉચિત સંવાદિતાને અસર કરે છે. દાખલા તરીકે પગપાળા કોશો દૂર સંદેશ પહોંચાડનાર હલકારા અને ફોન પર પહોંચી જતાં સંદેશ. સંદેશવ્યવસ્થામાં આ આધુનિકીકરણ થયું છે. આવા પરિવર્તન જીવનના લગભગ દરેક પાસામાં આપણે અનુભવી શકીએ છીએ, જેનું શ્રેય ઔદ્યોગિકરણ અને વિજ્ઞાનને જાય છે. હજી તાજેતરના ભૂતકાળ સુધી કેટલાક અસાધ્ય રોગને નિવારવા બાધા આખડી રખાતી અને હવે મોટા ભાગના રોગ પર વૈદ્યકીય પ્રગતિએ કાબૂ મેળવી લીધો છે. સાહિત્યમાં આધુનિકતા એક સ્વતંત્ર વિષય છે. આધુનિકતાવાદી સાહિત્યનો ઉદ્ભવ ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીના પ્રારંભમાં થયો હતો. કવિતા અને ગદ્ય સાહિત્યલેખન બંનેમાં લખવાની પરંપરાગત શૈલીમાં એની અસર થઈ. આધુનિકતાવાદે સાહિત્યિક સ્વરૂપ અને રજૂઆત સાથે પ્રયોગ કર્યા. અનેક માનસશાસ્ત્રીઓ અને વિચારકોનો આધુનિકવાદને આકાર આપવામાં ફાળો છે. માનસશાસ્ત્રીઓ સિગ્મંડ ફ્રોઇડ (૧૮૫૬ -૧૯૩૯) અને અર્ન્સ્ટ માક(૧૮૩૮-૧૯૧૬)ના સિદ્ધાંતોએ પ્રારંભિક આધુનિકતાવાદી સાહિત્યને પ્રભાવિત કર્યું. અર્ન્સ્ટ માકે દલીલ કરી હતી કે મનની એક સ્વતંત્ર મૂળભૂત રચના છે. ફ્રોઇડના જણાવ્યા મુજબ, તમામ વ્યક્તિલક્ષી વાસ્તવિકતા મૂળભૂત ઇચ્છાઓ અને મૂળભૂત વૃત્તિના સંચાલન પર આધારિત છે, જેના દ્વારા બહારની દુનિયાને જોવાય છે. જ્હોન લોક(૧૬૩૨-૧૭૦૪)નો અનુભવવાદ સિદ્ધાંત છે કે મન કોરી પાટી છે. વ્યક્તિલક્ષી અવસ્થાઓનું ફ્રોઇડનું વર્ણન, જેમાં પ્રાથમિક આવેગોથી ભરપૂર અચેતન મન અને સ્વ સંચાલિત લાદવામાં આવેલા પ્રતિબંધોને પ્રતિ સંતુલિત કરવામાં આવે છે, તેને કાર્લ જંગ (૧૮૭૫-૧૯૬૧) દ્વારા સામૂહિક અચેતનના વિચાર સાથે જોડવામાં આવ્યું હતું કે સભાન મન કાં તો લડે છે અથવા સ્વીકારે છે. જ્યારે ચાર્લ્સ ડાર્વિનના કાર્યે “માનવ, પ્રાણી”ના એરિસ્ટોટેલિયન ખ્યાલનું જાહેર માનસમાં પુનઃનિર્માણ કર્યું. માનવજીવનના વિવિધ ક્ષેત્રોના વિદ્વાનોની ચર્ચા અને વિચારોનો સાહિત્ય પર પ્રભાવ પડતો હતો. આધુનિકતાવાદના અન્ય મુખ્ય પુરોગામી ફ્રેડરિક નિત્શેનો વિચાર કે મનોવૈજ્ઞાનિક એષણાઓ, ખાસ કરીને “શક્તિની ઇચ્છા”, હકીકતો અથવા વસ્તુઓ કરતાં વધુ મહત્ત્વની હતી. બીજી તરફ, હેનરી બર્ગસન (૧૮૫૯-૧૯૪૧) એ વૈજ્ઞાનિક ઘડિયાળના સમય અને સમયના પ્રત્યક્ષ, વ્યક્તિલક્ષી, માનવના અનુભવ વચ્ચેના તફાવત પર ભાર મૂક્યો હતો. સમય અને સભાનતા પરના તેમના કાર્યનો વીસમી સદીના નવલકથાકારો પર ઘણો પ્રભાવ હતો. સમાંતરે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ માનવજીવનની ઉત્પત્તિ અને આજ સુધીની જીવનશૈલી બાબત નવા અને વધુ વિશ્વસનીય તર્ક મૂકી રહ્યો હતો. દાર્શનિકો અસ્તિત્વવાદના સિદ્ધાંત મૂકી રહ્યા હતા અને કાર્લ માર્કસ અર્થશાસ્ત્ર અને મજૂરીના નવા સૂત્રોનો પરિચય કરાવી રહ્યા હતા. વિજ્ઞાનની પ્રગતિ અને ‘ઈશ્વર છે કે નહીં?’ જેવા નિત્શે સમાન વિચારકના મુદ્દાઓ – આ સઘળાંની અસર વૈશ્વિક સાહિત્ય અને કળા પર પડવી જોઈએ એ રીતે પડી. વિશેષતઃ ઈશ્વરના અસ્તિત્વની શંકાએ જીવનશૈલી અને સાહિત્ય સમેત કળાના કથનને મહદંશે પ્રભાવિત કરી. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાની વાત કરીએ તો એ પશ્ચિમની દેણ છે. ઉક્ત ઉલ્લેખનીય વિગતથી વૈશ્વિક અને પશ્ચિમી સાહિત્યમાં આમૂલ પરિવર્તન થયા. સાહિત્ય સર્જન અને સાહિત્ય વિવેચનની નવી અને જુદી ક્ષિતિજો ખૂલી અને પશ્ચિમના સાહિત્યના અધ્યયને ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ પાડ્યો. આ પ્રભાવમાં સિંહફાળો સુરેશ જોશીનો રહ્યો. એમણે બદલાતા અને બદલાયેલ સાહિત્ય પ્રવાહનો અનુવાદ પણ ગુજરાતીમાં મૂક્યો અને એના સિદ્ધાંતો પણ પરિચિત કરાવ્યા. ઉપરાંત મૌલિક સર્જન પણ રચ્યું. એમની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનું બ્યૂગલ વગાડે છે. એમના સમકાલીનો અને પછીના સર્જકો પર આ નવીન ધારાનો ખાસ્સો પ્રભાવ રહ્યો. મધુ રાય, ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી, રાવજી પટેલ, રમેશ પારેખ, અનિલ જોશી, આદિલ મન્સૂરી, લાભશંકર ઠાકર, ધીરુ બેન પટેલ, ભગવતીકુમાર શર્મા, રાધેશ્યામ શર્મા, ચિનુ મોદી, હરીન્દ્ર દવે, સરોજ પાઠક, પિનાકીન દવે, મનહર મોદી, ચંદ્રકાંત શેઠ, સુવર્ણ રાય, ઇન્દુ પુવાર, રમેશ શાહ જેવા લેખકોનો ગુજરાતી આધુનિક સાહિત્યના સર્જનમાં પાયાનો ફાળો રહ્યો. સાહિત્યની વિવિધ વિધાઓમાં આ લેખકોએ કામ કર્યું.