Famous Gujarati Free-verse on Prayogatmak | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રયોગાત્મક પર અછાંદસ

પ્રયોગ કરવો એટલે પરંપરાથી

જુદું કરવું, પ્રથમ વેળા કશુંક કરવું, અખતરો કરવો, ઘરેડ કરતાં કશુંક અલગ કરવું. આમ ભિન્ન શૈલીથી કરવામાં આવેલ કામ કે પ્રકલ્પને ‘પ્રયોગાત્મક’ કહે છે. સાહિત્યમાં પણ પ્રયોગનું મહત્ત્વ છે, કેમકે દરેક સાહિત્ય પ્રકારમાં પરંપરાગત શૈલીઓ રૂઢ થઈ છે અને કળા રૂઢશૈલીમાં રહે તો એનું અસ્તિત્વ ખોઈ બેસે. આથી સાહિત્યકારો સમયાંતરે પરંપરા તોડતા રહે છે અને નવી રીતે રજૂઆત કરતાં રહે છે. કવિ નર્મદે જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે ગુજરાતી ભાષામાં દલપતરામની લખવાની શૈલી રૂઢ હતી. નર્મદે ત્યારે ‘જોસ્સા’ ભરી ભાષામાં અને આક્રમક સૂરમાં લખવું શરૂ કર્યું જે તત્કાલીન સમયે પ્રયોગ ગણાતું હતુ. નર્મદની શૈલીએ સાહિત્યમાં પ્રાણ ફૂંક્યો એમ કહી તો ચાલે એટલો હકારાત્મક પ્રયોગ એ રહ્યો. બ. ક. ઠાકોર, કાન્ત, કૃષ્ણલાલ શ્રીધરાણી, સુંદરમ્, ઉમાશંકર જોશીથી માંડીને રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત સુધીના કવિઓએ છંદ વિધાનમાં જુદાં જુદાં તબક્કે જુદાં જુદાં પ્રયોગો કર્યા. ચંદ્રકાંત શેઠ ‘વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા’ શીર્ષક સાથેના કાવ્યસંપાદનના પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે ‘...ઉમાશંકરના ‘છિન્ન ભિન્ન છું’ કાવ્યે તો છંદોલયના ચતુર્વિધ મિશ્રણનો એક વિલક્ષણ પ્રયોગ ૧૯૫૬માં આપી આધુનિક ગુજરાતી કવિતાનાં છંદોલય અને બાનીના ભાવવિકાસનો એક નકશો આલેખી આપ્યો...’ છંદોમાં નવી રજૂઆત ઉપરાંત, પુરા મિથકોનો ઉપયોગ, ગીત રચનામાં વૈવિધ્ય, ગઝલોમાં અરૂઢ વિષયોનું ખેડાણ, અછાંદસની રચનાઓ ઇત્યાદિ થકી અનેક પ્રયોગોના બળથી સમૃદ્ધ થઈ ગુજરાતી કવિતા આજની સ્થિતિમાં પહોંચી છે. ગુજરાતી ગદ્યમાં પણ શરૂઆતની નવલકથા ઇતિહાસ અને રાજાની ગાથા રજૂ કરી રહી હતી, પછી સામાજિક અને સામાન્ય માણસની અંગત વાત રજૂ કરતી વિશાળ ફળકની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ એ જે–તે સમયે એક પ્રયોગ હતો. પંડિતયુગ અને ગાંધીયુગમાં સમાજ અને ‘સારપ’ના વિષયો પર લખાતી નવલકથાઓ બાદ મધુ રાય અને ચંદ્રકાંત બક્ષી નવલકથામાં વ્યક્તિગત સ્તરનું નિરૂપણ લઈ આવ્યા, જે આવશ્યક અને અસરદાર પ્રયોગ હતો. શ્રીકાંત શાહે ‘અસ્તી’ લઘુનવલ સાથે સાવ જુદો પ્રયોગ આપ્યો. ભગવતીકુમાર શર્માએ ત્યારે ‘મૂલ્ય ધ્વંસ માટેનું સાહિત્યિક બહારવટિયું’, અને ‘ઘોંઘાટની ઈયળમાંથી શબ્દનું પતંગિયું’ જેવો પ્રતિભાવ ‘અસ્તી’ માટે આપેલો. અન્ય અનેક સાહિત્યકારોએ આ પ્રયોગને આવકાર આપ્યો હતો. જોકે આ પ્રયોગ બહુ સફળ થયો એમ ન કહી શકાય, પણ પ્રયોગ સફળ થશે કે નહીં તે તેના અમલ અગાઉ કહેવું મુશ્કેલ હોય છે. પ્રયોગ સફળ કે અસફળ થશે એની પળોજળમાં પડ્યા વગર પ્રયોગ થતાં રહે એ મહત્ત્વનું છે. કેમકે, બંધિયાર સુરક્ષા કરતાં અનિશ્ચિતતાપૂર્ણ અસુરક્ષા આવકાર્ય, જેથી નવી શૈલી વિકસી શકે. ગુજરાતી વાર્તાઓમાં થયેલા પ્રયોગો એક સ્વતંત્ર લેખનો વિષય છે. હાલ વૈશ્વિક સ્તરે ‘ગ્રાફિક નવલકથા’ના પ્રયોગ ચાલી રહ્યા છે. જે આજે નહીં તો કાલે ભારતીય ભાષામાં પણ થશે જ.

.....વધુ વાંચો

અછાંદસ(1)