ઈડિપસ ગ્રંથિ પર દીર્ઘ કાવ્ય
ઈડિપસ ગ્રંથિ એટલે પુત્રની
માતા પ્રત્યે જાતીય આકર્ષણ દર્શાવતી ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ એટલે પુત્રીની પિતા પ્રત્યેની જાતીય આકર્ષણ દર્શાવતી ગ્રંથિ. માનસશાસ્ત્રી ડૉ. સિગ્મંડ ફ્રોઇડના સિદ્ધાંત અનુસાર પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની શારીરિક આસક્તિ અને જાતીય સહચાર માટેની ઇચ્છાગ્રંથિ તેમજ આ ગ્રંથિઓના પૂરક સમાન પુત્રની પિતા પ્રત્યેની અને પુત્રીની માતા પ્રત્યેની ઈર્ષાની ગ્રંથિ. આ બંને ગ્રંથિઓને ગ્રીક દંતકથાના પાત્રો સાથે સાંકળી લઈને ડૉ. સિગ્મંડ ફ્રોઇડે આ સિદ્ધાંતના નામ આપ્યા. દંતકથા અનુસાર રાજા ઈડિપસ અજાણતા જ પોતાના જ પિતાની હત્યા કરીને પોતાની માતા સાથે લગ્ન કરે છે. બીજી એક કથા અનુસાર ઇલેક્ટ્રા પોતાની માતાની હત્યા કરાવવામાં કારણભૂત બને છે અને પિતા સાથે જાતીય સંબંધ બાંધે છે. સંતાનના ઉછેર દરમિયાન માતા–પિતાનો સંતાન સાથે તેમજ સંતાન સમક્ષ એકમેક સાથેનો સંબંધ બાળમાનસ પર ઊંડી અસર છોડે છે. ઈડિપસ ગ્રંથિનો સિદ્ધાંત વ્યક્તિની પુત્ર તરીકેની માનસિકતા, પુત્ર તરીકેના વ્યવહારમાં માનસિક બંધારણ પર માતા–પિતાના વ્યવહારની અસરનો તાળો આપે છે. આ વિષયને સ્પર્શતી સાહિત્યકૃતિઓમાં ઈડિપસ ગ્રંથિ સંજ્ઞા અપેક્ષિત છે.