રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોછાંયડો પર ગઝલો
સૂર્યપ્રકાશને કોઈ પણ
પદાર્થ રોકે ત્યારે એટલા હિસ્સાને ‘છાંયડો’ કહે છે. વ્યક્તિના પડછાયાને ‘પડછાયો’ કહે છે અને વ્યક્તિ સિવાય કોઈ પણ પદાર્થના પડછાયાને ‘છાંયડો’ કહેવાય છે. લોકભાષા અને સાહિત્યમાં છાંયડો હકારાત્મક અને નકારાત્મક, બંને રીતે વપરાય છે. કોઈકના ઉત્તમ વિકાસ માટે એ વ્યક્તિનો ઉછેર કરનાર કે ઉચિત માર્ગદર્શન આપનાર માટે જેની તેની ‘છત્રછાયા’ શબ્દ છે જે છાંયડા પરથી પ્રેરિત છે. બૂરી સંગતમાં અનુચિત કામ કરનાર માટે ખોટા છાંયડામાં રહે છે એમ કહેવાય છે. પ્રભાવશાળી અને માલિકીભાવ ધરાવતા વ્યક્તિત્ત્વની નજીકના લોકો સ્વતંત્ર વિકાસ નથી કરી શકતા એના માટે વાક્યપ્રયોગ છે કે ‘મોટા ઝાડની છાયામાં નાના છોડ ઉછરી નથી શકતા.’ સ્વાર્થી અને સ્વકેન્દ્રી અભિગમ સાથે વિકાસ સાધનાર માટે કબીરનો હિન્દી દોહો ‘બડા હુઆ તો કયા હુઆ જૈસે પેડ ખજૂર, પંછી કો સાયા નહીં ફલ લાગે અતિદૂર’ ગુજરાતી લોકબોલીમાં વણાઈ ગયો છે. માનસિક સંતુલન ખોઈ બેસનારને લોકભાષામાં ‘ખોટો છાંયડો પડી ગયો’ એમ કહે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને સહારો આપવા બદલ ‘પોતાના છાંયડામાં લઈ લીધો’ એમ વાક્યપ્રયોગ છે. અનુભવવૃદ્ધ વ્યક્તિ માટે ‘જીવનની તડકી - છાંયડી જોનાર/ વેઠનાર’ વાક્યપ્રયોગ છે. ખલીલ ધનતેજવીનો એક શેર છે : આપની આ રેશમી ઘનઘોર જુલ્ફોની ઘટા, છાંયડો આથી વધારે ક્યાંય પણ હોતો નથી. (ખલીલ ધનતેજવી) વિનોદ જોશીના એક કાવ્યનો અંશ જુઓ : પતંગિયું આજે ય લીલાં ઘાસ વચ્ચે પીળા વાંસવનમાં તારા પીળા પાલવનો છાંયડો શોધે (વિનોદ જોશી) આમ, છાંયડો આપણા જીવનમાં સૂર્યપ્રકાશની જેમ હિસ્સો ધરાવે છે. માટે વાર્તા – કવિતામાં એનો ઉલ્લેખ સહજ છે.