રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆધુનિક કવિતા પર અછાંદસ
શબ્દકોશ અનુસાર આધુનિક
એટલે હાલનું, હમણાંનું, તાજું. જ્યારે સાહિત્યમાં આધુનિક સંજ્ઞા ઉમેરીએ ત્યારે એના સંદર્ભ બદલાઈ જાય છે. આધુનિક સાહિત્યકૃતિ એટલે હાલમાં લખાતી કૃતિ -એટલું સાદું ગણિત નથી. સાહિત્ય કે કવિતા મૂળતઃ અભિવ્યક્તિ છે. એ અભિવ્યક્તિમાં કેવું નાવીન્ય કે તાજગી છે એ ચકાસવું રહ્યું. આ નાવીન્ય સમયના નહીં, પણ અસરના સંદર્ભમાં જોવું રહ્યું. એક કાવ્યચર્ચામાં હરીન્દ્ર દવેએ મહાભારતના યુદ્ધ બાદ અર્જુનને સ્વપ્ન આવે છે કે એ હાડકાઓના ઢગલા પર બેઠો છે. યુદ્ધની જીવલેણ પ્રક્રિયા વિજય પછી વિજેતાને નિર્જીવ શબોનો રાજા બનાવે એવી અર્થશૂન્ય હોય છે એમ સૂચવતા મહાભારતના એક અંશને ટાંકી એ કેવી આધુનિક રજૂઆત છે એ વર્ણન લખ્યું હતું. અર્થાત આધુનિક સાહિત્યને સર્જનકાળ સાથે ઓછી અને કથનની રજૂઆત સાથે વધુ નિસ્બત છે. એ સિવાય આ સંજ્ઞાને સમજવાનો પ્રયાસ કરીએ તો એક પાસું કૃતિના વિષય પણ છે. માણસનું જીવન આધુનિક બન્યું એના પડઘા સાહિત્યમાં પડ્યા. ઔદ્યોગિકરણ એ માનવજીવનના આધુનિકીકરણનો મુખ્ય વળાંક છે. આમ, આધુનિક જીવનશૈલીને લાગતું સાહિત્ય અને સાહિત્યમાં આધુનિકતા આ બંને ભિન્ન ફાંટા છે. સાહિત્યકૃતિમાં આધુનિકતા બાબતના લક્ષણો : રજૂઆત શૈલી અને કથનવસ્તુ – આ બે તત્ત્વો પરથી નક્કી થઈ શકે. પ્રતિકાત્મકતા, વાસ્તવવાદ, અતિવાસ્તવવાદ, અસ્તિત્વવાદ ચોક્કસપણે આધુનિક કૃતિના લક્ષણો ગણી શકાય. પણ આ સંજ્ઞાઓ આધુનિક કૃતિ માટેનું પ્રમાણપત્ર નથી જ. આખરે તો કૃતિનું સ્વરૂપ તે આધુનિક છે કે નહીં તે નક્કી કરવામાં યોગ્ય રહે. ઉક્ત લક્ષણો હોય, પણ કૃતિ આધુનિક ન હોય એમ બને અને એનાથી વિપરીત ઉક્ત લક્ષણો ન હોય પણ કૃતિ આધુનિક હોય એમ પણ બને.