દિલ્હી પર અછાંદસ
દેશના પાટનગર તરીકે દિલ્હીનું
સ્વાભાવિકપણે મોખરાનું રાજકીય મહત્ત્વ છે. દિલ્હી શહેરનું ઐતિહાસિક પાસું પણ સમગ્ર દેશ માટે અસરદાર રહ્યું છે, કેમકે આ શહેર શરૂઆતથી દેશની સત્તાનું કેન્દ્ર રહ્યું છે. ‘દિલ્હી હજી દૂર છે’ કહેવતના મૂળમાં દિલ્હીમાં રહેલા સત્તા સંકેત છે. આ કહેવત ચોક્કસ પ્રાપ્તિ માટે હજી સમય લાગશે એ અર્થમાં કહેવાય છે અને સત્તા એટલે પ્રાપ્તિ એવા અર્થમાં પ્રાપ્તિના વિકલ્પે કહેવતમાં દિલ્હી ગોઠવાઈ ગયું છે. ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો મુંબઈ કે અમદાવાદ કે ગુજરાતના અન્ય શહેરો કરતાં દિલ્હી વિષે ઓછું લખાયું છે, કારણ કે લેખક કે કવિ પોતાના અનુભવ અને નિરીક્ષણ પરથી પોતાની કૃતિઓ રચે છે. આથી ભારતીય અંગ્રેજી લેખક પત્રકાર ખુશવંત સિંહ જેટલા અધિકારથી ‘દિલ્હી’ જેવી શહેરના રેખાચિત્ર જેવી નવલકથા લખી શકે એટલા પોતીકાપણા સાથે કોઈ ગુજરાતી લેખક ન લખી શકે. ખુશવંત સિંહ દિલ્હીમાં અને દિલ્હીને જીવ્યા છે. ગુજરાતી ભાષામાં દિલ્હી કેન્દ્રમાં હોય એવી છૂટી છવાઈ કવિતાઓ છે. રાજકીય કામકાજ સંબધે કેટલોક સમય ઉમાશંકર જોશી દિલ્હી રોકાયા હતા એના પરથી પ્રેરિત ‘અલવિદા દિલ્હી’ નામનું એમનું કાવ્ય છે અને કૃષ્ણલાલ શ્રીધરાણીનું એક કાવ્ય છે જેનું શીર્ષક ‘આઠમું દિલ્હી’ છે. આ કાવ્યમાં દિલ્હી સત્તાનું કેન્દ્ર રહ્યું હોવાનો ભાવ સૂચિત છે.