રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રતીકાત્મકતા પર પ્રતિકાવ્ય
પ્રતીકાત્મકતા એટલે પ્રતીકપણું
કે પ્રતીક હોવું. પ્રતીક એટલે શું એ સમજી લઈએ. શબ્દકોશ અનુસાર ‘પ્રતીક’ એટલે આદર્શ કે નમૂનો. વહેવારમાં પ્રતીક પ્રતિનિધિ જેવા અર્થમાં પણ વપરાય છે. જેમકે કોઈ વ્યક્તિ અપૂર્વ શૌર્ય દાખવે તો એ વ્યક્તિના ગામના લોકો એ ‘શૂરવીર’ના નામે ગૌરવ લે કે ‘એ અમારા ગામની વીરતાનું પ્રતીક છે.’ સાહિત્યમાં પ્રતીકનો અન્ય એક અર્થ છે જે બહુ જુદો છે. કવિ કે લેખક કૃતિની રજૂઆતમાં પરોક્ષપણે વાત મૂકતો હોય છે. શબ્દશઃ રજૂઆત કળાકૃતિમાં હોતી નથી, જે છે એનું યથાવત વર્ણન અહેવાલ બની જાય, કળા હકીકતને પરોક્ષ રીતે રજૂ કરતી હોય છે. આમ કરવા માટે સાહિત્યકાર એક કલ્પન રચતો હોય છે એ કલ્પનમાં હકીકતની વસ્તુ કે વ્યક્તિના જે પ્રતિનિધિ હોય એને પ્રતીક કહેવાય. દાખલા તરીકે પ્રહ્લાદ પારેખનું એક ગીત છે : તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને : આ પારે શું વા સામે પાર, જેને તારો ઇતબાર! આ ગીતનો આખરી અંતરો છે : તરશે કે ડૂબશે હોડી, દિયે એ ઉચાટ છોડી : એવા વળી શાને ભરે ભાર, જેને તારો ઇતબાર! (તારો ઇતબાર / પ્રહલાદ પારેખ) અહીં કવિ સંસાર માટે સાગરનું કલ્પન બનાવી જીવન કે આત્માના પ્રતીક તરીકે હોડીને રજૂ કરે છે. આ જ પ્રમાણે ગદ્યમાં પણ લેખક સૂચિત પદ્ધતિએ વાત મૂકતા હોય છે. હિમાંશી શેલતની વાર્તાનું આ વાક્ય જુઓ : ‘... ‘કેવી ૨હી મુસાફરી?’ એ પૂછશે, ખાલી પૂછવા ખાતર જ, કા૨ણ વત્સલાનો આનંદ એના ચહેરા ૫૨ જ હશે. સૂકી ભઠ, બળબળતી ધરતી ૫૨ મન મૂકીને વરસેલા વરસાદની ભીની સુગંધ એની વાર્તામાંથી વહી આવશે...’ (સુવર્ણફળ / હિમાંશી શેલત) અહીં મોટી વય સુધી અવિવાહિત રહેલી વત્સલા વિવાહ કરશે એવું કથાનક છે. લાંબા સમય સુધી પ્રેમ કે શૃંગારથી વંચિત વત્સલા વિવાહ બાદ શું શું અનુભવશે? એ સૂચવવા લેખકે બળતી ધરતી અને વરસાદના પ્રતીક યોજ્યા છે. કૃતિમાં આમ પ્રતીક હોવા એ પ્રતીકાત્મકતા છે. પ્રતીક સાહિત્યનું મુખ્ય અંગ છે એમ કહી શકાય.