રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોધર્મદંભ પર અછાંદસ
કોઈ પણ પ્રકારનો દંભ
અનુચિત છે, નુકસાનકર્તા છે. એ સહુ દંભમાં ધર્મદંભ સહુથી વધુ જોખમી અને ઘાતક છે. કેમકે ધર્મ એક પાવક અને રચનાત્મક સંકલ્પના છે. વ્યવહારના સર્વ સદ્ગુણ ધર્મમાં સામેલ છે. જ્યારે ધર્મના ઓઠા હેઠળ દંભ થાય ત્યારે સર્વ સદ્ગુણોની પ્રતિભાને લૂણો લાગે છે. સામાન્ય માણસનો ધર્મ પરથી વિશ્વાસ ડગી જાય છે. કરસનદાસ મૂળજી નામના પત્રકાર અને સમાજ સુધારકે ૧૮૫૫માં ‘સત્ય પ્રકાશ’ નામનું સામયિક શરૂ કરેલું, જેમાં વૈષ્ણવ ધર્મમાં ચાલતી દંભલીલાના અહેવાલ રજૂ કરેલા. એ અહેવાલોને કારણે ચગલો વિવાદ અદાલત સુધી પહોંચ્યો હતો જેમાં કરસનદાસની જીત થઈ હતી. રાવણે સીતાનું અપહરણ કર્યું હતું એ સાધુના વેશમાં કર્યું હતું. માટે એ રાવણનો ધર્મદંભ હતો. ધર્મની વ્યાખ્યા વિશાળ છે, કેવળ ભગવાન કે આસ્થા પૂરતો ધર્મ સીમિત નથી. ધર્મનો અર્થ કર્તવ્ય પણ થાય છે. કોઈ પણ પ્રકારની અનીતિ એ અધર્મ છે. લાંચ લેતો અધિકારી પોતાના કાર્યધર્મનો દ્રોહ કરે છે માટે એ પણ ધર્મદંભ છે. અનીતિ કથારચના માટે અગત્યનું તત્ત્વ રહ્યું છે. માટે ધર્મદંભ પ્રગટ કે પરોક્ષપણે કથાસાહિત્યમાં આલેખાતો રહે છે. રમણભાઈ નીલકંઠની સુવિખ્યાત હાસ્ય નવલકથા ‘ભદ્રંભદ્ર’ (૧૯૦૦) ધર્મદંભ પર ઉચ્ચ કોટિની કટાક્ષકથા છે. એનો નાયક પોતાને હિન્દુ સનાતન ધર્મનો સંરક્ષક માને છે, પણ એ માર્ગે આવતા પડકારોને ઝીલવાને બદલે પલાયનવાદી વલણ દાખવે છે. ત્યારબાદ ૧૯૧૦ની સાલમાં પ્રકાશિત થયેલી સૌ. સુમતિ મહેતા લિખિત સામાજિક નવલકથા ‘સુરેશ અને યશોધરા’ અધ્યાત્મના ક્ષેત્રે ભ્રામક વિચારો ધરાવતા પાત્રનું આલેખન થયું છે. તત્કાલીન સમયને ધ્યાનમાં રાખતા આવું પાત્ર લખાય એ અચરજ અને આનંદની વાત કહેવાય. કનૈયાલાલ મુનશીની નવલકથા ‘જય સોમનાથ’(૧૯૪૦)માં સોમનાથ મંદિરને પ્રતીક ગણીએ તો કથામાં આવતા યુદ્ધ ધર્મના રખોપા માટે છે. સત્તા તથા નાયિકા ચૌલા પ્રત્યે આસક્ત શિવરાશી ધર્મ દંભ આચરે છે એમ કહી શકાય, કેમકે ચૌલા ન મળતાં ઈર્ષ્યાથી પ્રેરાઇને શિવરાશી શત્રુ હમ્મીરને ગુપ્તમાર્ગની બાતમી આપી દે છે! બિપિન પટેલની ટૂંકી વાર્તા ‘પંચદ્રવ્ય’ એક સૂચક રાજકીય વાર્તા છે. શાસન પ્રજાને પોતાના સ્વાર્થ માટે કઈ રીતે ગીનીપીગ બનાવે છે એની વાત છે. પ્રયોગ માટેનું પાણી ‘પંચદ્રવ્ય’ તરીકે ઓળખાવાય છે. આપણા દેશમાં ધાર્મિક સંજ્ઞાઓ લોકોને ભરમાવવા માટે કેવી કારગત નીવડે છે એનો આ એક નમૂનો છે. ધર્મ સાથે સત્તા જોડાય ત્યારે એમાં દ્રોહ અને દંભની શક્યતાઓ ઊભી થાય છે એ વ્યવહાર અને કળામાં નિપજતી હકીકત છે.