નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકબિલ' તિરસ્કારે;અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી.
આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.
ન હો કેમ દર્દીલી ‘ઘાયલ’ની ગઝલો?દરદમાં જ પાગલ ખતમ થઈ ગયો છે.
કર્યા પાગલ ઘણાને રૂપથી આંજી મહોબ્બતમાં,ભલા થઈને હવે શાણો જગે એકાદ રે'વા દે.
પાગલ કરી શકે છે જેનો અવાજ સુધ્ધાં,એ આગમી અડ્યો છે, જલ્દી ઇલાજ કરજે.
હે દીપિકા! જો સમજણ સૌંદર્ય હોત પામ્યું,પ્રખ્યાતિ તું ન ચાહત પાગલ પતંગ દ્વારા.
તારા વિશે તું સાવ બેફિકર કાં થઈ ગયો?ઈલાજ કર પાગલ થયેલાં આંખકાન છે.
સમયના આ સવાલો તો મને પાગલ કરી દેશે,સુરાલયથી કોઈ લઈ આવો મારી હોશિયારીને.
દુઃખથી ટેવાયેલું હૈયું શાંતિ મેળવશે શું કિનારે?જા મઝધારે પાછો, પાગલ! આવ્યો તેવો તરતાં-તરતાં.
પાગલ નદી આવી ચડી ને ચાંદની ભરપૂર થઈહું રેતરણનો મૃત પવન, બસ ત્યારથી સાગર બન્યો
અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.
આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારું ઇલાજો શા માટે?
હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!
નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે;હૃદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું.
તું ‘શૂન્ય’ કવિને શું જાણે? એ કેવો રૂપનો પાગલ છે!રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.