isharoy kewo mabham thai gayo chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઇશારોય કેવો મભમ થઈ ગયો છે

isharoy kewo mabham thai gayo chhe

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
ઇશારોય કેવો મભમ થઈ ગયો છે
અમૃત ઘાયલ

ઇશારોય કેવો મભમ થઈ ગયો છે!

અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે.

દૂભવવું દુનિયાનો ક્રમ થઈ ગયો છે;

તડપવું દિલનો નિયમ થઈ ગયો છે.

ફરી દિલનો ઘેરો જખમ થઈ ગયો છે;

ચલિત પ્રેમ સાબિત કદમ થઈ ગયો છે.

હવે ગમ હકીકતમાં ગમ થઈ ગયો છે;

સુગમ કોયડો બહુ વિષમ થઈ ગયો છે.

જખમ ખુદ જખમનો મલમ થઈ ગયો છે;

ઘણી વાર એવોય ભ્રમ થઈ ગયો છે.

અમે એક ફાટેલ પ્યાલો પીધો’તો,

નવાઈ છે પણ હજમ થઈ ગયો છે.

નજર એમણે ફેરવી શું લીધી છે!

જીવનમાં ઘણો કેફ કમ થઈ ગયો છે.

અમારા હાથે અમારા માથે,

ઘણી વાર ભારે સિતમ થઈ ગયો છે.

જુવાનીના સોગન! જુવાનીના મદમાં,

જુવાની ઉપર પણ જુલમ થઈ ગયો છે.

ઘણી વાર વેરણ દયા થઈ ગઈ છે,

ઘણી વાર વેરી ધરમ થઈ ગયો છે.

નથી આંખમાં છાંટ સુધ્ધાં શરમની,

જમાનોય બહુ બેશરમ થઈ ગયો છે!

નહીં ચાલવા દે અંધેર આવું,

નવાં માનવીનો જનમ થઈ ગયો છે.

હો કેમ દર્દીલી ‘ઘાયલ’ની ગઝલો?

દરદમાં પાગલ ખતમ થઈ ગયો છે.

સ્રોત

  • પુસ્તક : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004