tamari yadman ranni rajeraj tarabtar magi - Ghazals | RekhtaGujarati

તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી

tamari yadman ranni rajeraj tarabtar magi

મુકબિલ કુરૈશી મુકબિલ કુરૈશી
તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી
મુકબિલ કુરૈશી

તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી;

ફૂલો પાસે જઈ જઈને તમારી નિત ખબર માગી.

મોહબ્બતમાં અમે ચાર વસ્તુ ઉમ્રભર માગી;

જિગર માગ્યું, નઝર માગી, અસર માગી, સબર માગી.

ખરેખર સમયની પણ છે બલિહારી અરે જીવન!

ચમન પાસે અમે તો ભરવસંતે પાનખર માગી.

ઊઠ્યા ના હાથ પૂરા ત્યાં તો મંજૂર પણ થઈ ગઈ;

ખરેખર મુજ દુઆ કાજે ભલા કો'કે અસર માગી.

ધરા ત્યાગી શકાયે ના, રગેરગ લૂણ છે એનું;

અમે જન્નત-જહન્નમ બેય ધરતી ઉપર માગી.

બતાવી માર્ગ કોઈને જીવન-સિદ્ધિ વરી લીધી;

વિલયને નોતરી લીધો, સિતારાએ સહર માગી.

પ્રણયમાં તર્ક-વિતર્કો સદા બુદ્ધિ! કર્યાં કર તું;

નથી દીવાનગીએ કોઈ દી લાંબી નઝર માગી.

મુકદરને સદા આગળ ધરે છે માનવી ત્યારે;

મળે છે જિંદગીમાં જ્યારે કો' વસ્તુ વગર માગી.

પતંગાએ તો પળભરમાં બળી ઠારી લીધું હૈયું;

બિચારી દીપિકાએ બળતરા રાતભર માગી.

નથી થાવું કદી મંઝિલને રસ્તે એના આભારી;

વિસામો કો' ઉતારા પર પ્રહર કે બે પ્રહર માગી.

નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકબિલ' તિરસ્કારે;

અમે બેકદર દુનિયા કને સાચી કદર માગી.

સ્રોત

  • પુસ્તક : પમરાટ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : મુકબિલ કુરૈશી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1958