thai jay to sarun - Ghazals | RekhtaGujarati

થઈ જાય તો સારું

thai jay to sarun

નાઝિર દેખૈયા નાઝિર દેખૈયા
થઈ જાય તો સારું
નાઝિર દેખૈયા

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું;

ભલે ગંગા સમું મુજ પતન થઈ જાય તો સારું.

નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને;

પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું.

અધવચથી મારાં દ્વાર પર પાછા ફરી આવે;

જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.

નહીં તો મિલનની પળ મને પાગલ કરી દેશે;

હૃદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું.

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું!

અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.

જીવનભર સાથ દેનારા, છે ઇચ્છા આખરી મારી,

દફન તારે હાથે તન-બદન થઈ જાય તો સારું.

વગર મોતે મરી જાશે ‘નાઝિર' હર્ષનો માર્યો,

ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4