રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોટાબરો કરીને એક ઉંદર હતો. એણે એક વાર હાથી જોયો. એને થયું કે હું આવડો હાથી જેવડો હોઉં તો કેવું સારું! એણે કૌરવ કાગડાને વાત કરી. કૌરવ દેશવિદેશ ફરેલો. એ બધું જાણે. એણે કહ્યું : ‘તું પેલા ફતા વૈદ પાસે જા!’
ટાબરો ફતા વૈદને ઘેર ગયો. કહે : ‘વૈદરાજ, મારે હાથી થવું છે.’
ફતો વૈદ કહે : ‘બસ, એક ગોળીનું કામ! એક ગોળીના એક હજાર રૂપિયા થશે!’
ટાબરો કહે : ‘એક હજાર નહિ, બે હજાર લો!’
એણે વૈદ આગળ રૂપિયાનો ઢગલો કરી દીધો. ફતા વૈદે લાકડાની પેટીમાંથી પિત્તળની પેટી કાઢી, પિત્તળની પેટીમાંથી તાંબાની પેટી કાઢી, તાંબાની પેટમાંથી ચાંદીની પેટી કાઢી અને ચાંદીની પેટીમાંથી એક કાચની શીશી કાઢી. શીશીમાં માત્ર એક ગોળી હતી. ફતા વૈદે કહ્યું : ‘આ ગોળી તારા પેટમાં ગઈ કે તું મોટો થવા માંડશે અને સાત દિવસમાં તું હાથી જેવડો બની જશે. પણ આ ગોળી તારા પેટમાં રહેશે ત્યાં સુધી તું હાથી, ગોળી પેટમાંથી નીકળી તો તું પાછો ઉંદર!’
ટાબરાએ કહ્યું : ‘મારે ફરી ઉંદર થવું જ નથી!’
ત્યાં ને ત્યાં એણે ગોળી પેટમાં ઉતારી દીધી. પછી રાજી થતો થતો એ ગેર ગયો. રસ્તે જતાં જતાં જ એ એવો જાડો થઈ ગયો કે ઘરના બારણામાં એ પેસી જ શક્યો નહિ. એ બહાર પડી રહ્યો. બીજે દિવસે જોયું તો એ બિલાડી જેવડો હતો, ત્રીજે દિવસે એ કૂતરા જેવડો, ચૌથે દિવસે ગધેડા જેવડો, પાંચમે દિવસે રીંછ જેવડો, છઠ્ઠે દિવસે ગેંડા જેવડો અને સાતમે દિવસે બરાબર હાથી જેવડો બની ગયો!
હાથી જેવડો ઉંદર! દુનિયાની એ અજાયબી હતી. વનમાં પ્રાણીઓએ એને વનનો રાજા બનાવી દીધો. ટાબરો કહે : ‘વાહ, મારું જીવ્યું સફળ થઈ ગયું!’
એક દિવસ છોટુ સસલો બીતો ફફડતો ટાબરાની કચેરીમાં આવ્યો. કહે : ‘મહારાજ, બચાવો! શકરો વરુ મને મારવા ફરે છે!’
ટાબરાએ લાલ આંખ કરી કહ્યું : ‘શું એને બે માથાં છે?’
છોટુએ કહ્યું : ‘ના, સરકાર, એક જ માથું છે, પણ એ મહા દુષ્ટ છે.’
ટાબરો કહે : ‘દેખાડ મને, ક્યાં છે એ? હમણાં જ હું એને મારા પગ તળે કચડી નાખું છું!’ છોટુ ઠેકડો મારી ટાબરા પર સવાર થઈ ગયો. સવારી ચાલી. શકરો વરુ છુપાઈને આ જોતો હતો. તે બીને પગે લાગ્યો ને બોલ્યો : ‘મહારાજ, કૃપા કરો! ફરી કદી છોટિયાને નહિ સતાવું!’
ટાબરાએ દયા કરી એને જવા દીધો.
બીજે દિવસે કૂકડાની ફરિયાદ આવી કે, ‘ગલબો શિયાળ મને મારવા ફરે છે, મને બચાવો!’
ટાબરાએ કહ્યું : ‘શું એને બે માથાં છે?’
કૂકડો કહે : ‘ના, છે તો એક જ માથું. પણ એ મહા દુષ્ટ છે.’
‘ચાલ, દેખાડ મને! હમણાં જ એને મારા પગ હેઠળ કચડી નાખું છું!’ ટાબરાએ કહ્યું.
કૂકડો ટાબરાની પીઠ પર સવાર થઈ ટાબરાને લઈ ચાલ્યો. ગલબો છુપાઈને આ બધું જોતો હતો. તે એવો બી ગયો કે ટાબરાને પગે પડી કરગરવા લાગ્યો : ‘મહારાજ, દયા કરો! ફરી કદી કૂકડાને નહિ સતાવું!’
ટાબરાએ દયા કરી એને જવા દીધો.
થોડા દિવસ પછી એક બીજો બનાવ બન્યો. એક ગધેડાએ કચેરીમાં આવી ફરિયાદ કરી કે ‘વલવો વાઘ મને મારી નાખવા મારી પાછળ પડ્યો છે.’
ટાબરો કહે : ‘શું એને બે માથાં છે?’
ગધેડો કહે : ‘જી, ના! એક જ માથું છે, પણ એ મહા દુષ્ટ છે.’
ટાબરો કહે : ‘થા આગળ, દેખાડ મને, ક્યાં છે એ? હમણાં જ હું એને મારા પગ તળે કચડી નાખું છું.’
ગધેડાને આગળ થતાં બીક લાગતી હતી, તેથી તેણે કહ્યું. ‘જી, સરકાર, આપ મોટા છો, માલિક છો. આપથી આગળ મારાથી ન ચલાય! હું આપની પાછળ આપનું પૂછડું ઊંચકીને ચાલું છું.’
ટાબરાને આ ગમ્યું. તેણે કહ્યું : ‘ઠીક, તો તું મારું પૂંછડું ઊંચકીને ચાલ!’
આ રીતે જતાં જતાં રસ્તામાં વાઘ દેખાયો, ટાબરાએ બૂમ પાડી : ‘એ...ઈ વાઘલા, ઊભો રહે, આજે તારું મોત છે!’
વાઘ બીને ભાગ્યો. ગધેડો ખુશ થઈ કહે : ‘વાહ સરકાર! આપના જેવો બહાદુર મેં કોઈ જોયો નહિ!’
ટાબરાને આ વખાણ ખૂબ ગમ્યાં.
વળી થોડાક દિવસ પછી એક નવી ફરિયાદ આવી. કબૂતર બીતું બીતું આવી કહે : ‘મહારાજ, પેલો ઘોઘર મને મારી ખાવા મારી પાછળ પડ્યો છે.’
ટાબરાએ કહ્યું : ‘શું એને બે માથાં છે? દેખાડ મને, હમણાં જ પીસીને એનો રોટલો કરી નાખું!’
કબૂતર એને એક ઝાડ પાસે લઈ જઈ કહે : ‘પે...લો દેખાય! પે...લો ડોળા કાઢે!’
ટાબરો ગુસ્સે થઈ એ દુષ્ટને હણી નાખવા ધસ્યો, ત્યાં ઘોઘર બિલાડાએ સામો લડવાનો પડકાર ફેંક્યો : ‘મિયાઉં મિયાઉં!
મિયાઉં! આ કેવો અવાજ? વાઘના ઘુરકાટથી નહિ બીધેલી ટાબરો આ મિયાઉં સાંભળી થંભી ગયો. એના પગ ધ્રૂજવા લાગ્યા. એના પેટમાં જાણે વલોણું શરૂ થઈ ગયું.
ત્યાં બિલાડાએ ફરી અવાજ કર્યો : ‘મિયાઉં! મિયાઉં!’
ટાબરાન મોમાંથી એક કારમી ચીસ નીકળી ગઈ! એનાં આંતરડાં એવાં વલોવાઈ ગયાં કે એનું મોં ફાટી ગયું અને એના પેટમાંથી ફતા વૈદે આપેલી પેલી ચમત્કારી ગોળી બહાર નીકળી પડી ને ક્યાંની ક્યાં જઈ પડી! ટાબરાના માથા પર બેઠેલા કબૂતરને થયું કે આ પહાડ આટલો ધ્રૂજે છે કેમ? એ ઊડીને ઝાડ પર જઈ બેઠું, અને ફુલાવેલા ફુગ્ગામાંથી હવા નીકળી જતાં જેમ ફુગ્ગો બેસી જાય તેમ હાથી જેવડો ટાબરો ગેંડા જેવડો થયો, પછી રીંછ જેવડો થયો, પછી ગધેડા જેવડો થયો, પછી કૂતરા જેવડો થયો, પછી બિલાડી જેવડો થયો ને પછી અસલ જેવો હતો તેવો ઉંદર બની ગયો અને દોડીને ઘાસના ઢગલામાં છુપાઈ ગયો.
બીજે દિવસે ટાબરાએ ફતા વૈદને કહ્યું : ‘તમે વૈદ ખરા, પણ કાંઈ નહિ! બનાવી બનાવીને મને બીકણ હાથી બનાવ્યો!’
ફતા વૈદે કહ્યું : ‘હું તને ઉંદરમાંથી હાથી બનાવું, પણ બીકણમાંથી બહાદુર બનાવવાનું કામ મારું નથી. બહાદુરી અંદરની ચીજ છે. દુનિયાનો કોઈ વૈદ બહાદુરીની પડીકીઓ આપતો નથી.’
ટબરાએ કહ્યું : ‘તો હાથી થઈને મારે શું કરવાનું?’
ફતા વૈદે ઠંડકથી કહ્યું : ‘મનમાં ને મનમાં ફુલાવાનું, છાતી કાઢી ફરવાનું. બીએ એને બિવડાવવાનું અને જે ન બીએ એનાથી પોતે બીને ભાગી જવાનું!’
સ્રોત
- પુસ્તક : રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 102)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023