રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમને કદીક એકલું એકલું લાગે છે? જાણે સાથે રમનાર કોઈ નથી અને તમે એકલવાયાં થઈ ગયાં હો એવું લાગે છે? તો જરાક આજુબાજુની કુદરતમાં નજર કરો. ભાઈબંધોનો પાર નહિ રહે...
સીતા એનું નામ.
વનની કોરે એનું મકાન.
બા તો જાણે સાકરની કણી.
બાપુ જાણે સાચો મણિ.
બેયને સીતા ખૂબ વહાલી.
સીતા નાનકડી છોકરી. બા-બાપુની એકની એક દીકરી. જાણે રૂપાળી ઢીંગલી. કાલુંકાલું બોલે તો જાણે કલકલ કરતું ઝરણું વહે! ધીમે પગલી પાડે તો જાણે પતંગિયું ફૂલબાગે ફરે!
બાપુ વનના રખેવાળ છે. એટલે વનની કોરે રહે છે. આખો દહાડો વનમાં ફરે છે. વનનાં ઝાડ જુએ છે. વનની વનરાઈ જુએ છે. એ બધાંની સલામતીનો ભાર એમને માથે છે.
બા આખો દિવસ કામ કરે છે. જમવાનું બનાવે છે. ઘર સાફ કરે છે. નવરાં પડે તો ભરતગૂંથણ કરે છે.
ઘરને આંગણે બગીચો છે. રૂપાળાં અને મઘમઘતાં બહુરંગી ફૂલ ખીલે છે. વેલાઓના માંડવા છે. આસોપાલવનાં ઊંચાં ઝાડ પણ છે. સીતા એમાં રમે છે.
ઘરની પછીતે એક ઝરણું વહે છે. કાચ જેવાં ઊજળાં નીર છે. પંખી જેવું કલકલ એનું ગીત છે. સીતા એને કાંઠે બેસી એ ગીત સાંભળે છે.
આવી મઝાની જગાએ સીતા રહે છે. પણ સીતાને કશું ગોઠતું નથી. એને કશું ગમતું નથી.
હા. સીતા ખૂબ દુઃખી છે. રમતાં-રમતાં ઊભી રહી જાય છે. સૂનમૂન બની જાય છે. પરોઢના પહોરના ઝાકળનાં બિંદુઓ જેવાં આંસુડાં આંખમાંથી ટપકી જાય છે.
તમને થશે : સીતા દુઃખી કેમ છે? મીઠડાં મા-બાપ છે. રૂપાળું ઘર છે. મઘમઘતો બાગ છે. કલકલતું ઝરણું છે. કલબલતાં પંખી છે. હરિયાળી ધરતી છે. તોય સીતા દુઃખી કેમ છે?
ભાઈ! તમને હજુ તો સમજાયું?
તો લો હું કહું :
તમારે નાનકો ભાઈ છે, બબુડી બહેન છે, સરખેસરખા ગોઠિયા છે. બધાં સાથે તમે ભાઈબંધી કરો. બધાં સાથે રમો-જમો, હરોફરો અને ગમ્મત કરો.
પણ સીતા તો છે સાવ અકેલી અને અટૂલી. નથી એને ભાઈ-બહેન કે નથી એને ભાઈબંધ.
એટલે જ તો કોક દિ’ એ સાવ ઉદાસ થઈ જાય છે. કોક દિ’ આંખેથી ઊનાં આંસુડાં સરી જાય છે.
બા પૂછે છે : શું થયું, દીકરી?
સીતા તો નથી બોલતી કે નથી ચાલતી. રડતી જાય છે ને હીબકાં ભરતી જાય છે.
એને થાય છે કે આવડા મોટા ઘરમાં ને આટલા મોટા વનમાં હું એકલી છું, એકલી છું.
એને રડતી ભાળીને બા બિચારાં બહુ દુઃખી થાય છે. બાપુ તો અડધાઅડધા થઈ જાય છે. ખાવા માટે મીઠાઈ આપે છે. રમવા માટે ઢગલોએક રમકડાં દે છે. ઢીંગલી, ઘોડો, હાથી, વાનર, રીંછ અને કુરકુરિયાંનાં પૂતળાં આપે છે.
પણ સીતા તો છાની રહેતી જ નથી.
બા પૂછે છે : શું થયું છે, દીકરી?
બાપુ કહે છે : શું ઓછું આવે છે મારી આંખની કીકીને?
પણ સીતા બિચારી સમજે તો ને! એને તો, બસ, ગમતું નથી, એટલી જ ખબર છે.
બા-બાપુ એની સાથે રમતો રમવા લાગે છે. ઘડીભર દીકરીનું દિલ ખીલી ઊઠે છે. એ આનંદમાં આવી જાય છે; પણ થોડી વારમાં પાછી ઉદાસ થઈ જાય છે. મોં પડી જાય છે – જાણે ફૂલકળી કરમાઈ જાય! આંસુ ટપકી પડે છે – જાણે મોતીની સેર નંદવાઈ જાય!
બા-બાપુ દીકરીના દુઃખે દુઃખી થાય છે. પણ દુઃખનું કારણ જાણતાં નથી. દુઃખનો ઉપાય કરી શકતાં નથી.
આમ ને આમ દિવસો જાય છે.
ઘણાં મહિના વીતી ગયા છે. હવે તો સીતા ખૂબ ઉદાસ રહે છે. આખો દિવસ સૂનમૂન બેસી રહે છે.
એક દિવસ બાપુ કહે : સીતા! મારી સાથે આવવું છે?
સીતા કહે : કઈ બાજુ?
બાપુ કહે : વનમાં ફરવા.
સીતા કદી વનમાં ગઈ નથી. એ સાવ નાનકડી છે. એટલે બાપુ એને લઈ જતા નથી.
પણ આજે બાપુએ જાતે જ કીધું. સીતા રાજી થઈ ગઈ. એ કહે : હા, બાપુ, હું તમારી સાથે આવીશ.
એ તૈયાર થઈ ગઈ. બાપુ સાથે ચાલી નીકળી.
વનનાં મારગે ચાલતાં-ચાલતાં બાપુ કહે : દીકરા! તને એકલું એકલું લાગે છે ને?
સીતા કહે : હા, બાપુ!
બાપુ કહે : તો ભાઈબંધ શોધી લે.
સીતા કહે : બાપુ ભાઈબંધ એટલે શું?
બાપુ કહે : જે તને ગમે તે તારો ભાઈબંધ. જેની સાથે રમવું ગમે, ફરવું ગમે, બેસવું ગમે, ગાવું ગમે, એ ભાઈબંધ કહેવાય.
ભાઈબંધ છોકરો હોય.
ભાઈબંધ છોકરી પણ હોય.
બિલાડી કે કુરકુરિયું હોય.
નાનકડો ઉંદર પણ હોય.
આ ઝાડ જો. કેવું ઊંચું છે! આ આપણને ફળ આપે છે. લાકડાં આપે છે. ઉનાળાની ગરમીમાં છાંયો આપે છે. એની ડાળે હીંચકો બાંધીને ઝૂલા ખાવાની તો ખૂબ ગમ્મત પડે છે.
ઝાડ આપણું ભાઈબંધ છે.
અને આ કલકલ કરતું ઝરણું જો. એ જાણે આપણી સાથે વાતો કરે છે. આપણા પગને ઠંડા પાણીએ ધૂએ છે અને કાંઠે બેસીએ તો શીતળ હવા આપે છે.
ઝરણું આપણું ભાઈબંધ છે.
અને અહીં વનમાં કેવો ધીમો પવન વાય છે! એ આપણો ભાઈબંધ છે. એ સિસોટી મારતો મીઠડાં ગીત ગાય છે. પાંદડાંને નચવે છે અને કપડાંને ઉડાડે છે. આપણે જઈએ તે દરેક ઠેકાણે એ આપણી સાથે આવે છે.
આ ખિસકોલી જો. નાનકડાં ફળ વીણતી, દોડાદોડ કરતી, ઝાડ ચડતી અને ચલલલચીં... ચલલલચીં,... કરતી કેવી આપણને બોલાવે છે! એ પણ ભાઈબંધ છે આપણી.
સીતા તો બાપુની વાત સાંભળી જ રહી છે. એને તો આ બધા ભાઈબંધોની ખબર જ નથી.
બાપુ કહે : ઘણી વાર આપણે આંખો મીંચીને ચાલીએ છીએ. ભાઈબંધો આપણી પાસે જ હોય છે. આપણને એ દેખાતા નથી. એટલે આપણે ઉદાસ થઈ જઈએ છીએ. રડવા લાગીએ છીએ.
સીતા કહે : બાપુ! મારે પણ આ બધાંની ભાઈબંધી કરવી છે.
બાપુ કહે : તો દોડ! જો, પેલા ઝાડ પાસે ખિસકોલી ફરે છે. એની પાછળ-પાછળ દોડવા લાગી જા.
સીતા દોડી. ખિસકોલી એને જઈને ચલલલચીં... કરતી જાય ભાગી….
એ જોઈને સીતા તો એવી હસી પડી, એવી હસી પડી કે બસ!
આખો દિવસ એ ખિસકોલી પાછળ ને પતંગિયાં પાછળ ને સસલાં પાછળ દોડતી રહી. આખો દિવસ ઝાડનાં પાંદડાંને નાચતાં જોતી રહી અને ઝરણાંનાં પાણીને ગાતાં સાંભળતી રહી...
સાંજ પડી ગઈ, એની પણ એને ખબર ન રહી. બાપુએ એને બોલાવી એ વખતે જ ખબર પડી કે ઘેર જવાનો વખત થઈ ગયો છે.
બાપુ સાથે એ ઘેર આવી. ખૂબ ખુશમિજાજમાં હતી.
એને આજે ભાઈબંધો થયા હતા.
ભાઈબંધો તો આપણી આસપાસ જ હોય છે. આપણે એમને ઓળખી કાઢવા પડે.
કહો, તમારે કેટલા ભાઈબંધ છે?
સ્રોત
- પુસ્તક : યશવન્ત મહેતાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2024