Galbo Akkalnu Ghar Batave Chhe - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગલબો અક્કલનું ઘર બતાવે છે

Galbo Akkalnu Ghar Batave Chhe

રમણલાલ સોની રમણલાલ સોની
ગલબો અક્કલનું ઘર બતાવે છે
રમણલાલ સોની

    એક વાર જંગલનાં જાનવરોની સભા મળી હતી.

    સભામાં હાથી, ઘોડો ને ગધેડો, વાઘ, વરુ ને વાંદરો, શિયાળ, સસલું ને સાબર, સિંહ ગેંડો ને હરણ વગેરે બધાં જાનવરો હાજર હતાં.

    સભામાં સવાલ થયો કે અક્કલનું ઘર ક્યાં?

    કોઈએ કહ્યું : ‘પગ!’ તો કોઈએ કહ્યું : ‘કાન!’

    પણ ગલબો શિયાળ કંઈ બોલ્યો નહિ. ત્યારે બધાંએ એને કહ્યું : ‘તું કેમ કંઈ બોલતો નથી? બોલ, પગ કે કાન?’

    ગલબાએ કહ્યું : ‘નહિ પગ, નહિ કાન, પણ પૂંછડી! પૂંછડી છે તો પશુ છે, પૂંછડી છે તો અક્કલ છે! માણસને પૂંછડી નથી તો એ કેવો બાઘા જેવો છે! ખુદ માણસ પણ માણસને માન આપતો નથી!’

    બધાંને આ વાત જચી. તેમણે સર્વાનુમતે જાહેર કર્યું કે અક્કલનું ઘર પૂંછડી.

    હવે આમાંથી બીજો સવાલ ઊભો થયો : ‘પૂંછડી વગરનો માણસ પૂંછડીવાળા કરતાં ઊતરતી જાતનું જાનવર છે, છતાં એને રાજા છે, તો આપણને પૂંછડીવાળાંને રાજા કેમ નહિ?’

    બધાંએ તરત કહ્યું : ‘આપણને પણ રાજા હોવો જોઇએ.’

    હવે ત્રીજો સવાલ પેદા થયો : ‘રાજા હોવો જોઈએ, તો આપણામાં રાજા કોણ?’

    કોઈએ કહ્યું : ‘વાઘ!’ તો કોઈએ કહ્યું : ‘સિંહ!’

    વાઘ ખોંખારો ખાઈને ઊભો થઈ ગયો. કહે : ‘હું રાજા!’

    સિંહ કેશવાળી ઉછાળી કહે : ‘હું રાજા!’

    આમ ભારે હુંસાતુંશી થઈ ગઈ.

    ત્યારે જિરાફે લાંબી ડોક કરી કહ્યું : ‘આપણે આપણામાંથી કોઈ ડાહ્યા જાનવરને આ પ્રશ્ન સોંપીએ!’

    બધાંએ કહ્યું : ‘બહુ સરસ! ડાહ્યો કહે તે આપણે બધાંએ કબૂલ રાખવું.’

    હવે સવાલ ઊભો થયો : ‘ડાહ્યો કોણ?’

    ત્યારે છોટુ સસલુ ઊભો થયો. મણકા જેવી આંખી મટમટાવી તેણે કહ્યું : ‘આમ તો આપણે બધાં પૂંછડીવાળાં ડાહ્યાં છીએ, પણ ગલબા શિયાળને આપણે આ કામ સોંપીએ! એણે અક્કલનું ઘર સુધ્ધાં જોયેલું છે, એટલે એ જે ફેંસલો આપે તે સૌએ કબૂલ રાખવો.’

    બધાંને આ વાત ગમી, બધાંએ ગલબા શિયાળને કહ્યું : ‘ગલબા, તું કહે તે આપણો રાજા!’

    ગલબો વાઘના ગુણ જાણતો હતો અને સિંહના પણ જાણતો હતો. તેણે હાથમાં ત્રાજવું લીઘું ને તોળવા માંડ્યું. ત્રાજવાનાં બે ય પલડાં હતાં ખાલી, છતાં ઘડીમાં એક પલડું નમે, તો ઘડીમાં બીજું નમે! બધાં એની  લીલા જોઈ મનમાં મનમાં કહે : ‘વાહ, કેવો અક્કલવાળો છે! વાઘસિંહને ત્રાજવે તોળે છે!’

    તોળી રહ્યા પછી ગલબાએ જાહેર કર્યું : ‘સિંહનું પલ્લું ભારે છે. સિંહ રાજા થાય છે!’

    બધાં જાનવરોએ આ સાંભળી ખુશ થઈ તાળીઓ પાડી.

    પણ વાઘની આંખ ફાટી. તેણે ગલબાની સામે જોઈ કહ્યું : ‘યાદ રાખ, બચ્ચા ગલબા, હું તને જોઈ લઈશ!’

    *

    ગલબો વાઘને બરાબર ઓળખતો હતો, તેથી તે હંમેશાં વાઘથી દૂર રહેતો હતો.

    પણ એક દિવસ અચાનક એ વાઘના રસ્તામાં ભટકાઈ ગયો. એને જોતાં જ વાઘ એની પાછળ પડ્યો.

    ગલબો જાય નાઠો.

    નાસતાં નાસતાં રસ્તામાં નદી આવી.

    નદી બે કાંઠે વહેતી હતી.

    ગલબાને તરતાં આવડતું નહોતું; કરવું શું? પાણીમાં પડે છે તો તણાઈને ડૂબી જાય છે અને નથી પડતો તો વાઘ ખાઈ જાય છે!

    બેય બાજુ મોત જોઈને ગલબાની આંખોમાં આંસુ આવી ગયાં.

    વાઘે એ જોઈ લીધું. ગલબાની આવી દયામણી દશા જોઈ એ ખુશ થઈ હસી પડ્યો ને બોલ્યો : ‘અલ્યા, તેં તો અક્કલનું ઘર જોયું છે ને! તો રડવું કેમ આવે છે તને? મરવાની બીકે ને?’

    ગલબાએ આંખો લૂછી નાખી કહ્યું : ‘મામા, મરવાની બીકે નથી રોતો, પણ આ નદી જોઈને મને તમારા બાપા યાદ આવી ગયા! મને થયું કે એવી બહાદુરી ફરી જોવા નહિ મળે! આ વિચારે મને રડવું આવી ગયું! ખરેખર, મામા, તમારા બાપા બહુ બહાદુર હતા! તમે પણ બહાદુર તો ખરા, પણ તમારા બાપા જેવા નહિ!’

    વાઘ કહે : ‘કેમ નહિ? હું પણ મારા બાપા જેવો જ બહાદુર છું.’

    એકદમ જાણે ઉત્સાહમાં આવી જઈ ગલબાએ કહ્યું : ‘ખરેખર? તો હું તમારા હાથે મરું તે પહેલાં મને તમારી એ બહાદુરી જોવાનું ખૂબ મન છે. મારી એટલી ઇચ્છા પૂરી કરો!’

    વાઘે જુસ્સામાં કહ્યું : ‘બોલ, શું જોવું છે તારે?’

    ગલબાએ કહ્યું : ‘એક વાર તમારા બાપા એક જ કૂદકે આ નદી પાર કરી ગયા હતા! મેં એ નજરોનજર જોયેલું છે! બોલો, તમે એ કરી શકશો?’

    વાઘે કહ્યું : ‘કેમ નહિ? હું પણ એક કૂદકે નદી પાર કરી જાઉં!’

    ‘એક જ કૂદકે?’

    ‘હા, એક જ કૂદકે!’

    ગલબાએ કહ્યું : ‘તો હું કહીશ કે બાપ જેવા બેટા!’

    વાઘ તાનમાં આવી ગયો હતો. એક જ કૂદકે નદી પાર કરી જવા એણે છલાંગ મારી.

    પણ નદીનો પટ પહોળો હતો અને નદી બે કાંઠે વેગથી વહેતી હતી. વાઘથી એટલું કુદાયું નહિ. એ અધવચ નદીના વહેણમાં પડ્યો અને તણાઈ ગયો, જીવતો બહાર નીકળી શક્યો નહિ!

    ગલબો કિનારે ઊભો ઊભો આ જોતો હતો. વાઘને ડૂબતો જોઈ એ કહે : ‘તારા બાપા નદી કૂદવા જતાં ડૂબી મૂઆ હતા અને તું યે એમ જ ડૂબી મૂઓ! ખરેખર, જેવો બાપ તેવો જ બેટો!’

    પછી પોતાની પૂંછડી પંપાળીને કહે : ‘જ્યાં લગી આ અક્કલનું ઘર સલામત છે ત્યાં લગી વાઘબાઘ જબ મારે છે!’

સ્રોત

  • પુસ્તક : રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023