રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક ગામ હતું, મજાનું.
બોરાંભરેલી મુઠ્ઠી જેવડું ગામ.
ગામના પાદરે ટેકરો. ઊંટનાં ઢેકા જેવા ટેકરા પર નાનકડી દેરી અને આજુબાજુ ઊભેલાં નાનાં-મોટાં વૃક્ષોની ઝાડી હતી. ટેકરાની નીચે તળેટીમાં નાનકડી નિશાળ હતી. નિશાળમાં રિસેસનો ઘંટ વાગે કે તરત છોકરાં હુડુડુડુ કરતાં ટેકરા પર દોડી જાય, ઝાડ પર ચઢે, કાતરા, જાંબુ ખાય. આંબલીપીપળી રમે. ધીંગામસ્તી કરે. હોપાહૂપ ને કૂદાકૂદ કરે. ઠોઠ નિશાળિયાઓ તો નિશાળ છૂટ્યા પછી યે ટેકરે જઈને રમે. ને અંધારું થયે ઘેર જાય.
એક વાર એવું બન્યું કે છોકરાં બધાં ટેકરા પર ધમાચકડી મચાવતાં રમી રહ્યાં હતાં. દેરીની ધજા ફરફર કરી રહી હતી. ત્યાં એક છોકરો એક ઝાંખરા પાછળ સંતાઈને બેઠો હતો. ખિસ્સામાંની લખોટીઓનો ખજાનો સંતાડવા એ એક ખાડો ખોદી રહ્યો હતો. ખાડો ખોદતાં અંદરથી એક કુલડી નીકળી. છોકરાએ કુલડીને જોસથી નીચે પછાડી. ફુલડી તો ફૂટી ગઈ. પણ એ સાથે જ મોટો બૉમ્બ ફૂટ્યો હોય તેનો ધડાકો થયો. આખો ટેકરો ધ્રૂજી ઊઠ્યો. ઝાડ પર ચઢેલાં છોકરાંમાંથી કેટલાંક નીચે પછડાઈ પડ્યાં. કેટલાંક ડાળી પર લટકતાં ધ્રૂજવા લાગ્યાં. કેટલાંક તો વળી મુઠ્ઠી વાળીને દોડવા માંડ્યાં. કેટલાંક ગબડી પડ્યાં. કેટલાંક એં એં કરતાં રોવા લાગ્યાં.
કુલડી ફૂટતાંની સાથે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. થોડી વારમાં તો ધુમાડાનું વાદળ બની ગયું. વાદળમાંથી એક મોટો રાક્ષસ થઈ ગયો. એ હસવા લાગ્યો. ‘હીહીહી...’ બાપ રે! ચોમાસાનું વાદળ ગગડે તેવો બિહામણો અવાજ! રાક્ષસના લાંબા દાંત, લબલબ કરતી જીભ. આકાશે અડે એવડો ઊંચો! કાળા કાળા પહાડ જેવો રાક્ષસ! બાપ રે! બાપ! છોકરાંઓએ તો આંખો મીંચી દીધી. મોટા ભાગનાં છોકરાં તો ભૂભૂ ને ખૂખૂ.
‘છોકરાં રે છોકરાં!’ – રાક્ષસના શબ્દો સાંભળે યે કોણ? સૌના કાન બંધ હતા. આંખો બંધ હતી. હાથ-પગ ધ્રૂજતા હતા. કોઈની ટોપી ધ્રૂજે, તો કોઈની ચડ્ડી, કોઈના વાળીની બાબરી ધ્રૂજે તો વળી કોઈની લાંબી લાંબી ચોટલી ધ્રૂજે.
“છોકરાં રે છોકરાં! તમે ગભરાશો નહીં. હું તો તમારો દોસ્ત છું, દોસ્ત. આમ જુઓ, આંખો ખોલો, હું તો તમારી સાથે રમવા આવ્યો છું. ભણવા આવ્યો છું.” રાક્ષસ તો હસતો હસતો પહાડ જેવડો હતો તે એકદમ નાનો ટબૂકડો બની ગયો. સામે ઊભેલા ઠીંગણા, જાડા છોકરાને જોઈને સૌના જીવમાં જીવ આવ્યો. લખોટીઓ સંતાડવા ગયેલો છોકરો તો હજુય ખાડા પાસે ચત્તોપાટ પડ્યો હતો. રાક્ષસે એને પાણી છાંટ્યું અને એ માંડમાંડ ભાનમાં આવ્યો.
સૌ છોકરાં તાળી પાડીને હેય હેય કરવા લાગ્યાં. પછી તો દેરીના ઓટલા પર રાક્ષસભૈને બેસાડીને બધાં જ છોકરાં ટોળે વળીને બેસી ગયાં. રાક્ષસે કહ્યું :
‘દોસ્તો, આજથી હવે હું તમારો ભૈબંધ.’
‘રાક્ષસ ભૈ, તમને કુલડીમાં કોણે પૂર્યા’તા?’ – એક ટીનકુડાએ પૂછ્યું.
‘એક બાવાજીએ.’ – રાક્ષસે માથે ખણતાં-ખણતાં હસી લીધું.
‘બાવાજીએ તમને શું કામ પૂર્યા’તા?’ બીજું ટીનકુડું બોલ્યું.
‘હું નાનો હતો ત્યારે બહુ તોફાની હતો. તમારા બધાં જેવો.’ – રાક્ષસે બાજુમાં બેઠેલા લખોટીવાળા ટીનકુડાને ટપલી મારી, બધાં છોકરાં હસી ઊઠ્યાં : ‘હીહીહીહી.”
રાક્ષસે કહ્યું : “મોટો થઈને હું સૌને હેરાન કરવા લાગ્યો. હું જે ગામમાં જાઉં, ત્યાં લોકો મને જોઈને નાસી જાય. હું તો વાડીએ, ખેતરો, તળાવ, કૂવા ઉજ્જડ કરી મૂકું. મને છોકરાં તો બહુ જ વ્હાલાં. હું લોકોનાં છોકરાં ઉઠાવી જાઉં પણ છોકરાંને મારું નહીં હોં! એમને તો હું રમાડું-જમાડું ને પછી હેમખેમ પાછાં મૂકી આવું. ને છતાં ય લોકોને મારી બીક લાગે, બોલો!”
છોકરાં બધાં મોં પહોળું કરીને રાક્ષસ સામે જોઈ રહ્યાં હતાં.
રાક્ષસે કહ્યું : “મારી બીકથી લોકો ખેતર-પાધરે જાય નહીં, છોકરાંને તો મજા પડી ગઈ. કોઈ કહેતાં કોઈ નિશાળમાં જવાનું નામ જ ન લે.”
વાહ, ભૈ, વાહ! તો તો બહુ મજા પડે હોં!” બધાં બોલી ઊઠ્યાં.
“રાક્ષસભૈ, તમે આખે આખું તળાવ પી જાઓ?” એકે પૂછ્યું.
રાક્ષસે હસીને કહ્યું : “હા, પી જાઉં.”
“બાપ રે!” સૌની આંખો અચરજથી પહોળી થઈ ગઈ.
“મને તો બીક લાગે છે.” એક ટાબરિયું રડી પડ્યું.
રાક્ષસે એને ગૉળનું દડબું આપ્યું : “ડરીએ નહીં હોં બા’દુર બનો બા’દુર.”
ટાબરિયું તો ટપ દેતું ને રોતું બંધ થઈ ગયું.
રાક્ષસભૈએ તો બધેં જ છોકરાંને ગૉળનું એક એક દડબું આપી દીધું.
હેય હેય કરતાં સૌ હસી ઊઠ્યાં.
નિશાળનો ઘંટ વાગ્યો. રિસેસ પૂરી થઈ ગઈ.
“કેમ ભૈ? ભણવા જવું નથી?” રાક્ષસે સૌની સામે જોયું. ના કોઈ બોલે કે ચાલે, ના કોઈ હાલે કે ચાલે!
“રાક્ષસભૈ, તમે હવામાં ઊડી શકો?” થોડાંક છોકરાંની આંખો હસી ઊઠી એકાએક.
“હા, ઊડી શકું. તમે કહો તો અબઘડી આ આખો ટેકરો લઈને ઊડું, બોલો.”
“વાહ ભૈ, વાહ! તો તો પછી બહુ મજા પડે. વિમાનમાં ઊડતા હોઈએ એવું લાગે. આપણે બધા ઊડીને ક્યાં જઈશું? ચાલો, ઊડીએ રાક્ષસે ભૈ...” સૌ તાળી પાડી ઊઠ્યાં.
“ના ભૈ, ના, પહેલાં ભણવાનું...” ને પછી બધી વાત.”
સૌના મોં પડી ગયાં. તમને ક્યા બાવાએ કુલડીમાં પૂર્યા’તા?” લખોટીઓવાળા છોકરાએ ધીમેથી પૂછ્યું.
“ગામમાં એક બાવાજી હતા એમણે મને પહેલાં તો પોપટ બનાવી દીધો, પણ હું તો આખો દિવસ બોલી-બોલીને એમનો જીવ ખાઈ જતો. છેવટે બાવાજીએ કંટાળીને મને મચ્છર બનાવીને પૂરી દીધેલો. સારું થજો, આ ભૈલાનું કે એણે મને આજે...” રાક્ષસભૈએ લખોટીવાળા છોકરાના માથે હાથ ફેરવ્યો : “તું કેમ હાથમાં ગૉળ લઈને બેસી રહ્યો છે ભૈ?”
“હું એકલો જ ગૉળ કઈ રીતે ખાઉં?”
“ચાલો, ત્યારે સૌને આપી દઉં ફરીથી બીજું ગૉળનું એક એક દડબું? પણ એ ખૈને, પાણી પીને નિશાળે જવાનું હોં!”
“હેય, હેય હેય!” – સૌએ આનંદની ચિચિયારી પાડી. થોડી વારે સૌ છોકરાં હુડુડુડુ કરતાં ટેકરો ઊતરી ગયાં. લખોટીઓવાળા છોકરાને પગે કાંટો વાગ્યો હતો, એં એં કરતો રોવા લાગ્યો. રાક્ષસભૈએ એને ગોળમસાલો કરીને ટેકરો ઉતરાવી દીધો. અને એ પોતે પણ સૌથી છેલ્લા, શરમાતા સંકોચાતા નિશાળમાં ગયા. પછી ગુરુજીની પાસે જઈને પ્રણામ કર્યા. વિનય સાથે ધીમેથી કહ્યું :
“સાહેબ, મને પણ ભણાવશો? મારે ભણવું છે.”
નિશાળનાં છોકરાંઓએ રાક્ષસભૈની બધી વાત કરી દીધી હતી એટલે ગુરુજીનાં હાથ-પગને ટોપી થરથર ધ્રૂજવા લાગ્યાં. ના કશું બોલાય કે ચલાય. થોડી વારમાં તો હાથમાંની સોટી ને ખુરશીના પાયા યે થરથર ધ્રૂજવા લાગ્યા.
“સાએબ, હવે હું એકદમ સુધરી ગયો છું. મને ભણાવોને સાએબ.”
રાક્ષસભૈ તો નીચે બેસીને ગુરુજીના પગે પડ્યા. ગુરુના ધ્રૂજતા પગ પર એક કીડી ચઢી રહી હતી. રાક્ષસભૈએ ધીમેથી કીડીને આંગળી પર લઈને બારી બહાર ઊભેલા ફૂલછોડ ઉપર ધીરે રહીને મૂકી દીધી.
વર્ગનાં સૌ છોકરાંને નવાઈ લાગી.
ગુરુજીના જીવમાં જીવ આવ્યો, એમણે કહ્યું :
“ભૈ, હું તને ભણાવું તો ખરો, પણ તું રહીશ ક્યાં?”
રાક્ષસભૈ હસી પડ્યા : “સાએબ, એની ચિંતા તમે ના કરશો હોં. હું તો મારે પેલા ટેકરા પર ઝૂંપડી બાંધીને રહીશ ને ભણીશ.” નિશાળમાં એક છોકરો હતો. સૌ એને ‘કાગડો’ કહેતા, હા એના પેટમાં કોઈ વાત રહે જ નહીં ને! ભૈ, છોકરો તો હડી કાઢીને પહોંચ્યો ગામમાં. વાયે વા ચાલી કે એક રાક્ષસ જાડિયો છોકરો બનીને ભણવા આવ્યો છે!
ગામમાંથી તો ટોળેટોળાં નિશાળમાં ઊમટ્યાં. લોકો તો વર્ગમાં ઘૂસી ગયા. રાક્ષસભૈને ધક્કે ચઢાવ્યા તોયે એ તો હસવા લાગ્યા.
ઘંટ લાગ્યો. નિશાળ છૂટી ગઈ.
રાક્ષસભૈ તો અલોપ!
“ઓત્તારી આ શું?” – સૌની આંખો પહોળી થઈ ગઈ.
બીજે દિવસે રાક્ષસભૈ તો ચડ્ડી, ખમીસ ને માથે ટોપી પહેરી, હાથમાં દફ્તર, દફ્તરમાં સ્લેટ-પેન ને ચોપડી સાથે વર્ગમાં અદબ પલાંઠી વાળીને બેસી ગયા. એક જ ઓરડાની નિશાળ! ઘેટાં-બકરાં જેવાં ઠાંસી ઠાંસી ભરેલાં છોકરાં, હોં હોં હોં ને થોડી થોડી વારે ટેબલ પર પછડાતી ગુરુજીની સોટીનો અવાજ. રાક્ષસભૈને કંટાળો ચડ્યો, માથું દુખવા લાગ્યું. આજુબાજુ બેઠેલા છોકરા એમને ઠોંસા મારવા લાગ્યા. કોઈ કહેતાં કોઈ ભણે નહીં. એમનાથી ડરે નહીં.
રાક્ષસભૈ અલોપ થઈ ગયા.
બીજે દિવસે છોકરાં નિશાળે આવ્યાં.
નિશાળમાં એકને બદલે ત્રણ ત્રણ ઓરડા!
નિશાળની આસપાસ ઉજ્જડ જમીન હતી. કાંકરા ને કાંટા હતા ત્યાં કેવો મજાનો બગીચો! બગીચામાં કુવારો! પંખીઓ ગીતો ગાય! ડાળીએ ડાળીએ ફૂલડાં હસે. પતંગિયાં ઊડતાં-ઊડતાં કોઈની ટોપી પર તો કોઈના માથે જઈને બેસે! એ જોઈને છોકરાંની આંખો હસે. વૃક્ષોનાં પાંદડાં યે ખડખડ કરતાં હસે, ને ખીલી ઊઠતી કળીઓ પણ હસે.
રાક્ષસભૈને ભણવાની મજા પડી.
સૌની સાથે હસ્યા, કૂદ્યા ને નાચ્યા.
છોકરાંઓ ગેલમાં આવી ગયાં. રાક્ષસભૈની બીક ગાયબ થઈ ગઈ. કોઈ એમની લાંબી ચોટી ખેંચે, કોઈ એમનું બેઠેલું, બૂચું લાંબું નાક ખેંચે, કોઈ મજાનો ચીમટો ભરે. ટપલી મારે. રાક્ષસભૈ તો જરાય ગુસ્સે ન થાય. ઊલટાના હસી-હસીને સૌની સાથે હાથતાળી, સંતાકૂકડી રમે. છોકરાંઓએ પછી રાક્ષસભૈને સૌની વચ્ચે ઊભા રાખ્યા, સૌ એમની ફરતે-ફરતે ગોળગોળ ફરતા જાય, નાચતા જાય, ગાતા જાય.
હેય, રાક્ષસભૈ તો કેવા રમે!
હેય રાક્ષસ ભૈ તો સૌને ગમે!
સાંજ પડી ને રાક્ષસભૈ અલોપ!
ટેકરીની નીચે, નિશાળની બિલકુલ પાસે એક તળાવડી હતી. તળાવડી મોટે ભાગે સુકીભઠ રહે. ગામલોકને પીવાના પાણીની ભારે તંગી. ઢોર-ઢાંખર પણ પાણી માટે વલખાં મારે.
રાક્ષસભૈએ આ બધું નજરોનજર જોયું. એમણે ચપટી વગાડી, જાદુઈ વીંટીને હથેળીમાં ત્રણ વાર ઘસી ને આ શું?
તળાવડીમાં મીઠું, ધરાખ જેવું પાણી થઈ ગયું!
તળાવડીની પાળે, ચારે બાજુ અધધ કેટલાં બધાં ઝાડ!
આંબા, કેળ, ચીકુડી, આંબલી, સીતાફળ, જામફળ, બપૈયા અને દ્રાક્ષની મજાની વાડી! હેય હેય ભૂખ્યાં ડાંસ, દૂબળા-પાતળાં છોકરાં નાચે-કૂદે ને ગાય. –
“હસતાં-કૂદતાં ધમાલ કરી.
રાક્ષસભૈ તમે કમાલ કરી!”
આખું ગામ મોંમાં આંગળાં ઘાલી ગયું હોં!
ગામલોક આમ તો બહુ જબરા કપાતર હતા. નિશાળના સાએબને કોઈએ રહેવા ઘર નહોતું આપ્યું. છોકરાં નિશાળે ભણવા જાય એ જ કોઈને પાલવે નહીં ને, બિચારા સાએબને મંદિરની ઓરડીમાં માંડમાંડ રહેવું પડતું.
રાક્ષસભૈને ખબર પડી. નિશાળની બાજુમાં જ મજાનું મેડીબંધ મકાન તૈયાર!
સાએબની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં. એ બોલ્યા : “દીકરા, તું તો બહુ દયાળુ છે હોં!”
રાક્ષસભૈ તો કશું જ બોલ્યા નહીં. હસીને અલોપ થઈ ગયા.
એક દિવસે પ્રાર્થના પૂરી થઈ એટલે રાક્ષસભૈએ વીંટીને હથેળીમાં ત્રણ વાર ઘસી. ને મેદાનમાં એક મોટો પટારો હાજર! પટારો ખોલીને રાક્ષસભૈએ નિશાળિયાઓને સૌને પોતપોતાનાં માપનાં બબ્બે જોડા કપડાં આપી દીધાં. ને કહ્યું :
“જુઓ, દોસ્તો, હવેથી કોઈએ ફાટ્યાંતૂટ્યાં લૂંગડા પહેરીને નઈ આવવાનું હોં.”
કોઈ કહ્યું : “રાક્ષસભૈ આ કપડાં મેલાં થાય તો?”
રાક્ષસભૈને હસવું બહુ ગમે, એ હસ્યા : “આ કપડાં કદીય મેલાં નઈ થાય, હા…”
“રાક્ષસભકૈ કપડાં ફાટશે તો ખરાં ને?” લખોટિયો બોલ્યો.
“અરે આ કપડાં તો એવાં છે કે કદીય ફાટશે નઈ.”
“સાએબ, આ કપડાંની જોડ તમારે માટે!”
“આ કપડાં યે ફાટશે નહિ?” સાએબે ધીમેથી પૂછ્યું.
“હા, સાહેબ, ફાટશે ય નહિ ને મેલાં ય નહિ થાય.” રાક્ષસભૈએ હાથ જોડ્યા ને કહ્યું : “સાએબ, હું તો સાવ ભોટ છું હોં.”
સાહેબે કહ્યું, “કેમ ભૈ?”
“જુઓને સાએબ, કેટલા દા’ડાથી ભણું છું પણ હું, તો ‘ઢ’ નો ‘ઢ’ જ રહ્યો. બહુ બહુ મથ્યો પણ કશું જ યાદ રહેતું નથી.” રાક્ષસભૈ તો બોલતાં બોલતાં રડવા જેવા થઈ ગયા.
બીજે દિવસે નિશાળ શરૂ થઈ. રિસેસ પડી. સાંજે નિશાળ છૂટી. સૌએ કાગડોળે રાહ જોઈ, રાક્ષસભૈ તો દેખાયા જ નહિ. છોકરાં રોવા જેવાં થઈ ગયાં. પછી તો ત્રીજે દિવસે યે રાક્ષસભૈ ના ડોકાયા. એમ કરતાં અઠવાડિયું ને મહિનો વીત્યો. છોકરાંને તો ન ગમે ભણવું કે ન ગમે રમવું.
નિશાળમાં રિસેસ પડે ને છોકરાં ટેકરે જાય. સાંજ સુધી રાહ જુએ ને નિરાશ થઈને અંધારું થયે ઘેર જાય.
રાક્ષસભૈ ગયા ને બગીચો સુકાઈ ગયો. તળાવડી સુકાઈ ગઈ. ન ખીલે ફૂલ. ને ના ઊડે પતંગિયાં. ફળ આપતાં ઝાડવાંય સુકાઈ ગયાં. છોકરાંનાં મોઢાંયે લેવાઈ ગયાં.
કોઈએ કહ્યું, “લ્યા, ભૈ રાક્ષસભૈને કોઈ અદેખાએ ફરી પાછો કુલડીમાં પૂરીને દાટી દીધો તો નહિ હોય?”
“હા, ચાલો, આપણે ટેકરો ખોદીએ, કુલડી શોધી કાઢીએ.” સૌ છોકરાં એકસાથે બોલી ઊઠ્યાં.
નિશાળનો ઘંટ જોસજોસથી વાગવા લાગ્યો.
“આવો ઘંટ તો કોઈ દિવસ વાગતો નથી હોં. રાક્ષસભૈ આવી ગયા હશે કે શું? બધાં છોકરાં ટેકરા પરથી નીચે દોડી આવ્યાં. નિશાળમાં ગયાં. સૌને નવાઈ લાગી. સાહેબના હાથમાં કાગળ હતો. ને એ ગંભીર થઈ ગયા હતા.
નિશાળમાં બધાં છોકરાં સભામાં ગોઠવાતાં હોય એમ ગોઠવાઈ ગયાં, સાહેબ, હવે શું કહેશે એની આતુરતાથી રાહ જોતાં બેસી રહ્યા. છેવટે સાહેબે ખોંખારો ખાધો. ને બોલ્યા :
“જુઓ, છોકરાં આપણાં રાક્ષસભૈ હમણાં થોડી વાર પહેલાં જ આવીને અલોપ થઈ ગયાં.”
“હેં રાક્ષસભૈ આવ્યા’તા?!” સૌની આંખો પહોળી થઈ ગઈ. પણ ના કોઈ બોલે કે ચાલે. સૌ સાહેબ સામે જોયા કરે.
સાહેબે પોતાના હાથમાંનો કાગળ બતાવીને ગળગળા સાદે કહ્યું : “રાક્ષસભૈએ પોતે જાતે લખેલી આ ચિઠ્ઠી મને આપી છે.”
હેં! રાક્ષસભૈ તો સાવ ઠોઠ નિશાળિયા હતા. એમને તે વળી ક્યારે લખતાં આવડી ગયું!! સૌને નવાઈ લાગી.
સાહેબ બોલ્યા :
‘લખતાં-વાંચતાં આવડતું નહોતું એટલે સ્તો એ શરમના માર્યા નિશાળે આવતા નહોતા. મોં સંતાડીને ફરવાનું આ સાચું કારણ એમણે મને હમણાં જ કહ્યું. સાહેબે રાક્ષસભૈની ચિઠ્ઠી મોટેથી સૌ સાંભળે એ રીતે વાંચવા માંડી :
“ પરમ પૂ. ગુરુજી, વહાલા બાલદોસ્તો!
મારા તમને સૌને લાખ લાખ પ્રણામ.
મારો સમય પૂરો થયો. હવે હું જાઉં છું. મારે હજુ દૂર દૂર બીજા કોઈ ગામે જવું છે, તમારા જેવા જ બાલદોસ્તોને મળવા. પણ હું તો તમારી સાથે જ છું, હોં. જુઓ, આ ટેકરા પર હું મોર, કોયલ કે પોપટ, ચકલી બનીને આવીશ. વડનો ટેટો બનીને કે પછી આંબાની કેરી બનીને ટપ દઈને તમારા પગ આગળ પડીશ. પાકું બોર બનીને કે પછી રાતી રાતી ચણોઠી બનીને તમને રસ્તામાંથી જડીશ. ફૂલ બનીને હસીશ. રંગબેરંગી પતંગિયું બનીને તમારી આસપાસ ઊડતો ફરીશ. બોલો, તમે મને ઓળખી પાડશો ને!?” ને એ દિવસથી રાક્ષસભૈ તો ગયા તે ગયા, આજની ઘડી ને કાલનો દહાડો. છોકરાંએ ટેકરાનું નામ રાક્ષસભૈનો ટેકરો પાડી ગીધું. કહે છે કે હજુ આજેય કોઈ છોકરું રોતું-રોતું ચઢે તો થોડી વારમાં જ હસતું-હસતું પાછું ફરે છે હોં!
સ્રોત
- પુસ્તક : રમેશ ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014