Tumtum Ane Chhamchham - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ટમટમ અને છમછમ

Tumtum Ane Chhamchham

શ્રદ્ધા ત્રિવેદી શ્રદ્ધા ત્રિવેદી
ટમટમ અને છમછમ
શ્રદ્ધા ત્રિવેદી

    પોપટજીની નિશાળમાં ચકલીયે ભણે ને તેતરેય ભણે. પોપટજીની નિશાળ એટલે ખુલ્લું ખેતર. તેમાં જાતભાતનાં ઝાડ. તેમણે વડ ને પીપલો, લીમડો ને આંબો – એમ જાતભાતનાં ઝાડ ઉછેરેલાં. ખેતરમાં જાતભાતના ક્યારા. ને તેમાં ભાતભાતનાં ફૂલ. વચ્ચોવચ પોપટજીનું ઘર. પોપટજીના ઘરનાં બારણાં સૌ માટે ખુલ્લાં. પોપટજીનું આખું કુટુંબ સવાર પડે કે કામે વળગે. પોપટીબાઈ તો નાનાં નાનાં પોતાનાં બચ્ચાંને રોજ જુદાજુદા ઝાડ પાસે લઈ જાય. પોપટજીને ત્યાં પાંચ બચ્ચાં ઊછરે. તેમાં તેમનાંય ખરાં ને તેમના ભાઈનાંય ખરાં. પોપટજી બધાં પાસે કચરોય વળાવે ને રસોઈ પણ કરાવે.

    પોપટજીની નિશાળના બધે વખાણ થાય. એક વાર બાજુના શહેરમાંથી એક ચકલી ત્યાં આવી ને પોપટજીને મળી. પોપટજી એ વખતે ખુશી ખિસકોલી પાસે બેઠા હતા. ખુશીબાઈ કૂદવા ગયેલાં તે પગ સૂજી ગયેલો. પોપટજી તેમના પગની દવા કરતા હતા. ચકલી પોપટજીને કહે : ‘પોપટજી, મારે સરસ મઝાનાં બે બચ્ચાં છે. તેમને તમારે ત્યાં મોકલીશ. તમે તેમને ભણાવજો.’ પોપટજી કહે : ‘ઠીક. જ્યારે તેમને મોકલવાં હોય ત્યારે મોકલજો. પણ મૂકીને તમે જતાં રહેજો. મહિના પછી આવજો.’

    ચકલી તો પોતાનાં બે નાનકાં બચ્ચાંને લઈ આવી. ને પોપટજી પાસે મૂક્યાં. પોપટજીએ બંને બચ્ચાંને ગોદમાં લીધાં. ને ચકલીને કહ્યું : ‘હવે તમે જાઓ.’ પહેલાં પહેલાં ચકલીનો જીવ તો ન ચાલ્યો પણ બચ્ચાં સારું સારું શીખે તો તેમનું ભલું થાય – એમ વિચારીને બચ્ચાંને સોંપ્યાં ને ચકલી ચાલી ઘેર.

    પોપટજીની નિશાળમાં નાનાં નાનાં ઘણાં ઘર. દરેક ઘરમાં બે-ચાર પંખી રહે.  બચ્ચાં તો નાનાં નાનાં હતાં ને નવાં નવાં હતાં. તેથી પોપટજીએ પોતાને ઘેર જ રાખ્યાં. પોપટજીએ તેમનાં નામ પાડ્યાં ટમટમ ને છમછમ. બે-ચાર દિવસ તેમને બધે ફેરવ્યાં. બચ્ચાંને તો મઝા પડી. તેમનાં જેવાં બીજાં ઘણાં બચ્ચાં હતાં.

    એક દિવસ પોપટજીએ ખુશી ખિસકોલીને કહ્યું : ‘ખુશી! આ ટમટમ ને છમછમને પેલા તળાવ પાસે ફેરવી આવ.’ ખુશી તો ખુશ થતી થતી બેઉને લઈ ગઈ તળાવ પાસે. ખુશીના પગે નાનું ઝાંઝર હતું. તળાવકાંઠે વિશાળ વડલો. તેમાં ઘણાં પંખી રહે. થોડાં પંખીનાં પગે ઝાંઝર ને થોડાંને નહીં. ટમટમ પૂછે : ‘ખુશી! બધાંને પગે ઝાંઝર કેમ નહીં?’ ખુશી કહે : ‘એ ના કહેવાય. મને પોપટજીએ એવું કહેવાનું કહ્યું નથી. માટે ના કહું. તને પછી ખબર પડી જશે.’ ટમટમ ને છમછમને તો પંખીઓ સાથે હરવા-ફરવાની ખૂબ મજા પડી. ખાસ્સું ફર્યાં – રમ્યાં, પછી બધાં પાછાં ગયાં.

    પોપટજીએ હવે તેમને કામ સોંપ્યું. તેમણે ટમટમ અને છમછમને કહ્યું ‘જુઓ! હમણાં તમારે એક જ કામ કરવાનું. અહીં આ બે વાસણ છે. તમારે પેલા દાણાના ઢગલામાંથી સારા સારા દાણા વીણીને આમાં મૂકવાના. બસ આટલું કામ કરવાનું છે હોં!’ ને પોપટજી તો ચાલી ગયા.

    પોપટજી ગયા એટલે છમછમ છણકો કરી કહે : ‘અલી ટમટમ! આવું તે કંઈ આપણે કરવાનું હોય? હું તો નહીં કરું. કાલે જોઈશ.’ ટમટમ કહે : ‘તો ભલે તારે જ્યારે કરવું હોય ત્યારે કરજે. હું તો આજથી જ કરીશ. હજી તો અડધો દહાડો બાકી છે. જેટલું થશે તેટલું કરીશ.’ કહી ટમટમ તો ઠુમક ઠુમક ચાલી, ઢગલામાંથી સરસ મઝાનો દાણો ચાંચમાં લીધો, ફરરર ઊડી ને આવી તપેલા પાસે ને ધાર પર બેઠી. દાણો તપેલામાં નાંખ્યો ને પાછી ચાલી. આમ એ તો ઘડીમાં જાય ઢગલા પાસે, દાણો લે, પાછી આવે, દાણો તપેલામાં નાંખે ને પાછી ઊડે. વળી સાથે ગાતી પણ જાય. બાજુના ઝાડ પર બેઠેલી ખુશી ખિસકોલી કહે : ‘વાહ આ ટમટમ કેવી મજાની છે! કેવી કામગરી છે! ને વળી કેવું મઝાનું ગાય છે! હું એની સાથે દોસ્તી કરીશ.’ ટમટમે નહીં નહીં તો આવા કેટલાય આંટાફેરા કર્યાં. તપેલામાં ખાસ્સા દાણા નાંખ્યા. ધીમે ધીમે અંધારું થવા માંડ્યું. હવે તો ટમટમ થાકી પણ હતી. ત્યાં તો પોપટજી દૂધ લઈને આવ્યા. ટમટમને આપ્યું ને કહે : ‘ટમુબેટા! હવે કાલે કરજે હોં!’ ટમુ તો દૂધ ગટગટાવી ગઈ. પછી પોપટજી એને એક સરસ મઝાના ઘરમાં લઈ ગયા. ત્યાં બીજી ચકલીઓ પણ રહેતી હતી. ટમટમને તો મઝા પડી ગઈ. થોડીવારમાં તો ઊંઘી પણ ગઈ. જ્યારે છમછમ તો ઊડી ગયેલી. ને ફર્યા કરતી હતી. રાત પડવા આવી એટલે તે તો ગભરાઈ. શું કરવું? ક્યાં જઉં? તે તો અહીં ઊડે ને તહીં ઊડે. ખુશી ખિસકોલીએ તેને જોઈ. તે કહે : ‘છમછમ! તું અહીં? પોપટજી ટમટમને લઈને ગયા તે મેં જોયું છે. ચાલ, તને પોપટજીને ઘેર પહોંચાડી દઉં.’ ને ખુશી ખિસકોલીએ છમછમને પોપટજીનું ઘર બતાવ્યું. છમછમ તો ચડીચૂપ ઊભી રહી. પોપટજીએ કંઈ ના કહ્યું. તેને દૂધ આપ્યું ને પછી જ્યાં ટમટમને રાખી હતી ત્યાં મૂકી આવ્યા.

    બીજો દિવસ થયો. ટમટમ તો પાછી કામે વળગી. આજે તો છમછમ પણ કામ કરવા લાગી. ઢગલામાંથી દાણા લે ને તપેલામાં નાંખે! ખાસ્સી વાર કામ કર્યું એટલે ટમટમ થાકી પણ તોય તેણે કામ ચાલુ રાખ્યું. ઊડવાથી થાકી તો ચાલવા માંડી. ધીમે ધીમે ચાલે, ઢગલા પાસે જાય ને દાણો લઈ પાછી આવે. જ્યારે છમછમ! માંડ ચાર આંટા માર્યા કે કહે : ‘થાકી હું તો! આ શું? એકનું એક કરવાનું? આમાં શું શીખવા મળે? હું તો નથી કરતી’ – કહી તેણે તો દાણા લાવવાનું છોડી દીધું. ખુશી ખિસકોલીને કહે : ‘ખુશી! તું શું કરે છે? ખુશી કહે : ‘મને તો પોપટજીએ ગાવાનું કહ્યું છે. તે હું તો ગાઉં છું.’ એટવે છમછમ કહે : ‘તો હુંયે ગાઈશ.’ ને એ તો દાણા ભરવાનું મૂકીને જતી રહી ખુશી પાસે. થોડી વાર તેની સાથે બેઠી, થોડું ગાયું. ત્યાં તો તેની નજર કલ્લુ કબૂતર પર પડી. કલ્લુ સરસ મજાનું નાચતું હતું. સરસ ઠેકડા લે, ગોળ ફરે, પાંખો પસારે ને મઝા કરે. તે તો પહોંચી કબૂતર પાસે ને કહે : ‘હુંય તારી જેમ નાચું? મનેય નાચવું ખૂબ ગમે છે.’ કબૂતર કહે : ‘મને તો પોપટજીએ કહ્યું છે માટે નાચું છું. તારું તું જાણે.’ છમછમ થોડી વાર નાચીને થાકી. છેવટે કંટાળીને કહે : ‘ના, ના, તારા કરતાં તો હું પેલી ખુશી ખિસકોલીની જેમ જ ગાઈશ.’ ને તે પાછી આવી. આમ ઘડીકમાં તે ગાય, ઘડીમાં નાચે, ઘડીકમાં દાણા ભરે. જ્યારે ટમટમ તો બસ! આખો દિવસ દાણા લાવે ને તપેલામાં મૂકે. એમ કરતાં સાંજ પડી. ટમટમનું તપેલું તો ભરાઈ પણ ગયું. ને છમછમનું? માંડ અડધું થયેલું.

    સાંજ પડ્યે પોપટજી આવ્યા. ને કહે : ‘આજે બધાં મારે ઘેર ચાલો.’ ટમટમ, છમછમ, ખુશી, કલ્લુ ને કલકલ કોયલ બધાં પહોંચ્યાં પોપટજીને ત્યાં.

    ત્યાં તો આખી નિશાળનાં પંખીઓ ભેગાં થયેલાં. પોપટજી બહાર જ બેઠેલા. ભોંય પર સરસ મઝાનો ચોફાળ પાથરેલો. પંખીઓ આવતાં જાય, પોપટજીને વંદન કરતાં જાય ને જ્યાં જગ્યા મળે ત્યાં બેસે. ટમટમ ને છમછમ પણ આવ્યાં. બેઉને જરા પાછળ બેસવું પડ્યું. ટમટમ તો સરસ રીતે બેસી ગઈ પણ છમછમ છણક્યા કરે. થોડી વાર થઈ કે પોપટજીએ કોયલને બોલાવી. કલકલ કોયલ કહે : ‘પોપટજી! હું બે દિવસથી તમે સોંપેલું કામ કરતી હતી. બધાં તમે કહ્યું તે પ્રમાણે કરતાં હતાં. માત્ર આ છમછમ કરતી નહોતી.’

    હવે છમછમને મસજાયું કે કોયલ કેમ બધે ફરફર કરતી હતી. નિયમ પ્રમાણે આજે ટમટમને પોપટજીને આગળ બોલાવીને કહ્યું : ‘શાબાશ! ટમટમ, શાબાશ! તેં તને સોંપેલું કામ સરસ રીતે કર્યું. માટે અમારાં સૌનાં અભિનંદન! તમને જે સોંપાય તે બરોબર કરો એ જ અહીંની પરીક્ષા. એમાં તું પાસ. હવે તારે તને ગમે તે કરવાનું.’ ત્યાં તો બાકીનાં બધાં પંખીઓ બેગાં થઈ ટમટમ પાસે આવ્યાં ને કહે : ‘ટમચમ! લે આ ઝાંઝર. પહેર ને મઝા કર.’ ટમટમની ખુશાલીનો પાર ના રહ્યો. જ્યારે છમછમ! જોતી જ રહી.

    પોપટજી કહે : ‘છમછમ! હજી તને તક છે. તારે તને સોંપેલું કામ પૂરું કરવાનું છે. બધાં કામ સરખા જ મહત્ત્વનાં છે. બધાં કામ ગમવાં જોઈએ. તમને જે સોંપાય તે સરસ રીતે કરો એ જ પૂરતું છે. તું જ્યારે તારું કામ સરસ રીતે પૂરું કરીશ તો તું બધાંને ખૂબ વહાલી લાગીશ. મનેય બહુ વહાલી લાગીશ. ને વળી તને પોતાને ખૂબ આનંદ થશે. બોલ! આનાથી મોટું બીજું ઇનામ હોઈ શકે?’

    થોડા દિવસ પછી છમછમને પણ ઝાંઝર મળ્યાં તે કહેવાની જરૂર છે? મહિના પછી જ્યારે ચકલીબહેન આવ્યાં ત્યારે બેઉને પગે ઝાંઝર હતાં ને બધાં પંખીઓ તેમને આવજો કહેવા આવેલાં.

સ્રોત

  • પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022