Sonani Chakali - Children Stories | RekhtaGujarati

સોનાની ચકલી

Sonani Chakali

વિનોદ ગાંધી વિનોદ ગાંધી
સોનાની ચકલી
વિનોદ ગાંધી

                એક હતી ચકલી.

 

                સોનાની.

 

                એની ચાંચ સોનાની અને પાંખ રૂપાની.

 

                એ જે ઝાડ પર રહેતી એ ઝાડ પણ સોનાનું.

 

                ઝાડને સોનાનું થડ, સોનાની ડાળ, સોનાનાં પાંદડાં. ફળ લાગે તે પણ સોનાનાં.

 

                આવા સોનાનાં ચકલીબાઈ સીમ છોડી ગામ તરફ ફરવા નીકળે ત્યારે એમને જોવા ગામ આખું ટોળે વળે.

 

                સોનાની ચકલીનો વૈભવ પણ જોવા જેવો.

 

                સોનાની ચકલીની આજુબાજુ બીજી બે-ચાર ચકલીઓ એની રક્ષા કરવા સાથે રહે. કશુંક શંકા જાય એવું જોવા મળે કે તરત જ પેલી ચાર ચકલી ચીંચીંચીંચીં કરી મૂકે, એટલે સોનાની ચકલી સાવધાન થઈ જાય. પેલી ચાર ચકલીઓને હુકમ કરે અને કહી દે, ‘ચાલો, આપણા ઝાડ તરફ ઊડો.’ તરત જ, જોતજોતામાં તો એ ચારેય ચકલીઓ અને પેલી સોનાની ચકલી દિશા બદલી નાખે અને પોતાના મૂળ ઝાડ તરફ ઊડીને જતી રહે. ગામલોકો જોતાં જ રહી જાય.

 

                સોનાની ચકલીનો રોજેરોજનો એક ફેરો તો ગામ તરફનો હોય જ. સોનાની ચકલી ફરવા નીકળે એટલે કે જાણે કોઈ રાજરાણી નગરફેરી કરવા ન નીકળી હોય, એવું લાગે!

 

                આ નગરફેરી જોવા જેમ ગામલોકો ટોળે વળે એમ ગામમાં, ગામનાં નાનાં-મોટાં ઝાડ પર રહેતી ચકલીઓ પણ સોનાની ચકલીને જોવા ટોળે વળે. સોનાની ચકલીનો આ વૈભવ જોઈને ગામની ચકલીઓને પોતાનું અપમાન થયું હોય એવું લગવા માંડ્યું. વળી ગામના લોકો પણ ગામની ચકલીઓને મહેણાંટોણાં મારવા લાગ્યા.

 

              ‘હે ગામની ચકલીઓ, તમારામાં શું ઊડે છે? તમે તો અમે વેરીએ એ દાણા ખાઈખાઈને તગડી થઈ હરોફરો છો. અમે મોંઘામોંઘા દાણા તમને ખવડાવીએ છીએ, તોયે તમે તો જેવી છો તેવી જ રહો છો. તમે મોંઘા દાણા ખાઈને સોનાની ચકલીઓ થઈ જાવ તો અમારેય ઉદ્ધાર થઈ જાય. તમે મરો ત્યારે જો તમારા દેહ સોનાના હોય તો અમે એ વેચીને ન્યાલ થઈ જઈએ. અમેય માલદાર થઈ જઈએ, પણ તમે તો... જવા દો.’

 

                આવાં મહેણાંટોણાંથી વાજ આવી ગયેલી ગામની ચકલીઓ નાનમ અનુભવવા લાગી. ગામની ચકલીઓ એક દિવસ ગામના પાદરના મોટા ઝાડ પર એકઠી થઈ. એ બધી સોનાની ચકલી સોનાની કેમ છે એ વિશે વિચાર કરવા લાગી. ઝાડ આખું ચકલીઓથી ઊભરાઈ ગયું હતું. ડાળેડાળે, પાંદડે પાંદડે ચકલીઓ જ ચકલીઓ! જાણે કે ચકલીઓનું જ ઝાડ! ચકલીઓ આ વિષયે પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા લાગી. આથી ઝાડ પર તો ચીંચીંચીંચીં નો અવાજ શોરબકોરની રીતે છલકાવા લાગ્યો. છેવટે એક ચકલીએ મોટા અવાજે બધી ચકલીઓને શાંત થવા કહ્યું. બધી ચકલીઓ શાંત થઈ ગઈ. છેવટે એકે નિર્ણય કર્યો કે સોનાની ચકલી સોનાની કેમ છે એ રહસ્ય જાણી લાવવા બે ચકલીઓને કામ સોંપવું. એ બે ચકલીઓ આ રહસ્ય શોધી લાવશે પછી આગળ શું કરવું તેનો વિચાર પછીથી કરવામાં આવશે.

 

                સોનાની ચકલીને ગામચકલીઓના આ નિર્ણયની કશી જાણ નહીં. તેથી એ તો રોજની જેમ જ દિવસમાં એક વાર તો ગામની ફેરી માટે નીકળે જ નીકળે. એક દિવસ પેલી બે ચકલીઓ કે જેમને સોનાની ચકલી સોનાની કેમ છે એ રહસ્ય શોધી લાવવાનું કામ સોંપ્યું હતું, એ બે ચકલીઓએ છૂપી રીતે સોનાની ચકલીનો પીછો કર્યો અને એ જે ઝાડ પર રહેતી હતી એ ઝાડ શોધી કાઢ્યું. બંને ચકલીઓ એ ઝાડની બાજુના ઝાડ પર સંતાઈને બેસી રહી. બંને ચકલીઓ સોનાની ચકલીની હલચલ જોવા લાગી. રાત પડી એટલે સોનાની ચકલી તો સોનાના ઝાડની બખોલમાં સોનાના માળામાં સૂઈ ગઈ, પણ એની રક્ષા કરનારી ચકલીઓમાંથી એક ચકલી ઊઠીને બીજા ઝાડ પર આવી સૂવા લાગી. બાકીની ત્રણ ચકલીઓ સોનાની ચકલીની રક્ષા કરવા સોનાના ઝાડ પર જ જાગતી બેસી રહી. એટલે પેલી બે ચકલીઓએ પેલી એક ચકલી કે જે સૂવા માટે આ ઝાડ પર આવી હતી તેને પકડી લીધી અને દબાવી દીધી. પેલી ચકલીથી તો કશું બોલાય જ નહીં. આ બે ચકલીઓએ પેલી ચકલીને લાલચ આપતાં કહ્યું, ‘જો તું અમને સોનાની ચકલી વિશે જાણકારી આપીશ તો અમે ગામચકલીઓ તને માલામાલ કરી દઈશું. વળી આમેય સોનાની ચકલી રાજરાણી જેવું સુખ અને સત્તા ભોગવે છે, પણ તારે તો દાસીપણું જ કરવું પડે છે ને! અમે તને એ દાસીપાણાની, ચાકરી કરવાની બાબતમાંથી મુક્ત કરાવી દઈશું. અમે તને ગામચકલીઓની રાણી બનાવી દઈશું.’

 

                પેલી બે ચકલીઓની વાત સાંભળી પેલી ચકલી લાલચમાં આવી ગઈ. વળી એને થયું કે આમ જિંદગી સોનાની ચકલીની ચાકરી કરવી એના કરતાં ગામની ચકલીઓની રાણી બનવું શું ખોટું? ગામની હજારો ચકલીઓની રાણી બની રાજ કરવાની કલ્પનાથી જ એ તો રાજીના રેડ થઈ ગઈ. છેવટે એણે સોનાની ચકલી સોનાની કેમ છે એનું રહસ્ય પેલી બે ચકલીઓને કહી દીધું.

 

                સોનાની ચકલી ગયા જન્મમાં સ્વર્ગની પરી હતી, પણ એ પરીરૂપે ઊડતી ઊડતી પૃથ્વી પર આવી, ત્યારે એણે અત્યારે જે ઝાડ પર રહે છે એ ઝાડનું ફળ, સ્વર્ગના રાજાની ના હોવા છતાં ખાધું હતું. તેથી સ્વર્ગના રાજાએ એને પૃથ્વી પર ચકલીરૂપે રહેવાનો શાપ આપ્યો. પરીની વિનંતીથી સ્વર્ગના રાજાએ શાપમાં ફેરફાર કહી કહ્યું કે તું સ્વર્ગની પરી હોવાથી તારો મોભો જાળવવા તને સોનાની ચકલી બનાવીશ અને તું જે ઝાડ પર રહે છે એ ઝાડને પણ સોનાનું બનાવીશ. પછી પરીએ સ્વર્ગના રાજાને કહ્યું કે પોતે ફરીથી સ્વર્ગની પરી કઈ રીતે બનશે. ત્યારે સ્વર્ગના રાજાએ કહ્યું કે પૃથ્વી પરના ગામની કોઈ ચકલી તને અડશે તો તું ફરીથી પરી બની જઈશ.


                આ વાત કહ્યા પછી પેલી ચકલીએ પેલી બે ચકલીઓને કહ્યું કે, પણ આ સોનાની ચકલીને સોનાની ચકલી હોવાનું અભિમાન થઈ ગયું છે. સોનાના ઝાડ પર રહેવાનું સુખ અને સત્તા ભોગવવાની ટેવ પડી ગઈ છે. એટલે હવે એ સોનાની ચકલીમાંથી પરી બનવાનું નામ જ નથી લેતી. અને તમે ગામચકલીઓ એને અડી ન જાવ એટલા માટે અમને એના રક્ષણ માટે દાસી બનાવીને રોકી રાખી છે.

 

                છેવટે પેલી ચકલી અને પેલી બે ચકલીઓએ યોજના ઘડી કાઢી. અને બંને ચકલીઓ ગામમાં પાછી આવી ગઈ.

 

                બીજે દિવસે સોનાની ચકલી જેવી ગામફેરી કરવા આવી કે ગામની હજારો ચકલીઓએ સોનાની ચકલીની ચોતરફે ઘેરો ઘાલ્યો અને ને ઊડતી અટકાવી. પેલી બંને ચકલીઓએ મહેનત કરી અને સોનાની ચકલીને અડકી લીધું. જેવું પેલી બે ચકલી સોનાની ચકલીને અડકી કે તરત જ પેલી સોનાની ચકલી, ચકલીમાંથી પરી બનીને આકાશમાં ઊડી સ્વર્ગમાં જતી રહી. પેલી બે ચકલીઓએ પેલી ચકલીને કે જેણે સોનાની ચકલી વિશેનું રહસ્ય છતું કરી દીધું હતું એને ગામચકલીઓની મુખી બનવા કહ્યું. પણ પેલી ચકલીએ કહ્યું, “મારે મુખી કે રાણી બનવું નથી. બધી ચકલીઓ સાથે ચકલીરૂપે જ રહેવું છે. જો હું ચકલીઓની રાણી બની જાઉં તો પછી મને પણ પેલી સોનાની ચકલીની જેમ સુખ અને સત્તાની ટેવ પડી જાય અને પછી એક દિવસ તો ચકલીરૂપે પરત જ થવું પડે. એના કરતાં તો ચકલી હોઈએ એટલે ચકલી થઈને રહેવામાં જ સાર છે. એની વાત સાંભળી, એની સાથીદાર પેલી ત્રણ ચકલીઓ પણ રાજી થઈ. ચારે ચકલીઓ ગામની ચકલીઓ સાથે ભેળી થઈ ગઈ અને રહેવા લાગી. ગમલોકોને પણ આખી વાત સમજાઈ ગઈ. એમને પણ પોતે ચકલીઓને મારેલા મહેણાં બદલ પસ્તાવો થયો.

 

                છેવટે ચકલીઓને અને ગામલોકોને પેલા સોનાના વૃક્ષની યાદ આવી એટલે ગામલોકો ચકલીઓની દોરવણી મુજબ સોનાના વૃક્ષની દિશામાં દોડતા ગયા, પણ જોયું તો જ્યાં પેલું સોનાનું વૃક્ષ હતું ત્યં એક સાદું જ વૃક્ષ, ઝાડ જેવું ઝાડ ઊભેલું દેખાયું. એ ઝાડ સોનાનું ન હતું પણ એની પર લાગેલા પીળા ફૂલોથી અને પીળા ફળોથી એ વૃક્ષ સોનાના વૃક્ષ કરતાં પણ વધું સુંદર લાગતું હતું. ચકલીઓ અને ગામલોકોએ એ વૃક્ષની નીચે ભેગા થઈને ઉત્સવ મનાવ્યો.

સ્રોત

  • પુસ્તક : સોનાની ચકલી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : વિનોદ ગાંધી
  • પ્રકાશક : પ્રણવ પ્રકાશન
  • વર્ષ : 2013