રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગલા ગોવાળને ત્યાં ઘેટાઓનો પાર ન હતો. ચારેબાજુ નજર કરો તો હરતા-ફરતા પોચાં-પોચાં રૂના ઢગ જેવા ઘેટાં જ દેખાય. એ ઘેટાંઓ માથું નીચું કરીને સતત ઘાસમાં કશુંક શોધવામાં પડ્યાં હોય એવું લાગે.
પણ ગલા ગોવાળ પાસે કંઈ એકલાં ઘેટાં ન હતાં. એક બકરી પણ હતી. એકની એક હોવાથી ગલો ગોવાળ એને બહુ સાચવતો. એને ધરાઈને વહાલ કરતો. ગલો ગોવાળ પોતાની ખૂબ સંભાળ રાખે છે એ વાતે બકરીના મનમાં ભારે અભિમાન હતું. એ કોઈ ઘેટાંઓને ગણનામાં ન લેતી. અણીદાર શિંગડાંનો ભય બતાવી એમનો ખોરાક પડાવી જતી. ક્યારેક તો કોઈ ઘેટાને ભૂખ્યું પણ રહેવું પડતું. ઘેટાંઓનો ભાગ ખાઈ-ખાઈને બકરી તો જાડી પાડી થઈ ગઈ. ગોળમટોળ થઈ ગઈ. ઘેટાંઓની સાથે તે ચરવા જતી તો સૌથી... છેલ્લે... ડગુમગુ ચાલી શકતી. મેદાનમાં ઘેટાંઓ પકડાપકડી રમત રમતા હોય ત્યારે બકરીને મધમીઠી ઊંઘ આવ્યા કરતી એટલે કોઈ ઝાડનો છાંયો મળ્યો નથી ને એમણે શરીરને લંબાવ્યું નથી એવો ઘાટ થતો.
એક વાર ગોળમટોળ બકરી ઝાડ નીચે ઊંઘી ગઈ. ઘૅ...ર...ર... ઘૅ...ર...ર... એવાં નસકોરાં બોલવા લાગ્યાં. ઘેટાંઓ મેદાનમાં મજેથી કૂણું-કૂણું ઘાસ ચરતાં હતાં. એવામાં સિંહની ત્રાડ સંભળાઈ. ઘેટાંઓ તો મુઠ્ઠીઓ વાળીને વાડા તરફ દોડવા માંડ્યાં. બકરી પણ સિંહની ત્રાડ સાંભળીને આળસ મરડતી ઊભી થઈ. ઘેટાંઓ વિનાનું મેદાન સૂમસામ હતું. પોતે એકલી જ, એમાં આ સિંહ... એ તો થરથર ધ્રૂજવા માંડી પણ એના ભારેખમ શરીરથી પૂરું ચાલી શકાતું નહોતું. તો પછી ઝડપથી દોડી તો ક્યાંથી શકે? એ ધીમે-ધીમે વાડા તરફ ચાલવા ગઈ ત્યાં તો સિંહે એને પકડી લીધી. આવી ગોળમટોળ બકરીનું ભોજન કરવા મળશે એના વિચારમાં સિંહ રાજી થઈ ગયો. બકરીને થયું હવે તો મર્યા જ સમજો. ઘેટાંઓને પોતે ખૂબ હેરાનપરેશાન કરી મૂકેલાં હતાં એટલે એ કોઈ પોતાને બચાવે જ શાનાં? પોતાનાં અણીદાર શિંગડાં ઘેટાંઓને માર્યાં કર્યાં છે. એમનો ખોરાક પડાવી લીધો છે ને બધી જ જગાએ પોતાનો હક જમાવી દાદાગીરી કરી છે. વળી, આ વિકરાળ સિંહ પાસે બિચારાં ઘેટાંઓનું શું ગજું? બકરી આવું-આવું વિચારતી હતી ત્યાં વાડા બાજુએથી એક નાનકું ઘેટું આ તરફ દોડતું આવતું બકરીએ જોયું. બકરીએ સાદ પાડીને એને રોકવાનો વિચાર કર્યો, પણ એનું ગળું સિંહ બીકથી સાવ સુકાઈ ગયું હતું.
ટબૂકડા ઘેટાને ડર્યા વિના સામે આવતું જોઈને સિંહરાણાને નવાઈ થઈ, તો જબરો ગુસ્સો પણ આવ્યો. આવડું અમથું ઘેટું જંગલના રાજાથી ન ડરે ચલાવી જ કેમ લેવાય? એમણે ઘેટા સામે ઘૂરકીને : ‘પૂછ્યું તું પણ મરવા આવી ગયું છે એમ ને?’ બકરી પછી મુખવાસની જેમ ઘેટું પણ ખાવા મળશે એનો આનંદ સિંહને માતો ન હતો.
ઘેટું કહે : ‘મહારાજા, હું તો તમને મોટી મિજબાનીનું કહેવા આવ્યો છું. આ બકરીને પડતી મૂકો અને હું કહું ત્યાં ઝડપથી ચાલો.’
મિજબાનીની વાત સાંભળને સિંહના મોંમાં પાણી આવી ગયું, પણ બકરીને છોડવાની વાત એને સમજાતી ન હતી.
સિંહને વિચારમાં પડેલો જોઈ ઘેટું બોલ્યું : ‘મહારાજા, વાડા પાછળની ઝૂંપડીમાં આ બકરીથી ચારગણું મોટું એક ઘેટું પુરાયું છે. મહિનાઓ સુધી ગોળ ખાઈ-ખાઈને એ એટલું ગળ્યું થઈ ગયું છે કે ન પૂછો વાત.’
ગોળમટોળ બકરી તો મૂંગા મોએ આ નાનકા ઘેટાની વાતોને સાંભળી જ રહી. એને થયું કે આ બહાદુર નાનકું ઘેટું મને બચાવવા કેવી મહેનત કરી રહ્યું છે ને હું છું કે ઘેટાંઓ સાથે ઝઘડ્યા જ કરી હતી!
સિંહ તો આ ગળ્યાં ઘેટાની વાત સાંભળી એ ઘેટાનો કોળિયો કરી જવા ઉતાવળો થઈ ગયો. ઘેટાને કહે : ‘જો નાનકા, આ બકરીને તો હું છોડી દઉં છું, પણ જો કોઈ ચાલાકી કરી છે તો તને જ હું ખાઈ જઈશ.’
નાનકા ઘેટાએ ડોકું ધુણાની હા કહી એટલે આગળ ઘેટું અને પાછળ સિંહ ઉતાવળે ચાલવા લાગ્યા. ઘેટાંએ ગોળમટોળ બકરીને દોડી જવા ઇશારો તો પહેલાં જ કરી દીધેલો. બકરી જીવ બચાવવા સલામત જગાએ પહોંચી ગઈ.
ગલા ગોવાળના વાડા પાછળ એક ઓરડી હતી. એમાં કાપેલા ઊનનો મોટો ઢગલો કરેલો હતો. નાનકા ઘેટાએ સિંહને દૂરથી એ ઢગલાને બતાવ્યો. એ ઢગલો જાણે સૂતેલા કોઈ મોટા ઘેટા જેવા જ લાગતો હતો. ‘અરે વાહ! આટલું મોટું ઘેટું!’ એમ સમજીને સિંહ કશું વિચારવા રહ્યો નહીં, ઘેટાનો કોળિયો કરી જવા એણે ઊનના ઢગલા પર જોરદાર કૂદકો માર્યો. સિહંના ભારેખમ શરીરને લીધે પોચાપોચા ઢગલાની પાર જઈને દીવાલના પથ્થર સાથે ‘ભમ્મ...મ’ દઈને એ અફળાયો. એના માથામાં તમ્મર ચઢી ગયા. આંખે, મોંએ, આખા શરીરે એ ઊનથી ભરાઈ ગયો. એના નાકમાં પણ ઊન ઘૂસી ગયું.
એક તો લોહી ટપકતું માથું, ઊનથી ભરાયેલું શરીર ને ગોળમટોળ બકરીને ખોયાનું દુઃખ આ બધું એક-સામટું ભેગું થયું. પરિણામે સિંહ ગુસ્સાથી બારી બહાર નાનકા ઘેટાને પકડવા કૂદ્યો. ગલા ગોવાળના ફળિયામાં પાણીને ગરમ કરવા રાખેલા ચૂલામાં કોલસા ધગધગતા હતા. ચૂલા ઉપર ઊકળતું પાણી સૂ..ઊ..મ્મ... સૂ...ઊ...મ્મ સિસોટી મારતું હતું. સિંહરાણા સીધા જ એ ચૂલા ઉપર ધડામ... દઈને પડ્યા. ગરમાગરમ પાણી એના શરીર પર ઢોળાયું. હાથપગ કોલસાથી દાઝી ગયા. પીડાથી ઊંહકારા ભરતા એ તો નાઠા...
જંગલના રાજા સિંહને આમ ઊભી પૂંછડીએ ભાગતો જોઈને ઘેટાંઓને મજા પડી ગઈ. બકરીએ આવીને બચાવવા બદલ નાનકા ઘેટાનો ખૂબ આભાર માન્યો.
ત્યારથી ગોળમટોળ બકરી ઘેટાંઓને પોતાનાં વહાલાં ભાઈબહેન ગણતી થઈ. એમની સાથે રમતી થઈ અને મોજમજા કરતી થઈ.
સ્રોત
- પુસ્તક : લપસણીની મજા (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : કિશોર વ્યાસ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
- વર્ષ : 2024