Hemlata - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

    હેમલતા

    એક હતા રાજા.

    એને સૌ વાતે સુખ હતું; પણ એક વાતની ખામી હતી.

    એને કૈં સંતાન ન હતું. એણે ભગવાનની ભારે ભક્તિ કરી.

    ભગવાન એના પર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે : ‘તારે ઘેર દીકરી આવશે.’

    રાજા રાજી થઈ ઘેર આવ્યો.

    વખત જતાં એને ઘેર દીકરી આવી.

    દીકરી બહુ જ રૂપાળી. અંધારામાં અજવાળું થાય એવી; અને એવી હસમુખી કે એને જોઈને ગમે તેને પણ તેડીને રમાડવાનું મન થાય.

    પરીઓની રાણી જતી હતી. એવામાં એની નજર રાજકુંવરી પર પડી.

    કુંવરીનું રૂપ જોઈ તથા એને કિલકિલાટ હસતી જોઈને એને વહાલ આવ્યું. તે એણે રાજકુમારીને ઉપાડી લીધી અને બકીઓથી નવરાવી મૂકી.

    ‘બસો વરસની થજે!’ પરીઓની રાણીએ આશીર્વાદ આપ્યો, અને ઉમેર્યું : ‘તારા ગૂંચળિયા વાળ અને સોનેરી ઝુલફાં એવાં રૂડાં રૂપાળાં લાગે છે કે તને હેમલતા એટલી સોનાની વેલ કહું તો ખોટું નથી.’

    તે દિવસથી એ કુંવરીનું નામ હેમલતા પડી ગયું.

    તે પછી બીજી અનેક પરીઓએ એને રમાડીને નાનાંમોટાં તથા જાતજાતનાં વરદાનો આપ્યાં.

    પરીઓનું મંડળ પોતાની નાજુક પાંખો ફફડાવીને ઊડી ગયું.

    એક નાની સુકુમાર પરી ઊડવાની તૈયાર કરતી હતી એવામાં એની નજર રાજકુંવરી પાસે આવતી એક ડોકરી ઉપર પડી.

    એટલે એ પડદા પાછળ સંતાઈને ઊભી રહી.

    પેલી ડોકરી રાજકુંવરી પાસે આવી અને ધીરે રહીને બબડી કે : ‘તારી આંગળીમાં શૂળ ભોંકાશે, અને તને તેનું ઝેર ચઢશે, એટલે તું મરી જઈશ.’

    એમ કહીને આવી હતી તે રીતે ચાલી ગઈ.

    એના ગયા પછી પેલી સુકુમાર પરી પડદા પાછળથી બહાર આવી અને રાજકુંવરીને માથે હાથ ફેરવીને બોલી :

    ‘પેલી ડોકરીએ દીધેલો શાપ તને નડશે નહિ. એણે કહેલી શૂળ વાગશે ખરી, પણ એના ઝેરથી મરી જવાને બદલે તું ગાઢ નિદ્રામાં પડીશ. તારી એ ઊંઘ સો વરસ જેટલી લંબાશે. આપબળથી આગળ વધેલો કુમાર જયસિંહ તારી પાસે આવશે; અને એ ગાઢ નિદ્રામાંથી તને ઉઠાડશે.’

    રાજકુંવરી દહાડે ન વધે એટલી રાતે વધે. રાતે ન વધે એટલી દિવસે વધે. એ ખાસી પંદર વર્ષની થઈ. રાજાએ એને ભણાવવામાં મણા ન રાખી. એના મીઠા બોલ, કોયલ જેવી મધુર વાણી અને રૂપરૂપના અંબાર જેવું મોઢું જોઈને રાજારાણીને ભારી સંતોષ થતો હતો.

    એવામાં એક દિવસ રાજકુંવરીના પગમાં ઠેસ વાગી. કોણ જાણે ક્યાંથી રાજાજીના મહેલમાં શૂળ આવી ગયેલી તે કુંવરીના પગમાં પેસી ગઈ, અને એકાએક એ મૂર્છા ખાઈને નીચે પડી.

    રાજારાણીએ અનેક ઉપાય કર્યા, પણ એની મૂર્છા વળી નહિ. એ ઘસઘસાટ ઊંઘવા લાગી.

    પેલી નાજુક પરીને રાજકુંવરી હેમલતાને શૂળ વાગી અને એ મૂર્છામાં પડી તે વાતની ખબર પડી એટલે એ દોડીને આવી પહોંચી.

    એણે પોતાની જાદુઈ લાકડીથી કિલ્લામાંનાં તમામ માણસોને, નોકર-ચાકરોને, દાસદાસીઓને, અમલદારોને, સિપાઈઓને અને બંધાયેને ઘારણમાં નાખી દીધાં. ગાયો, ભેંસો, ઘોડાઓ અને બીજાં જનાવરોને પણ એણે જાદુઈ લાકડીના જોરે ઊંઘાડી દીધાં.

    આખા કિલ્લાના બંધાય માણસો અને પશુ-પંખીઓ ભર ઊંઘમાં પડ્યાં. એટલે એ નાજુક પરીએ પોતાને હલકે હાથે જાદુઈ લાકડી કિલ્લાની આજુબાજુ ફેરવી.

    આંખ મીંચીને ઉઘાડીએ એટલામાં એક ગાઢ જંગલ કિલ્લાની ચારે બાજુ ઊભું થઈ ગયું. એના ઝાડોની ઘટામાં છવાઈને કિલ્લો છુપાઈ ગયો. ઝાડો અને લતાઓ પરસ્પર એટલાં બધાં ગૂંથાઈ ગયાં હતાં કે એમાંથી ભાગ્યે જ કોઈ આરપાર નીકળી શકે.

    એ વાતને વર્ષો વહી ગયાં.

    રાજકુંવરી હેમલતા અને કિલ્લાનાં માણસો વગેરે સૌ જે સ્થિતિમાં હતાં તે સ્થિતિમાં ઘસઘસાટ ઊંઘ્યા કરતાં હતાં. રાત કે દિવસ, ઠંડી કે ગરમી, બળબળતો તાપ, વરસાદની ઝડીઓ કે કડકડતી ઠંડીની એમને રજમાત્ર પણ પરવા ન હતી. એ ઊંઘ્યા જ કરતાં હતાં. એમની ઊંઘમાં કોઈ પણ રીતે ખલેલ પડે એવું ન હતું.

    જયસિંહ

    રાજકુંવરી હેમલતા અને તેના કિલ્લાનાં માણસો ઊંઘ્યા કરે છે એ દરમિયાન પેલી સુકુમાર પરીએ કહેલો આપબળથી આગળ વધેલો કુમાર જયસિંહ રાજકુમારી હેમલતા પાસે શી રીતે ગયો, તેમ જ એ કેવી રીતે આગળ વધ્યો હતો, તે આપણે જોઈએ.

    કુમાર જયસિંહ એક નાના ગામડામાં ઊછર્યો હતો. તેની વિધવા માતા બહુ જ ગરીબ હતી. એ જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. એની ભગરી ભેંસ એ રીતે ગુજરાન ચલાવવામાં એને ભારે મદદ કરતી હતી.

    જયસિંહ લહેરી છોકરો હતો. એ પોતાનો ઘણો વખત આળસમાં ગાળતો. એને પૈસાની રજમાત્ર કિંમત ન હતી.

    વખતના વહેવા સાથે એ ગરીબ ઘરમાંથી એક પછી એક ચીજો વેચાઈ જવા લાગી. છેવટે માત્ર બે ચીજો રહી. એક એમનું રહેવાનું ઝૂંપડું અને બીજી ભગરી ભેંસ.

    નાછૂટકે હવે ભગરી ભેંસને વેચવા કાઢ્યા સિવાય ચાલે એમ ન હતું. કાં તો ભેંસ ન વેચવી અને ભૂખે મરવું, કે ભેંસ વેચીને દાણા લાવવા અને તે પહોંચે ત્યાં સુધી ખાવું; તેમ જ એ દરમિયાન કમાવું.

    જયસિંહને એની માએ ભેંસ વેચવા મોકલ્યો.

    ભેંસ લઈને જયસિંહ બજારમાં જતો હતો એવામાં અને ફેરિયો સામે મળ્યો. એણે જયસિંહને કાળા-ધોળા વટાણા બતાવ્યા. એ જોઈને જયસિંહનું મન લલચાયું, અને ફેરિયા પાસે એણે વટાણા માગ્યા. ફેરિયાએ એની પાસે પૈસા માગ્યા. પૈસા હતા નહિ એટલે જયસિંહે એને વટાણાના બદલામાં ભગરી ભેંસ આપી દીધી.

    વટાણા લઈને ડોલતો ડોલતો અને ખૂબ ખુશી થતો જયસિંહ ઘેર આવ્યો, અને પોતાના સોદાની વાત માને કરી.

    ‘હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા!’ એની મા બોલી ઊઠી. પોતાના દીકરાની મૂર્ખાઈથી અને રોવું આવી ગયું. એણે જયસિંહ પાસેથી વટાણા ઝૂંટવી લીધા અને બહાર ફેંકી દીધા. એ બિચારી પોતાના દીકરાની આવી મૂર્ખાઈ જોઈને બહુ જ ખિન્ન થઈ. એની છાતી ભરી આવી, અને પછી તો એનાથી રોવું ખાળી શકાયું નહિ.

    જયસિંહે એને છાની રાખવા પ્રયત્ન કર્યો; પણ કેમે કરી છાની ન રહી.

    મા ને દીકરો તે દિવસે છેવટે ભૂખે પેટે સૂઈ ગયાં.

    જયસિંહને તે રાતે ઊંઘ ન આવી. એ સવારના વહેલો ઊઠ્યો. એણે આંખો ચોળીને જોયું તો તેના આંગણામાં નવાઈ ભરેલી સીંગોથી લચી જતા કેટલાક વેલા એકબીજાને વળગેલા જોયા. એ ઘરમાંથી બહાર આવ્યો, અને પેલા વેલા સામી નજર કરી તો તે એકબીજાને વળગીને છેક આકાશમાં ઊંચે નજર પણ ન પહોંચે ત્યાં સુધી વધેલા હતા! એ વાદળાંને અડેલા હોય એમ જયસિંહને દેખાયું.

    એ વેલા કેટલે ઊંચે ગયા છે તે જોવા જયસિંહ એની પર ચઢ્યો.

    એ ઊંચે ને ઊંચે ચઢ્યે જ ગયો. એનું છાપરું છેક નાનું સરખું દેખાવા લાગ્યું ત્યાં સુધી એ ઘણી જ ઊંચે ચઢ્યો. છેવટે એ અજબ પ્રકારના વટાણાના વેલાનો છેડો આવી રહ્યો. જ્યાં એનો છેડો આવ્યો ત્યાં આકાશમાં એક વેરાન પ્રદેશ હતો. ઝાડપાન કે લીલોતરીનું ત્યાં નામેય ન હતું.

    જયસિંહ આગળ વધ્યો. થોડેક દૂર ગયા. પછી એક મકાન એની નજરે પડ્યું. એને કકડીને ભૂખ લાગી હતી, એટલે એણે એ મકાનનું બારણું ખખડાવ્યું.

    એક બાઈએ ધીરે રહીને દરવાજો ઉઘાડ્યો. જયસિંહને જોઈને એ બિચારી બહુ જ નવાઈ પામી.

    ‘આ મકાન એક ભયંકર રાક્ષસનું છે એની તને ખબર છે કે?’ તેણે જયસિંહને પૂછ્યું.

    ‘મને એ વાતની ખબર નથી.’ જયસિંહને કહ્યું.

    ‘તો પછી તું જ્યાંથી આવ્યો ત્યાં જલદી ચાલ્યો જા, કારણ કે રાક્ષસ આવશે તો મને એકે કોળિયે ખાઈ જશે.’

    જયસિંહ બહુ જ ભૂખ્યો હતો, એટલે એણે એ બાઈને પોતાને કાંઈક ખાવાનું આપવા કહ્યું.

    એ બાઈ ધીરે રહીને જયસિંહને રસોડામાં લઈ ગઈ અને એને પેટ ભરીને ખાવાનું આપ્યું.

    એટલામાં આખું ઘર કોઈ જોસથી હલાવતું હોય તેમ લાગ્યું.

    ‘અરેરે! રાક્ષસ આવી લાગ્યો છે.’ પેલી બાઈએ કહ્યું. ‘જો એ તને જોશે તો માર્યા વિના નહિ મૂકે. હવે મારે કરવું શું?’

    ‘બીજું તો શું થાય? આડોઅવળો સતાડી દો.’ જ.સિંહ બોલ્યો.

    એવામાં એની નજર રાક્ષસના મોટા ચૂલા ઉપર પડી. તેની અંદર એ ધીરે રહીને સંતાઈ ગયો.

    એ સંતાઈ રહ્યો હશે, એટલામાં તો રાક્ષસ પોતનાં પગલાં ધબધબ ઠપકારતો ઘરમાં આવ્યો.

    ‘ફું-ફું-ફું! માણસ ગંધાય-માણસ ખાઉં!’ એ મોટેથી બરાડી ઊઠ્યો.

    ‘પણ માણસ છે જ ક્યાં?’ પેલી બાઈએ પૂછ્યું, ‘તમે બહારથી આવ્યા તેથી ભ્રમ થયો લાગે છે.’

    ‘એવું હશે ત્યારે.’ એમ કહીને રાક્ષસ બેઠો. એનો સ્ત્રીએ ખાવાનું આપ્યું.

    જયસિંહે લપાઈને જોયું તો રાક્ષસનો ખોરાક અને એનો દેખાવ જોઈને એને ભારે નવાઈ લાગી.

    ક્યાંય સુધી રાક્ષસે ખાધે રાખ્યું. પછી ખૂબખૂબ પાણી પીધું.

    થોડી વારે એની આંખો ઘેરાવા લાગી. એવામાં એને કંઈક યાદ આવ્યું હોય તેમ આંખો ચોળીને એણે પોતાની સ્ત્રીને કહ્યું : મારી કૂકડી લઈ આવ.’

    તરત જ પેલી બાઈ એક દેખાવડી કૂકડી લઈ આવી, અને રાક્ષસની પાસે મૂકી.

    ‘મૂક.’ રાક્ષસ બોલ્યો. તરત જ કૂકડીએ સોનાનું ઈંડું મૂક્યું.

    ‘બીજું મૂક.’ રાક્ષસ બોલ્યો, અને મરધી બાઈએ એક બીજું મોટું સોનાનું ઈંડું મુક્યું.

    એમ પંદર-વીસ વખત રાક્ષસે મરઘીને ઈંડાં મૂકવા કહ્યું અને એણે નક્કર સોનાનાં ઈંડાં મૂક્યે રાખ્યાં.

    રાક્ષસને ઊંઘ આવી એટલે એણે પોતાની સ્ત્રીને મરઘી લઈ જવાનું અને ઈંડાં ઠેકાણે મૂકવાનું કહ્યું.

    એ ઊંઘી ગયો એટલે ધીરે રહીને જયસિંહ સંતાયો હતો ત્યાંથી બહાર નીકળ્યો. એણે છાનામાના જઈને પેલી મરઘી પકડી લીધી.

    મરઘીને લઈને એ સીધો પોતાના ઘર તરફ દોડ્યો, અને સડસડાટ પેલા વટાણાના વેલા પર થઈને નીચે સરી પડ્યો.

    એને જોઈને એની માને હરખનાં આંસુ આવ્યું. એ બિચારી એમ સમજી હતી કે આગલે દિવસે એ દીકરાની મૂર્ખાઈ ઉપર રડી તેથી એને ખોટું લાગ્યું, તે ઘર છોડીને નાસી ગયો. ગમે તેવો તો પણ એ એનો એકનો એક લાડકવાયો દીકરો હતો.

    જયસિંહે પોતાની માને પાસે બોલાવી અને એને પેલી મરઘી બતાવી.

    ‘મૂક.’ એમ જ્યાં જયસિંહે કહ્યું ત્યાં તો મરઘીએ સોનાનું ઈંડું મૂક્યું.

    જયસિંહ કહેતો ગયો તેમ મરઘી સોનાનાં ઈંડાં મૂકતી ગઈ.

    એ જોઈને એ ગરીબ વિધવાની અજાયબીનો પાર ન રહ્યો.

    એ ઈંડાં વેચ્યાં એટલે એમને પુષ્કળ પૈસા મળ્યા. એમની ગરીબાઈ નાસી ગઈ અને બેઉ માદીકરો સુખમાં દિવસ ગુજારવા લાગ્યા.

    વખત જતાં ફરી પાછી જયસિંહને રાક્ષસને ત્યાં જવાની અને તેના ખજાનામાંથી બીજું કંઈ મળે તો લઈ આવવાની ઇચ્છા થઈ. એણે પોતાની માને વાત કરી. એ બિચારી તો તે સાંભળીને હબકી જ ગઈ. એણે બીજી વાર જવા દેવાની ના પાડી. પણ જયસિંહે જેમતેમ કરીને એને સમજાવી લીધી.

    થોડા દિવસ પછી સવારના વહેલો ઊઠીને જયસિંહ પેલા વટાણાના વેલા ઉપર બીજી વાર ચઢ્યો. એની ટોચે જઈને એ રાક્ષસને ઘેર પહોંચ્યો. એણે પોતાનો વેશ બદલ્યો હતો એટલે રાક્ષસની સ્ત્રી એને ઓળખી ન શકી. એ ભલી બાઈએ એને ઘરમાં લીધો. અને કહ્યું કે : ‘પહેલાં એક વખત તારા જેવા જ એક ગરીબ છોકરાને દયા આવવાથી મેં આશરો આપ્યો હતો. પણ એ મારા ઘરમાંથી ચોરી કરીને નાસી ગયો હતો.’

    જયસિંહે આજીજી કરીને ખાતરી આપી કે હું એવું નહિ કરું, એટલે એ ભલી બાઈએ એને ભોંયરામાં જગ્યા કરી આપી ને ખાવાનું પણ આપ્યું.

    થોડી વારે રાક્ષસ આવી પહોંચ્યો, એનાં મોટાં નસકોરાં વતી સૂંઘતો સૂંઘતો એ બોલ્યો :

    ‘માણસ ગંધાય – માણસ ખાઉં! માણસ ગંધાય – માણસ ખાઉં!’

    એની સ્ત્રીએ એને સમજાવીને ઠંડો પાડ્યો.

    ‘તમે બહારથી શિકાર કરી આવ્યા હશો અને તેની ગંધ હજી તમારા નાકમાંથી ગઈ નહિ હોય. અહીં તો માણસ-બાણસ કોઈ નથી.’

    પછી એણે વાળું કરવા માંડ્યું : અરે બાપ રે! એ એટલું બધું ખાતો હતો કે ખાસાં પચીસ માણસ ધરાઈ જાય.

    ખાઈ રહીને એણે કહ્યું : ‘મારી કોથળીઓ લાવ.’

    એની સ્ત્રી પૈસાની કોથળી લઈ આવી. એ બધી સોનામહોરો અને રૂપિયાથી ભરેલી હતી. એ એક પછી એક કોથળી ખાલી કરતો ગયો. કોથળી ઠાલવીને બાજુએ મૂકે ત્યાં તો આપોઆપ ભરાઈ જાય અને રાક્ષસ મહોરોના અને રૂપિયાના ઢગલા કર્યે જ જાય. છેવટે એ કંટાળ્યો અને સૂઈ ગયો. એના નસકોરાં એટલાં બધાં જોશથી બોલવાં લાગ્યાં કે છાપરાનાં નળિયાં પણ ઊંચાંનીચાં થવા લાગ્યાં.

    લાગ જોઈને જયસિંહ સંતાવાની જગ્યાએથી બહાર નીકળ્યો અને પેલી થેલીઓ બગલમાં મારીને મૂઠીઓ વાળીને નાઠો. એ પેલા વટાણાના વેલા પરથી બહુ જ ઝડપથી ઊતરતો હતો. એના હાથમાંથી થેલીઓ ઊંઘી વળી ગઈ હતી, એટલે એમાંથી મહોરો અને રૂપિયાનો વરસાદ નીચે વરસતો હતો.

    જયસિંહની મા પૈસા પડવાના અવાજથી બહાર આવીને જોતી હતી. આ રીતનો વરસાદ એની જિંદગીમાં એણે કદીયે જોયો ન હતો. એ બિચારી ઘેલીગાંડી થઈ ગઈ અને રૂપિયા વીણવા લાગી.

    જયસિંહ નીચે આવ્યો. આ વખતે એ ખરચતાં કૂટે નહિ એટલું ધન લઈ આવ્યો હતો.

    મા ને દીકરો આનંદથી રહેવા લાગ્યાં. એમણે એક મોટો મહેલ બંધાવ્યો અને નોકરચાકરોની ફોજ વસાવી. એમના વૈભવનો ઠાઠમાઠનો પાર ન હતો. ધીરેધીરે જયસિંહે પોતાના માણસોની મદદ વડે આજુબાજુનો મલક કબજે કર્યો અને આપબળથી એણે નાનું સરખું રાજ જમાવ્યું.

    એમ કરતાં ચારેક વર્ષ વીતી ગયાં. વળી પાછી એને પેલા રાક્ષસને ત્યાં જવાની ઇચ્છા થઈ આવી.

    એની માતાએ એને ઘણો ઘણોય વાર્યો પણ તે એકનો બે થયો નહિ.

    વેશપલટો કરીને પોતે ઓળખાય નહિ એવાં કપડાં પહેરીને જયસિંહે રાક્ષસને ત્યાં જઈ પહોંચ્યો. પેલી ભલી બાઈએ હરવખતની માફક એના પ્રત્યે દયા દેખાડી. એને ખાવાનું આપ્યું, શિખામણના બે બોલ કહ્યા અને પાણી ભરવાની ખાલી ટાંકીમાં સંતાડી દીધો. ‘માણસ ગંધાય – માણસ ખાઉં!’ એમ કરતો કરતો રાક્ષસ આવ્યો, અને ચારે બાજુએ જોઈ વળ્યો.

    જયસિંહની ગભરામણનો પાર ન હતો. સારે નસીબે રાક્ષસે ટાંકીની પાસે આવવા છતાં ઢાંકણું ઉઘાડ્યું નહિ.

    થોડી વારે રાક્ષસ થાકીને બેઠો. એની સ્ત્રીએ એને પેટ ભરીને જમાડ્યો.

    જમી રહ્યા પછી એણે એની સ્ત્રીને સારંગી લાવવાનું કહ્યું.

    એ સારંગી લાવી એટલે એને બાજુએ મૂકી રાક્ષસ બોલ્યો : ‘ચાલ, તારું સંગીત સંભળાવ.’

    સારંગી આપોઆપ વાગવા લાગી અને રાક્ષસનું મકાન એના દિવ્ય સંગીતથી ગાજી રહ્યું.

    સંગીતના તાનમાં રાક્ષસ ડોલવા લાગ્યો. થોડો વખત ગયો એટલે એ ઝોકાં ખાવા લાગ્યો, ને પછી તો લાંબો થઈને ઘસઘસાટ ઊંઘી ગયો.

    એને ઊંઘી ગયેલો જોઈને જયસિંહ પાણીની ખાલી ટાંકીમાંથી બહાર આવ્યો, અને સારંગીને ઉપાડી લીઘી.

    સારંગીએ પોતાના સૂરો વહાવીને રાક્ષસને ચેતવ્યો.

    રાક્ષસ જાગ્યો. એ આંખો ચોળીને બરાબર જોઈ લે ત્યાં તો જયસિંહ દોડીને પેલા વટાણાના વેલા પાસે પહોંચી ગયો અને ઝટઝટ નીચે ઊતરવા લાગ્યો.

    ‘હરામખોર! તું જ મારી મરઘી અને પૈસાની થેલી ઉઠાવી ગયો હતો. હવે તને જીવતો નહિ જવા દઉં.’ એમ બબડતો બબડતો રાક્ષસ દોડ્યો. એ વટાણાના વેલા ઉપરથી નીચે ઊતરવા લાગ્યો.

    જયસિંહે નીચે આવીને કુહાડી વતી વટાણાના વેલા કાપી નાખ્યા.

    એક મોટા ધબાકા સાથે એ વેલા જમીન પર પડ્યા. રાક્ષસ પણ ભોંયે પછડાયો અને એનું માથું ફૂટી ગયું.

    થોડી વારે એ મરી ગયો.

    જયસિંહે એને દાટી દીધો.

    ઊંઘનો અંત

    જયસિંહે આપબળથી આગળ વધીને નાનું સરખું રાજ્ય સંપાદન કર્યું હતું, છતાં એની ઉંમર કંઈ એટલી મોટી ન હતી. એ ભાગ્યે જ વીસ-બાવીસ વર્ષનો થયો હશે.

    એને શિકારનો ભારે શોખ હતો, એટલે એ અવારનવાર શિકાર કરવા નીકળી પડતો. એક વખત એ એવી રીતે રાજકુમારી હેમલતા ઊંઘતી હતી તે કિલ્લાની આસપાસના જંગલમાં જઈ પહોંચ્યો.

    ગાઢ જંગલમાં મહેલના ઊંચા મિનારાઓ ઝાડોમાંથી દેખાતા હતા, તે એકાએક એની નજરે પડ્યા. એ જોઈને એને ભારે નવાઈ લાગી. એ ક્યો કિલ્લો હતો તે સંબંધી એણે પોતાના નોકરોને પૂછ્યું.

    એમણે પોતે જે કંઈ સાંભળ્યું હતું તે કહ્યું. કોઈકે એને એ ઠેકાણે કોઈ ભયંકર રાક્ષસનું રહેઠાણ છે એમ કહ્યું હતું અને કોઈકે એ જગ્યાને ભૂતિયા મહેલ તરીકે ઓળખાવી હતી. વળી કોઈકે એને લૂંટારાના અડ્ડા તરીકે વર્ણવી હતી. કોઈને એ કિલ્લા સંબંધી કંઈ પણ જાતમાહિતી ન હતી.

    જયસિંહને બધામાંથી શું માનવું અને શું ન માનવું તે વિચાર થઈ પડ્યો.

    એ આગળ ચાલ્યો એવામાં એને એક ડોસો સામો મળ્યો.

    ‘પેલા કિલ્લા વિશે આપ મને માહિતી આપી શકશો?’ જયસિંહે એને પૂછ્યું.

    જયસિંહનો રુઆબદાર દેખાવ જોઈ પેલા માણસે સહેજ નમીને જવાબ દીધો

    'ઘણી જ ખુશીશી. આજથી પચાસ વર્શ પહેલાં મેં મારા બાપુને એમ કહેતા સાંભળ્યા હતા કે એ કિલ્લામાં બહુ જ રૂપવતી એક રાજકુમારી રહેતી હતી. એના વાળ સોનેરી હતા અને આખું શરીર નાજુક વેલી જેવું હતું. એટલે એનું નામ હેમલતા પાડવામાં આવ્યું હતું. કમનસીબે કોઈ ડાકણે એને શાપ આપ્યો હતો, તેથી એ વર્ષોનાં વર્ષો સુધી ઊંઘ્યા કરવાની હતી. હજી પણ એ કુંવરી ઊંઘ્યા જ કરે છે.’

    ‘એની અવધ ક્યારે પૂરી થાય છે?’

    ‘એ વાતની મને ખબર નથી : પણ મારા બાપુ એમ કહેતા કે આપબળથી આગળ વધેલો કોઈ કુમાર એની પાસે જશે ત્યારે એ જાગશે અને એની સાથે પરણશે.’

    એ સાંભળીને જયસિંહને એ રાજકુમારીને જોવાની તાલાવેલી લાગી. એણે પોતાનો ઘોડો એ કિલ્લા તરફ મારી મૂક્યો.

    અને અજબ જેવી વાત તો એ હતી કે એ જમ જેમ પેલા કિલ્લા તરફ આગળ વધતો ગયો, તેમ તેમ ગીચ ઝાડી બાજુએ હઠતી ગઈ અને એને માટે રસ્તો થતો ગયો.

    એ કિલ્લામાં દાખલ થયો અને ચારે બાજુ એની નજર પડતાં જ એ ઠંડો થઈ ગયો. આજુબાજુ માણસો અને જાનવરો મરેલાં હોય તેમ અચેતન પડ્યાં હતાં. એણે જરા બારીકાઈથી જોયું તો એ બધાનો શ્વાસોશ્વાસ ચાલતો હતો, અને એ ભર ઊંઘમાં પડ્યાં હતાં.

    એ મહેલમાં ગયો અને એક પછી એક ખંડ જોતો જોતો આગળ વધ્યો. દાસદાસીઓ, નોકરચાકરો, પહેરેગીરો અને અમલદારો પોતે જ્યાં હતાં ત્યાં ચત્તાપાટ સૂતાં સૂતાં ઘસઘસાટ ઊંઘતાં હતાં.

    જયસિંહ સોનાથી મઢેલા એક ભવ્ય ખંડમાં જઈ પહોંચ્યો. એ ઓરડામાં એક પલંગ ઉપર મખમલના નરમ બિછાના પર એણે રાજકુમારી હેમલતાને ઊંઘી ગયેલી જોઈ  એની ઉંમર ભાગ્યે જ સત્તર-અઢાર વર્ષની હશે.

    જયસિંહ એની પાસે ગયો અને નીચા નમીને કુંવારીનો હાથ પોતાના હાથમાં લીધો.

    સુકુમાર પરીએ બાંધેલી અવધ (અવધિ) એ વખત પૂરી થઈ. અને રાજકુમારી હેમલતા ઊંઘમાંથી આળસ મરડીને જાગી. એણે પોતાની આંખ ઉઘાડીને જયસિંહ તરફ જોયું.

    ‘હવે કેમ છે?’ જયસિંહે પૂછ્યું.

    રાજકુમારીએ શરમાઈને બેઠાં થતાં જવાબ દીધો : ‘સારું છે, આપને બહુ વખત થોભવું પડ્યું!’

    જયસિંહ એ સાંભળીને ઘણો રાજી થયો. પછી તો બેઉ જણે ઘણીયે વાતો કરી.

    રાજકુમારી હેમલતાએ એ લાંબી ઊંઘ દરમિયાન પોતાને આવેલા અજબ સ્વપ્નાની વાત જયસિંહને કરી. સ્વપ્નમાં આપબળથી આગળ વધેલો કુમાર પોતાની પાસે આવીને ઊંઘમાંથી જગાડશે એવું એને દેખાયં હતું, એ પણ જણાવ્યું.

    ‘તમે જ તે કુંવર ને? તમે શી રીતે આગળ વધ્યા?’ હેમલતાએ પૂછ્યું.

    જયસિંહે એને પોતાની વાત કરી, અને પોતે શી રીતે રાક્ષસને બનાવ્યો હતો તે પણ હસતાં હસતાં હેમલતાને જણાવ્યું.

    ધીરે ઘીરે આખા કિલ્લાંનાં માણસો, જાનવરો અને પક્ષીઓ જાગી ઊઠ્યાં અને પોતાપોતાને કામે લાગ્યાં. સો વરસનો લાંબો ગાળો શી રીતે પસાર થયો હતો તેની કોઈનેય ખબર ન હતી.

    રાજા અને રાણી પણ મૂર્છામાંથી જાગ્યાં. હેમલતાએ એમને બધી વાત કરી અને એ રાજી થયાં. કુમાર જયસિંહ પણ તેમને ગમી ગયો.

    બીજે દિવસે રાજકુમારી હેમલતા અને કુમાર જયસિંહનાં ભારે ધામધૂમથી લગ્ન થયાં, સારો યે કિલ્લો આનંદમંગળના નાદથી ગાજી ઊઠ્યો.

    પરીઓની રાણીએ, પેલી સુકુમાર પરીએ અને એમની સખીઓએ જયસિંહ ને હેમલતા ઉપર આકાશમાંથી ફૂલોનો વરસાદ વરસાવ્યો.

સ્રોત

  • પુસ્તક : નાગરદાસ ઈ. પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013