pinchhun - Children Stories | RekhtaGujarati

જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી

ઝીણી પાતળી તેજપિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,

ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી

સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;

ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા

એકાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી

ઊડી જાય, દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા

ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, ર્હે માત્ર હૈયે છવી.

એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,

જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;

એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,

કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.

કૈં અસ્પર્શ્ય એવી પાછળ સ્મૃતિ રાખી જવાને રૂડી

પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.

ના ગીત મૂકી ગયું :

પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ