Tilvi Name Bakri Ek! - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ટીલવી નામે બકરી એક!

Tilvi Name Bakri Ek!

રમેશ ત્રિવેદી રમેશ ત્રિવેદી
ટીલવી નામે બકરી એક!
રમેશ ત્રિવેદી

    એક હતી બકરી.

    બકરીના કપાળે ટીલું હતું.

    વિહો રબારી બકરીને ટીલવી કહી બોલાવતો.

    ટીલવી વિહા રબારીના વાડામાં રહેતી હતી.

    સવાર પડે. વિહો રબારી બકરીઓને ચરાવા લઈ જાય. ટીલવી પણ ચરવા જાય. એને ગાવાનો શોખ. એ નાચે કૂદે ને ગાય.

જંગલમાં હું જાઉં છું.
નદી-જળમાં ન્હાઉં છું.
લીલું ઘાસ ખાઉં છું,
તાજીમાજી થાઉં છું.

    એક વાર ટીલવી ચરતાં-ચરતાં દૂર નીકળી ગઈ. કૂણુંકૂણું ઘાસ, ને વેલાઓનાં કૂણાંકૂણાં પાન ખાવાની મજા પડી ગઈ. સાંજ પડી. સૂરજ આથમી ગયો. અંધારું વધવા માંડ્યું. ટીલવીનો પગ વેલામાં ભરાઈ ગયો. એ બેં બેં કરવા લાગી. બીજી બકરીઓને લઈ વિહો ઘેર જવા નીકળ્યો. ટીલવીને એણે ઘણી શોધી પણ ટીલવી તો જંગલમાં આઘી પહોંચી ગઈ હતી. હવે શું થાય?

    ટીલવી એકલી પડી ગઈ. પગ વેલાઓ વચ્ચે એવો ભરાયો હતો કે નીકળે જ નહિ. બેબાકળી બની એ બેં બેં કરવા લાગી.

    જંગલમાં બધે અંધારું થઈ ગયું. જાતજાતનાં પ્રાણીઓના અવાજો આવવા લાગ્યા. ટીલવીને ધડક-ધડક થવા લાગ્યું. હવે કરવું શું? એ ઊભી હતી ત્યાં બાજુમાં નદી હતી. નદી શાંત બની ગઈ હતી. આકાશમાં ચાંદો ઊગ્યો. પૂનમની રાત. મોટો થાળી જેવડો ચાંદો નદીનાં પાણી, ઝાડ, પાંદડાં, વેલા બધાં જ કેવાં રૂપેરી લાગે! ટીલવીએ જોયું, તો રેતમાં પગલાંની નિશાની. કોનાં પગલાંની નિશાની હશે?

    “બકરીબહેન, શું જુઓ છો...?”

    બકરીને થયું, “આ કોણ બોલ્યું?” એણે ઊંચે ઝાડ સામે જોયું.

    ઝાડ પર નાનકડી દેવચકલી, માળામાંથી મોં કાઢી હસી પડી, એ કહે :

    “બકરીબહેન, રેત પર સિંહનાં પગલાં પડ્યાં છે હોં!”

    બકરી કહે, “ચકલીબહેન, મારું નામ ટીલવી છે. હું ભૂલી પડી ગઈ છું. મારો પગ વેલાઓમાં એવો ભરાઈ ગયો છે કે ઘણુંય કરું છું તોય નીકળતો નથી.”

    “ટીલવીબહેન, હવે શું કરશો તમે?” દેવચકલી બોલી.

    ટીલવી કહે, “શું કરીએ, જેમ તેમ કરી રાત કાઢીશું. સવારે વિહાભાઈ આવશે, ને મને લઈ જશે.”

    દેવચકલી કહે : “બકરીબહેન અહીં નદીએ પાણી પીવા વાઘ આવે છે. ચિત્તો આવે છે, રીંછ આવે છે. હરણાંનાં ટોળાં આવે છે. તમે શું કરશો બહેન?...”

    ટીલવી તો વિચારમાં પડી ગઈ. વાત તો સાવ સાચી છે. હવે મારે કરવું શું? વાઘ, ચિત્તા ને રીંછની તો મને બહુ બીક લાગે. હું એકલી કરુંય શું? એટલામાં વાઘનો ઘૂઘવાટો સંભળાયો. દેવચકલી તો ડરીને માળામાં સંતાઈ ગઈ. ટીલવી થરથર કરતી ધ્રૂજવા લાગી. એણે ઊંચે જોયું. ઘુવડ જાગતો હતો. ઘુવડે ઝાડ પરથી કીધું :

    “બકરીબહેન, તમે ગભરાતાં નહિ, હું જાગું છું. ચાંદામામા જાગે છે. ચકલીબહેન ય જાગે છે હોં!...”

    ટીલવીએ નદીની રેત સામે જોયું. સિંહનાં પગલાં દેખાયાં. એણે તરત એક યુક્તિ વિચારી લીધી : એ મોટેથી ગાવા માંડી :

સિંહ ગયો છે ન્હાવા,
વળતો આવશે ખાવા,
ખૂબ ખૂબ એ ખાશે,
પછી સૂવા જાશે!...

    વાઘ ટીલવી પાસે આવ્યો. એ કહે :

    “એય બકરી, સિંહ ન્હાવા જતો તેં જોયો છે?”

    ટીલવી કહે : “હા, સિંહ મને કહીને ગયો છે.”

    વાઘ કહે, : “શું કીધું છે એણે?”

    ટીલવી કહે, : “એય, બકરી, નદીએ નાહી-ધોઈને આવું છું. ને પછી તને ખાઉં છું!”

    વાઘ કહે, “સાચું બોલે છે તું?”

    ટીલવી બોલી, “તો શું હું જુઠ્ઠું બોલું છું? જુઓ, આ રેતમાં કોનાં પગલાં છે?”

    વાઘે જોયું તો નદીની રેતમાં સિંહનાં પગલાં પડેલાં હતાં. વાઘ તો આ પગલાં જોઈ ડરી ગયો, ને તરત ત્યાંથી પાણીય પીધા વગર પાછો ફરી ગયો.

    વાઘ જતો રહ્યો ને ઘુવડ હસી પડ્યો. એ બોલ્યો, “વાહ! બકરીબહેન વાહ! તમે તો બહાદુરેય છો, ને પાછાં ચતુર પણ છો! તમે તો વાઘ જેવા વાઘનેય ભગાડ્યો હોં!...”

    બકરી હસી પડી, એ કહે, “ઘુવડભાઈ, ભગવાને ભેજું શા માટે આપ્યું છે? ભેજું કસીયે તો ઉપાય જડે હોં!...”

    વાઘ ગયો, ને થોડી વાર પછી ઘુવડે ઘૂ ઘૂ ઘૂ ઘૂ કરી ખબર આપ્યા :

    “બકરીબહેન, હોશિયાર... ચિત્તાભાઈ આવી રહ્યા છે...!”

    ટીલવીએ ફરી પાછું, મોટે મોટેથી ગાવા માંડ્યું :

સિંહ ગયો છે ન્હાવા,
વળતો આવશે ખાવા,
પેટ ભરીને ખાશે,
પછી સૂવા જાશે!...

    ચિત્તો ટીલવી પાસે આવ્યો, એ કહે :

    “સિંહ ક્યાં છે?”

    ટીલવીએ સિંહનાં પગલાં બતાવ્યાં, એ કહે :

    “જુઓ, આ પગલાં કોનાં છે?”

    ચિત્તાએ સિંહનાં પગલાં જોયાં. એ કહે : “વાત તો સાચી છે તારી...”

    ટીલવી કહે : “સિંહ ન્હાવા ગયો છે. નાહી-ધોઈને પછી મને ખાશે...”

    ચિત્તો તો સિંહની બીકે ઊભી પૂંછડીએ નાસી ગયો. એ ગયો એટલે ઘુવડ હસી પડ્યો. ઘૂ ઘૂ ઘૂ કરી એ કહે :

    “બકરીબહેન, તમે તો ચિત્તાને જબરો ભગાડ્યો હોં...!”

    ટીલવી વિચારમાં પડી. એણે ઘુવડને કીધું :

    “ઘુવડભાઈ, હવે સાચુકલો સિંહ આવશે તો શું કરીશ?”

    ઘુવડ કહે : “હા, બકરીબહેન, સિંહ આવશે તો ખરો, એને શું કહેશો તમે?”

    ટીલવીબહેન એમ કંઈ ગભરાય તેવાં થોડાં હતાં? એ કહે : “ઘુવડભાઈ, હશે, જે થવાનું હશે તે થશે, એમ કંઈ ડરી-ડરીને ના જિવાય હોં!...”

    એટલામાં રીંછભાઈ આવ્યા, રીંછભાઈનેય ટીલવીબહેને સિંહની બીક બતાવીને ભગાડી મૂક્યા, દીપડાભાઈ ને શિયાળભાઈ આવ્યા. એમનેય સિંહનાં પગલાં બતાવી નસાડી મૂક્યા. મોડે રાતે સિંહરાજા ધીમે ધીમે આવ્યા. ઘુવડભાઈએ કીધું : “ઘૂ...ઘૂ...ઘૂ... ટીલવીબહેન, સાવધાન, સિંહની સવારી આવી પહોંચી છે.”

    ટીલવી તો સિંહને જોઈ તરત એના પગમાં આળોટવા લાગી. એ કહે, “મહારાજ, જુઓ મારો પગ વેલામાં ભરાઈ ગયો છે.”

    સિંહે ગર્જના કરી, એ કહે : “બકરી, હું તને ખાઉં, તારો પગ ભરાયો એમાં મારે શું લેવા-દેવ?”

    ટીલવી કહે : “મહારાજ જુઓ, રેતમાં તમારાં પગલાં પડ્યાં છે, તમારાં આ પગલાંએ તો મને જીવનદાન આપ્યું છે, બોલો!...”

    સિંહે ફરી ગર્જના કરી : “એ કેવી રીતે?...”

    ટીલવી સાવ ગરીબડી બની ગઈ, એ બોલી :

    “મહારાજ, નદીએ પાણી પીવા વાધ આવ્યો, ચિત્તો આવ્યો, રીંછ આવ્યો, દીપડો આવ્યો, ને શિયાળે આવ્યું...”

    સિંહ કંટાળી ગયો, એ કહે : “નદી છે તો પાણી પીવા સૌ આવે. એમાં તું કંઈ નવી વાત કરે છે?”

    ટીલવી કહે : “વનરાજ, મેં એ બધાંને કીધું :

સિંહ ગયો છે ન્હાવા,
વળતો આવશે ખાવા,
પેટ ભરીને ખાશે,
પછી સૂવા જાશે!...

    “હા, મહારાજ, મેં સૌને કીધું કે સિંહ નાહી-ધોઈને આવશે, ને પછી મને ખાશે. આ રહ્યાં તમારાં પગલાં!...”

    સિંહે ધ્યાનથી રેત પર પડેલાં પગલાં સામે જોયું. એ હસી પડ્યો. એ કહે, “આ પગલાં તો મારાં છે! મારાં પગલાં જોઈ સૌ ડરી ગયા એમ?”

    ટીલવી કહે, “હા, મહારાજ, આ બધાં જ ડરી ગયાં, ને ઊભી પૂંછડી નાસી ગયાં, ને હું બચી ગઈ.”

    સિંહ રાજી થઈ ગયો : “જા, ત્યારે હું ય તને જતી કરું છું.”

    ટીલવી તો હરખાઈ ઊઠી, એ બોલી : “વનરાજનો જય હો!”

    સિંહે પાણી પીવા જતાં જતાં કીધું :

    “લાવ, બકરી તારા પગને વેલમાંથી ખેંચી કાઢું...!”

    “મહારાજ, તમે જાઓ નિરાંતે, સવારે વિહો રબારી આવશે, ને મારા પગને વેલામાંથી બહાર ખેંચી કાઢશે...”

    “ભલે ત્યારે...” કહી સિંહ ચાલ્યો ગયો.

    સિંહ ગયો એટલે ઘુવડબાઈ ઘૂ...ઘૂ...ઘૂ... કરી હસી પડ્યા.

    દેવચકલીય માળામાંથી બહાર આવી. એય ચીં...ચીં...ચીં... કરી બોલી ઊઠી... “વાહ બકરીબહેન વાહ!”

    થોડી વારમાં સવાર પડી અજવાળું થયું. ટીલવીબહેન રોજની જેમ ગાવા માંડ્યું :

જંગલમાં હું જાઉં છું.
નદી-જળમાં ન્હાઉં છું.
લીલું ઘાસ ખાઉં છું,
તાજીમાજી થાઉં છું.

    પછી વિહા રબારીએ ટીલવીને શોધી કાઢી. એણે ટીલવીનો પગ વેલામાંથી ખેંચી કાઢ્યો. દેવચકલીએ વિહાભાઈને કીધું :

    “તમારી બકરી તો ભારે જબરી છે હોં, એણે તો વાઘ-ચિત્તા ને દીપડાનેય ભગાડ્યા, બોલો!”

    વિહો તો પોતાની બકરીનાં વખાણ સાંભળી ખુશ થઈ ગયો ને ટીલવીબહેનને લઈ પાછો બીજી બકરીઓ પાસે જતો રહ્યો.

સ્રોત

  • પુસ્તક : રમેશ ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014