Khushino Pul - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખુશીનો પુલ

Khushino Pul

મેહુલ મંગુબહેન મેહુલ મંગુબહેન
ખુશીનો પુલ
મેહુલ મંગુબહેન

    સુંદરવન અને રંગપુર ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદીનું નામ હતું કીર્તના. એક કાંઠે સુંદરવન અને બીજે કાંઠે રંગપુર ગામ. ગામના લોકો રોજ બેખોફ સુંદરવનમાં જતા અને મધ, ફૂલ, ફળ, સૂકાં લાકડાં વગેરે જરૂર મુજબ લઈ આવતા. સુંદરવનનાં પ્રાણીઓ પણ કોઈ પણ ભય વગર ગમે ત્યારે રંગપુરમાં આંટો મારી આવતાં. ગામના લોકો અને જંગલનાં પ્રાણીઓ હળીમળીને રહેતાં. સુંદરવન અને રંગપુર ગામ વચ્ચે આમ ગજબની દોસ્તી હતી.

    જોકે, સૌથી જોરદાર અને વખણાતી દોસ્તી ખુશી ખિસકોલી અને વીરુ વાઘની હતી. ખુશી આમ તો રંગપુરની ખિસકોલી હતી, પણ તે મોટેભાગે તો સુંદરવનમાં વીરુના ઘરે જ રહેતી. બેઉ જણાં ક્યારેક ગામમાં તો ક્યારેક જંગલમાં ફર્યાં કરતાં.

    એક દિવસ જોરદાર વરસાદ પડ્યો. ગામ અને સુંદરવન વચ્ચે વહેતી નાનકડી નદી કીર્તના હવે એકદમ અચાનક મોટી બની ગઈ. નદી બેઉ કાંઠે ધસમસ વહેવા લાગી હતી. ખુશી ખિસકોલી આ વખતે પણ વીરુ વાઘના ઘરે જ હતી. નદીમાં પાણી વેગથી વહેતું હોવાને કારણે ગામ અને જંગલનો વ્યવહાર સાવ કપાઈ ગયો. ખુશીના ઘરના લોકો તેની ચિંતા કરતા હતા, પણ તે પાછી ઘરે જઈ શકે તેમ નહોતી. થોડા વખતમાં ઉઘાડ નીકળ્યો પણ હજી નદીમાં પાણી એટલું બધું હતું કે તેને પાર કરવી મુશ્કેલ હતું.

    ઘણા દિવસોથી સંપર્ક કપાઈ ગયો હોવાથી ગામના લોકો અને સુંદરવનનાં પ્રાણીઓ બેઉ દુઃખી હતાં. આવા સમયે ખુશીએ તેના દોસ્ત વીરુ વાઘ આગળ નદી પર પુલ બનાવવાનો વિચાર રજૂ કર્યો. વીરુ તો તેનો વિચાર સાંભળીને ખુશ થઈ ગયો અને બોલ્યો, “એમાં શું મોટી વાત છે આપણે આજે જ જંગલનાં તમામ પ્રાણીઓને ભેગાં કરીને પુલ બનાવી નાખીએ.”

    તેણે બધાં પ્રાણીઓની સભા બોલાવી. સભામાં તમામ પ્રાણીઓને ખુશીનો વિચાર ગમ્યો, પણ સુંદરવનનો પ્રમુખ લવલી લાયન માનવા તૈયાર ન થયો. તેણે કહ્યું, “પુલ બનાવવો એ બહુ મોટું કામ છે. વળી, નદી પાર કરવા માટે મગર અને વાંદરાની હોડીઓ તો છે જ, નકામી મહેનત શું કામ કરવી?”

    ખુશી અને બીજાં પ્રાણીઓની પહેલાં મગર અને વાંદરાઓએ જ લવલી લાયનની વાતનો વિરોધ કર્યો. વાંદરાએ કહ્યું, “આપણી પાસે હોડી એક જ છે અને આવાં ધસામસતાં પાણી સામે હોડીનું કાંઈ ન ઊપજે.” મગરે પણ, “આવા પાણીમાં તો પુલ જ સારો પડે.' તેમ કહ્યું.

    ખુશીએ પુલ હશે તો લોકોને અવરજવરમાં શાંતિ રહેશે તેમ કહ્યું, પણ લવલી લાયને ફરી તેનો વિરોધ કર્યો. લવલી બોલ્યો, “ગામના લોકોને જરૂર હશે તો જાતે પુલ બનાવી લેશે. આપણે પ્રાણીઓએ આવી માથાકૂટમાં પડવાની કાંઈ જરૂર નથી.” લવલી લાયનની વાતથી બધા નિરાશ થયા. હવે શું કરવું? ખુશી અને વીરુ તો પુલ બનાવવા માટે મક્કમ હતાં. છેવટે તેમણે જાહેર કર્યું કે અમે તો પુલ બનાવીશું જ, જેને મદદ કરવી હોય એ કરે. વીરુ વાઘ અને ખુશીએ નકશો બનાવ્યો અને નદીને કાંઠે માટી ભેગી કરવાની શરૂઆત કરી. ઘણા દિવસો સુધી તે બેઉ જણા થાક્યા વગર કામ કરતાં રહ્યાં. તેમને કામ કરતાં જોઈ ધીમે ધીમે બીજાં પ્રાણીઓને પણ તેમાં રસ પડવા લાગ્યો.

    ફરી વાર સુંદરવનની સભા મળી અને પુલ બનાવવાની વાત સર્વાનુમતે નક્કી થઈ. હવે તો બધાં પ્રાણીઓ કામે લાગ્યાં. મોટાં લાકડાં અને થડિયા ઉપાડી લાવવાની જવાબદારી હાથીઓએ લઈ લીધી. વીરુની સાથે માટી લાવવાના કામમાં જંગલી ગધેડાઓ, ઘોડાઓ, શિયાળ, સિંહ બધાં જોડાયાં. બાંધકામની જવાબદારી ઉસ્તાદ સસલાઓએ ઉપાડી. ધીમે ધીમે પુલનું કામ આગળ ચાલ્યું. તમામ પ્રાણીઓની દેખરેખની જવાબદારી ખુશી ખિસકોલીએ ઉપાડી હતી. તે તો ચોવીસ કલાક પુલના બાંધકામના સ્થળે જ રહેવા લાગી.

    ઘણા દિવસો સુધી કામ ચાલ્યું, પણ પુલ તો હજી માંડ થોડોક જ બન્યો હતો. પ્રાણીઓનો ઉત્સાહ પણ ઓસરી રહ્યો હતો. ખુશીને લાગ્યું કે આ રીતે તો પુલ બનવામાં બહુ બધાં વર્ષ નીકળી જશે. તેણે તરત જ એક કબૂતરને સંદેશા સાથે પોતાના ગામ મોકલ્યું. સંદેશો હતો, “અમે બનાવીએ છીએ પુલ, જોજો રહી ન જાય કોઈ ભૂલ!”

    ગામના લોકો ખુશીના સંદેશાનો અર્થ તરત જ સમજી ગયા. હવે તેમણે નકશો મંગાવીને સામે છેડે પુલ બનાવવાની શરૂઆત કરી. ગામના લોકો કામે વળગતાં પ્રાણીઓનો ઉત્સાહ પણ બેવડાયો. ધીમે ધીમે કરતાં કરતાં સુંદરવન અને રંગપુર વચ્ચેનો પુલ તૈયાર થઈ ગયો. પુલ બનાવવાની ના પાડનાર સુંદરવનના પ્રમુખ લવલી લાયન તથા રંગપુરના સરપંચને તેના ઉદ્ઘાટન માટે બોલાવવામાં આવ્યા.

    લવલીએ કહ્યું, “ખુશી ન હોત તો આ પુલ કદાચ કદી ન બનત, એટલે આ પુલનું નામ આપણે 'ખુશી-પુલ' રાખીએ છીએ!

સ્રોત

  • પુસ્તક : સુંદરવનની વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : મેહુલ મંગુબહેન
  • પ્રકાશક : રીડજેટ પબ્લિકેશન
  • વર્ષ : 2015