
એક હતો તરવાડી, એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું : “તરવાડી રે તરવાડી!”
તરવાડી કહે : “શું કહો છો, ભટ્ટાણી?”
ભટ્ટાણી કહે : “રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવો ને, રીંગણાં?”
તરવાડી કહે : “ઠીક.”
તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડીએ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં?
છેવટે તરવાડી કહે : “વાડીનો ધણી નથી તો વાડી તો છે ને! ચાલો, વાડીને જ પૂછીએ.”
દલો કહે : “વાડી રે બાઈ, વાડી!”
વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું : “શું કહો છો, દલા તરવાડી?”
દલો કહે : “રીંગણાં લઉં બેચાર?”
ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે : “લે ને દસબાર!”
દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો.
ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે. વાડીમાં રીંગણાં ઓછાં થવા લાગ્યાં. વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ.
એક દિવસ સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા : “વાડી રે બાઈ, વાડી!”
વાડીને બદલે દલો કહે : “શું કહો છો, દલા તરવાડી?”
દલો કહે : “રીંગણાં લઉં બેચાર?”
અને વાડીને બદલે વળી દલો કહે : “લે ને દસબાર!”
દલા તરવાડીએ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે : “ઊભા રહો ડોસા! રીંગણાં કોને પૂછીને લીધાં?”
દલો કહે : “કોને પૂછીને કેમ? આ વાડીને પૂછી લીધાં.”
માલિકે કહે : “પણ વાડી કાંઈ બોલે?”
દલો કહે : “વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના?”
માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો : “કૂવા રે ભાઈ, કૂવા!”
કૂવાને બદલે વશરામ કહે : “શું કહો છો, વશરામ ભૂવા?”
વશરામ કહે : “ડબકાં ખવરાવું બેચાર?”
કૂવાને બદલે વળી વશરામ બોલ્યો : “ખવરાવ ને, ભાઈ! દસબાર.”
દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલો
તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો : “ભાઈસા’બ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું!”
પછી તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.



સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 33)
- સર્જક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020