
ગરીબ ડોશી હતી. એને એક દીકરો હતો. મકનો એનું નામ.
આગળ તો બહુ પૈસાદાર હતાં પણ મકનાનો બાપ મરી ગયો ને કોઈ કમાનાર ન રહ્યું. ડોશી દળણાં દળી માદીકરાનું પેટ ભરે ને મકનાને ભણાવે.
બેપાંચ વરસ ગયાં. મકનો મોટો થયો. ડોશી કહે : “બેટા! ક્યાંઈક કમાવા તો જા? હવે તો મોટો થયો. હવે દળણાં દળીને દળીને તો મારા હાથ થાક્યા.”
મકનો કહે : “પણ ગાડીભાડાના પૈસા ક્યાં છે તો જાઉં? એમ હોય તો થોડાક રૂપિયા આપ અને ભાતું કરી દે.”
ડોશી કહે : “રૂપિયા તો ઘરમાં ક્યાં છે? આ એક ગાય છે; બજારે જા, ને વેચી નાખ. જેટલા રૂપિયા આવે તેટલા ગાંઠે બાંધીને જા.”
છોકરો ગાય લઈ બજારે વેચવા ચાલ્યો.
કોઈ કહે : “એલા છોકરા! આવી ગાયને તે કોણ લેવાનું હતું? જો ને એનાં વાંકાંચૂંકા શીંગડાં ને જાડું એવું પૂછડું!”
એક કહે : “બાપુ! આ ઘરડી ઘોડીના બે દોકડા આપું. આ ગાયને રાખીને શું કરીએ? સાવ ઘરડીખખ તો છે!”
બીજો કહે : “જોઈતા હોય તો બે રૂપિયા છે. બાકી ગાયમાં તો કાંઈ માલ નથી. આ તો હું તારા બાપનો ઓળખીતો છું તે રાખી લઉં.”
છોકરાને તો કાંઈ ગમ્યું નહિ. તે કહે : “એમ બે દોકડામાં ને બે રૂપિયામાં તે ગાય નાખી દેવાય?”
છોકરો ગાયને લઈ પાછો વળ્યો.
રસ્તે એક રાતાં બિયાં વેચવાવાળો મળ્યો :
“લેવાં છે કોઈને રાતાં બિયાં?
લેવાં છે કોઈને રાતાં બિયાં?”
છોકરો કહે : “એલા બતાવ તો ખરો?”
“બાપુ! એ તારું કામ નહિ. એ બિયાં તો સોનવેલનાં છે. એ કાંઈ તું ન લઈ શકે.”
“હવે બતાવ તો ખરો!”
બિયાંવાળાએ બિયાં બતાવ્યાં.
શો સુંદર એનો ઘાટ! સો સુંદર એનો રંગ! ગોળ મજાનાં લાલ લાલ!
છોકરો કહે : “આ લે, આ ગાય તને આપું. તારે જેટલાં દેવાં હોય તેટલાં બી દે.”
બીવાળાએ ચારપાંચ બી આપ્યાં. છોકરો ગાય આપીને ઘેર આવ્યો.
મા કહે : “કાં, ગાયનું શું ઊપડ્યું?”
છોકરો કહે : “આ જો તો, બિયાં કેવાં સરસ છે! ગાય આપીને આ લાવ્યો છું.”
મા દાઝે બળી : “મૂઆ! આ બિયાંના તે શું રોટલા થશે? રોયા! ઘરમાં માટલીમાં તો લોટ નથી ને બિયાંને મારે શું બાળવાં છે? એક પાશેર દૂધ દેનારી ગાયનેયે આપી આવ્યો.”
માએ ચિડાઈને બિયાંને બારીએથી હેઠે નાખી દીધાં.
માદીકરો ભૂખ્યાં તરસ્યાં સૂઈ ગયાં.
સવાર પડી ને સૂરજ ઊગ્યો. છાપરામાંથી ચાંદરડાં દેખાયાં પણ બારીએ જુએ તો અંધારું. “આ બારી તો ઉઘાડી છે ને હજી એમાંથી અજવાળું કેમ આવતું નથી? અરે, શું કોઈ આડું આવીને ઊભું છે?”
છોકરો કહે : “બા, બા! એ તો ગઈ રાતમાં એક ઝાડ ઊગ્યું લાગે છે. અહા, ઝાડ કાંઈ જાડું છે! બારીને તો સાવ ઢાંકી દીધી છે. અને જો તો ખરી, ઝાડ તો ઠેઠ આકાશે ચડ્યું છે. અધધધધ! આકાશે અડ્યું છે!”
બા કહે : “એલા હા, હો મકના! પેલાં બી લાવ્યો હતો તેનું તો નહિ હોય!”
“એનું જ હશે; એનું જ.’
મકનો કહે : “બા! હું આકાશમાં જાઉં? કહે છે કે ત્યાં સોનાની રેતીવાળી નદીઓ છે ને રૂપાના કાંઠા છે. એમાં પાણીને બદલે દૂધ વહે છે.”
મા કહે : “ત્યારે જા તું તારે. સોનાની રેતી હોય તો લઈ આવ. એવું મળે તો તો ભવનું દુઃખ ટળે ના!”
મકનો તો ચટપટ કરતો ઝાડ ઉપર ચડ્યો. મા તો જોઈ રહી. ઘડીકમાં તો ક્યાંયનો ક્યાંય ચડી ગયો. ઊંચે ઊંચે વાદળ તરફ ચડ્યે જ જાય. ખૂબ ખૂબ ઊંચે ચડ્યો. એક નાનકડા પતંગ જેવડો થયો, ને પછી તો સાવ એક કાળા ટપકા જેવડો થયો, ને પછી તો વાદળમાં ચડી ગયો
ઠેઠ ઝાડને છેલ્લે પાંદડે અડ્યો ને આકાશમાં પગ મૂક્યો.
મકનો તો જોતાંવેંત જ ખુશખુશ થઈ ગયો; રૂપાના મજાના રસ્તા; સોને જ બાંધેલા. ચારે કોર લીલા લીલા બાગ અને બગીચા; બગીચે બગીચે ફુવારા ને હોજો; ન હોજે રંગીન માછલીઓ. મકનો તો ખુશ ખુશ થઈ ગયો.
કોઈ દિવસ જોયેલું નહિ એવું જોતો જોતો મકનો આગળ ચાલ્યો.
સામે એક કિલ્લો આવ્યો. મોટો જબ્બર કિલ્લો. મોટા જબરા એના દરવાજા અને બારણાં; પડખે મોટા એના બુરજો.
મકનો કહે : “ચાલ, જોઉં તો ખરો કે કિલ્લામાં કોણ રહે છે?”
હળવેથી બારણું ઉઘાડી અંદર જાય ત્યાં તો કોઈ ન મળ્યું. એક માખીયે બણબણે નહિ. બધું ચૂપચાપ; પક્ષીયે બોલે નહિ.
મકનો કહે : “આ તો કોઈ રાક્ષસનું રહેઠાણ લાગે છે.”
મકનો તો આગળ ને આગળ ચાલ્યો. મોટા બાગ વચ્ચે એક મહેલ હતો; મહેલને સાત માળ હતા.
મકનો પહેલે માળે ગયો તો કોઈ નહિ; બીજે માળે ગયો તો કોઈ નહિ; ઠેઠ સાતમે માળે ગયો ત્યાં તો એક છોકરી બેઠેલી.
મકનાને જોઈને છોકરી કહે : “એલા કોણ છો? અહીં ક્યાંથી? આ તો આકાશ છે. આ તો રાક્ષસનો દેશ છે.”
મકનો કહે : “હું તો માણસ છું. પૃથ્વી ઉપરથી આવ્યો છું.”
છોકરી કહે : “કયે રસ્તેથી આવ્યો? અહીં આકાશમાં કોઈથી નથી અવાતું.”
મકનો કહે : “પેલા ઝાડે ચડીને આવ્યો. મારા ઘર પાસે ઊગ્યું છે.”
એટલામાં રાક્ષસ આવતો સંભળાયો. ધમધમ આકાશ ગાજવા લાગ્યું. કિલ્લો પણ જાણે હચમચવા લાગ્યો.
છોકરી કહે : “એલા ભાગજે, નહિ તો મર્યો સમજજે!”
મકનો કહે : “હવે ક્યાં જાઉં? ભાગું તો તો રાક્ષસ સામે મળે ને મને મારી નાખે!”
છોકરી કહે : “ત્યારે સંતાઈ જા, મારા આ કબાટમાં.”
મકનો તો ઝટપટ કબાટમાં સંતાઈ ગયો. ત્યાં તો રાક્ષસ આવ્યો.
“માણસ ગંધાય, માણસ ખાઉં; માણસ ગંધાય, માણસ ખાઉં! ક્યાં છે માણસ? અહીં કોઈ ગંધાય છે!” રાક્ષસની આંખો તો લાલચોળ થઈ ગઈ.
છોકરી કહે : “બાપુ! અહીં માણસ કેવો? એ તો અમસ્તી, કાગડે આણેલા માંસનાં કટકાની વાસ આવતી હશે.”
રાક્ષસે તો ખૂબ ખૂબ ખાધું. કેટલીયે દાળ ને કેટલુંયે શાક. ને આટલા બધા લાડવા ખાધા. પછી રાક્ષસ કહે : “એલી! લાવ પેલી રૂપિયાની કોથળી.”
છોકરી તો એક મોટો જબરો રૂપિયાનો કોથળો ઉપાડી લાવી.
રાક્ષસ રૂપિયા ગણવા બેઠો. ગણતાં ગણતાં ઝોકાં આવવા લાગ્યાં. ખૂબ ખૂબ ખાધું હતું તે આવે જ ને?
મકનો કબાટની તડમાંથી બધું જોતો હતો.
મકનો કહે : “આ રાક્ષસ હવે ઊંઘવા લાગ્યો છે, હવે ભાગી જવાનો ઠીક લાગ છે.”
હળુ હળુ કબાટ ઉઘાડીને બહાર આવ્યો ને હળવેથી રૂપિયાનો કોથળો ખભે ઉપાડ્યો ને ભાગ્યો. ઝાડ પાસે જઈ તેના પરથી એકદમ નીચે ઊતરી ગયો.
મોટો કોથળો ભરીને રૂપિયા આવ્યા તે એની મા તો ખુશખુશ થઈ ગઈ!
એણે તો રૂપિયા પટારામાં મૂકી દીધા; ને બેચાર રૂપિયા લઈ બજારે જઈને ઝટપટ ઘી-ગોળ લઈ આવી ને લાપશી કરી.
મા ને દીકરો ઘડીકમાં પૈસાદાર થઈ ગયાં.
થોડાએક દિવસો ગયા એટલે મકનો કહે : “ચાલ ને એક વાર ફરીથી આકાશમાં જઈ આવું? રૂપિયા તો ખૂટવા આવ્યા.”
મકનો તો પાછો ઝાડ ઉપર ચડીને ઠેઠ આકાશમાં ગયો. પાછો રાક્ષસના કિલ્લામાં ગયો ને પેલી છોકરી સાથે વાત કરવા લાગ્યો.
છોકરી કહે : “વળી પાછો કેમ આવ્યો?”
મકનો કહે : “પૈસા ખૂટ્યા છે. હવે તો સોનું, રૂપું ને હીરા લઈ જવા આવ્યો છું.”
વાત ચાલે છે ત્યાં તો રાક્ષસનો પગ સંભળાયો.
“માણસ ગંધાય, માણસ ખાઉં
માણસ ગંધાય, માણસ ખાઉં!”
મકનો તો પાછો કબાટમાં સંતાઈ ગયો.
રાક્ષસ આવ્યો ને ખૂબ ખાધું. લાડવાનો તો મોટો ઢગલો.
પછી કહે : “લાવ પેલી કૂકડી.”
છોકરી એક કૂકડી લાવી.
રાક્ષસ કહે :
“કૂકડી કૂકડી! ઈંડું મૂક;
કૂકડી કૂકડી! ઈંડું મૂક.”
ત્યાં તો કૂકડીએ બે સોનાનાં ઈંડાં મૂક્યાં. મકનો કબાટની તડમાંથી જોઈને મનમાં કહે : “આ રાક્ષસ જો જરાક ઊંઘી જાય તો કૂકડી જ લઈ જાઉં.”
ત્યાં તો રાક્ષસ ઝોકે ગયો ને મકનો કૂકડી લઈને ભાગ્યો.
સડેડાટ કરતો ઝાડ ઉપર થઈને મકનો નીચે ઊતરી ગયો.
મા કહે : “રોયા! આમાં તો શું લાવ્યો? આ તો કૂકડી છે!”
છોકરો કહે :
“કૂકડી કૂકડી! ઈંડું મૂક;
કૂકડી કૂકડી! ઈંડું મૂક.”
ત્યાં તો કૂકડીએ બે સોનાનાં ઈંડાં મૂક્યાં. મા તો રાજીરાજી થઈ ગઈ!
કૂકડી તો જેટલાં જોઈએ તેટલાં ઈંડાં મૂકે, પછી મકનાને શાની ખોટ?
એ તો એક રાજા કરતાંયે મોટો પૈસાદાર થઈ ગયો. મોટા મોટા મહેલ બાંધ્યા ને ખાવા, પીવા ને મોજ કરવા લાગ્યો.
પછી તો મકનાને પૈસાની તમા ન રહી. મકનો રાક્ષસનેય ભૂલી જવા આવ્યો.
ત્યાં તો એક દિવસ મકનો કહે : લાવ જાઉં, ને જોઉં તો ખરો કે રાક્ષસ શું કરે છે? હવે કાંઈ ધનની ખોટ તો નથી રહી; પણ ઘણા દિવસથી આકાશમાં નથી ગયો તો જરા જઈ આવું.”
મકનો તો ઝાડ પર ચડીને આકાશમાં ગયો. રાક્ષસ તો રોજ રાહ જોઈને બેસે કે “કોઈક મારી કોથળી ને કૂકડી લઈને ગયું છે, તે આવે તો મારી જ નાખું!”
મકનો તો કિલ્લામાં ગયો. રાક્ષસ સંતાઈ રહેલો. મકનો જ્યાં પેલી છોકરી સાથે વાત કરવા જાય ત્યાં તો હુહુ કરતો રાક્ષસ પાછળ આવ્યો. પણ જાડું મોટું શરીર, હાથીની સૂંઢ જેવા હાથપગ, ને ગોળી જેવડી ફાંદ લઈને તે કેટલુંક દોડાય?
મકનો તો જીવ લેતોક ને ભાગ્યો, ને ઝટ દેતોક ને ઝાડ ઉપર પહોંચીને નીચે ઊતરવા લાગ્યો. રાક્ષસ પણ પાછળ પાછળ આવ્યો. રાક્ષસ ઝાડ પાસે આવ્યો ત્યાં તો મકનો અડધે પહોંચ્યો, ને રાક્ષસ ઝાડ ઉપર પગ મૂકી બે હાથ નીચે ઊતર્યો ત્યાં તો મકનો ઠેઠ થડે પહોંચ્યો. રાક્ષસ તો સાવ ધીમે ધીમે ઝાડ ઉપરથી નીચે ઊતરવા લાગ્યો.
મકનાની મા કહે : “એલા મકના આ રાક્ષસ હમણાં હેઠો આવ્યો હો! તને ને મને બેઉને જીવતાં નહિ રહેવા દે. કાંઈક ઉપાય કર, નહિ તો મોત આવ્યું!”
મકનો મોટી એની કુહાડી લઈ આવ્યો; ધડ ધડ ઝાડને કાપવા માંડ્યો. ઝાડ આખું હલવા લાંગ્યું. ઉપર રહેલા રાક્ષસભાઈ પણ હલવા લાગ્યા. રાક્ષસને બીક લાગે કે હેઠ પડ્યા તો સોયે વરસ પૂરાં થશે.
એ તો પાછો ઝટઝટ ઉપર ચડવા માંડ્યો. ભારે શરીર તે ઉતાવળ પણ કેટલીક થાય? ત્યાં તો કટાક કરતો કડાકો થયો ને ઝાડ કુડુડુભૂસ કરતું હેઠે પડ્યું.
એટલે રાક્ષસભાઈ પણ હેઠે, ને મોટી ફાંદ ફસક દઈને ફસકાઈ પડી! રાક્ષસભાઈના રામ બોલો ભાઈ રામ!
પછી મકને ખાધું, પીધું ને મોજ કરી.



સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 48)
- સર્જક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020