Mandi Chichi Jalsa Kare - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માંદી ચીંચીં જલસા કરે

Mandi Chichi Jalsa Kare

શ્રદ્ધા ત્રિવેદી શ્રદ્ધા ત્રિવેદી
માંદી ચીંચીં જલસા કરે
શ્રદ્ધા ત્રિવેદી

    નાની ચીંચીં છાશવારે માંદી પડી જાય. આજે સાજી તો કાલે માંદી. સવારે સાજી તો સાંજે માંદી. સંગી ચકીને એની બહુ ચિંતા રહે. કોઈએ કહ્યું કે દૂર દૂરના મંદિરે વાનર વૈદરાજ આવ્યા છે. તે એવી દવા આપે કે મોટામાં મોટો રોગ હોય તોય ભાગી જાય. સંગી ચકી તો પહોંચી ત્યાં.

    માળામાં નાની ચીંચીં એકલી જ હતી. આજે તેને થોડો તાવ આવેલો. ને વળી છીંકોય ખાય. માળામાં એકલી તે તેને જરાય ના ગમ્યું. ધીમે ધીમે તે માળાની ધારે આવી. તેને તો ખૂબ ઊડવું હતું. દૂર દૂર જવું હતું. ઝાડની ડાળીની ધારે આવી. તેને તો ખૂબ ઊડવું હતું. દૂર દૂર જવું હતું. ઝાડની ડાળીએ ઝૂલવું હતું. બગીચામાં ઘૂમવું હતું. પણ... તે થોડી થોડી માંદી જ રહે. એટલે મા ના પાડે. ને તેને માળામાં પુરાઈ રહેવું પડે! તેણે ધીમેથી બહાર જોયું. તો બે-ચાર ખિસકોલીઓ! આમ દોડે ને તેમ દોડે! સ...ર...ર...ર... ઉપર ચઢે ને સ...ર...ર...ર... નીચે ઊતરે! ને નીચે પેલી નાની ટચૂકડી કીડીઓની હાર! મોંમાં કંઈક લઈને દરમાં જાય ને પાછી ફરે! ને થોડે દૂર પેલું રંગબેરંગી પાંખવાળું પતંગિયું! એક છોડે બેસે, ફરરર ઊડે ને બીજે બેસે! આ બધું જોઈ ચીંચીં દુઃખી દુઃખી થાય! પણ બહાર જાય ને પોતે વધારે માંદી પડે તો! મા લઢે...!

    બસ! તે તો માળામાં બેઠે બેઠે ચારે બાજુએ જુએ! તે ઘડીમાં ખિસકોલી સામું જુએ. તેને થાય : ‘જો હું સાજી હોઉં ને તો પેલી ખિલીબાઈ જોડે પકડદાવ રમું ને તેને હરાવી દઉં! ને... પેલાં પતંગિયાં જોડે સંતાકૂકડી રમું ને તેનો વહેલો વહેલો થપ્પો કરી દઉં. ને આ બિચારી નાની નાની કીડીઓ! કેટલું બધું કામ કરે છે! હું એમને દાણો લાવવામાં ખૂબ મદદ કરું!’ આમ તે બધાં સામું જુએ ને વિચારે : જો હું સાજી હોઉં તો કેવું સારું? સહુને મદદ કરું ને મજાય કરું. માનેય મદદ કરું.

    ત્યાં તો સામી ડાળે ઊબેલી ખિસકોલી કહે : ‘અરે ચીંચીં! અહીં આવ! ખુલ્લામાં આવ! થોડીક હિંમત રાખ. તને કશું નહીં થાય.’

    પહેલાં તો ચીંચીંને થયું; ‘ના, ના!’ પણ ખિસકોલીએ ફરી કહ્યું : ‘ડર નહીં! જો, હું તારી જોડે જ છું. આવ! તું માંદી છે એ વાત ભૂલી જા. અરે ચીંચીં! તારામાં તો ખૂબ તાકાત છે! તું તો બહુ બહાદુર છે!’ આવું સાંભળી ચીંચીંમાં હિંમત આવી. ને ધીમે રહી પાંખ ફાફડાવી ઊડીને ઘડીકમાં તો તે સામી ડાળીએ પહોંચી ગઈ. તેને ખૂબ સારું લાગ્યું. ખિસકોલી કહે : ‘શાબાશ! ચીંચીં, શાબાશ! ચીંચીં, તું ધારે ને તો હજીયે ઊંચે ઊડી શકે હોં! ડરવાનું નહીં.’ ત્યાં તો નીચેથી કીડીએ તેને બોલાવી : ‘ચીંચીં! અહીં આવ! જો, અહીં કેવો સરસ છાંયો છે! ને વળી કેવું મજાનું કુમળું કુમળું ઘાસ છે; ને જો, ખાવા માટે દાણાય છે! આવ! અહીં આવ.’ ચીંચીંને પહેલાં તો થયું : ‘ના, ના. નીચે નથી જવું! મા લઢશે.’ પણ કીડીએ ફરી બોલાવી. એટલે ચીંચીં ફ...ર...ર...ર... કરતીકને ગઈ નીચે. તેને ખૂબ મજા પડી! આસપાસ પડેલ દાણા ખાધા. કીડી કહે : ‘ચીંચીં! તું સાવ સાજી છે; માંદી છે જ નહીં ને!’ ચીંચીં તો તેની સામે આંખ ફાડીને જોઈ રહી. પછી આમતેમ ફરી-કૂદી –ઊડીને મજા કરી. ત્યાં તો ખિસકોલીએ તેને બોલાવી ને કહ્યું : ‘ચીંચીં! જા હવે પાછી માળામાં. સાંજે ફરી આવજે. હું તારા માટે સરસ ખાવાનું લાવીશ, હોં! હું જઉં છું દૂર દૂર!’ ને તે તો દોડતી-કૂદતી ભાગી! કીડી કહે : ‘ચીંચીં! હવે માળામાં જા. પણ હું માંદી છું એમ ના માનીશ.’ ચીંચીંને થયું : ‘વાત તો સાચી છે! હું સાજી જ છું. મારામાં તો ખૂબ તાકાત છે. સાંજે તો હું ખૂબ ફરીશ ને રમીશ.’ પછી તે ઊડીને માળામાં ગઈ ને ઘસઘસાટ ઊંઘી ગઈ.

    ખાસ્સી વારે તેની મા આવી. જુએ તો ચીંચીં ઘસઘસાટ ઊંઘે! સંગી ચકીને નિરાંતે થઈ! તે દવા તો લાવી હતી. તે તેણે મૂકી બાજુએ ને સરસ મજાની ખીચડી બનાવી. થોડી વારે ચીંચીં જાગી. તેને ખૂબ ભૂખ લાગી હતી. તે તો હસતી હસતી ઊઠી ને ખીચડી ખાવા લાગી. સંગી ચકીને થાય : ‘આ શું? ક્યાં ગયો  તેનો તાવ? આ તો સાવ સાજીનરવી છે.’

    ત્યાં તો સાંજ પડી. ખિસકોલી આવી. ને આવતાં વારમાં જ ચીંચીંને બૂમ પાડી. ચીંચીં ફટાફટ ઊડીને નીચે ગઈ. ખિસોકોલી સરસ ખાવાનું લાવેલી તે ખાવા લાગી. ને ખિસકોલી સાથે રમવા લાગી. સંગી ચકી તો જોતી જ રહી. ત્યાં તો પતંગિયું આવ્યું. સંગી ચકીને કહે : ‘સંગીમા! ચીંચીં તો અમારી સાથે રમશેને એટલે સાજી થઈ જશે. તમે ચિંતા ના કરો. ચીંચીંને દવાની જરૂર નથી. માંદી પડે તો પડે પણ એને રમવા દો. ઊડવા દો. જાતે વીણીને ખાવા દો. એની મેળે સાજી થશે.’ ને પતંગિયું તો ઊડી ગયું.

    હવે સંગી ચકીએ દવા નાખી દીધી. ચીંચીં રમે છે, માંદી પડે છે, પણ તોય રમે છે. ને મજા કરે છે. તે કહે છે : ‘તાવ તો આવે, છીંક તો આવે તોય રમવાનું! ઊડવાનું! માંદી છું, માંદી છું નહીં કરવાનું!’

    ને પછી તો એવું થયું કે ચીંચીં ક્યારેય માંદી જ ન પડી! બસ, તે તો ઊડે-રમે-ખાય-પીએ – બીજાને મદદ કરે ને જલસા કરે.

સ્રોત

  • પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022