રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો‘લાવ તારું સો’ણું’
ફર ફર પવન આવતો હોય, ઉનાળાના દહાડા હોય, આંબાનો છાંયો હોય, માથે કોયલ બોલતી હોય, ને બપોરનો વખત થયો હોય તો કોને ઝોકું ન આવે?
ભલભલનાં ડોકાં હાલવા લાગે તો મનુનું શું ગજું? એને બિચારાને પણ એમ જ ઝોકું આવી ગયું.
પહેલાં આવ્યાં બગાસાં, પછી આવ્યાં ઝોકાં ને તેની પાછળ ઊંઘ.
ઊંઘ બગાસું મોકલે, જા બગાસા તું,
તારાથી જો નહિ ઢળે તો ઢોળી પાડીશ હું!
ને મનુભાઈએ તો ખાસ્સા કોપરાં જોખવા માંડ્યાં.
એની બાએ એને તડકે સૂકવેલા ચોખા સાચવવા બેસાડ્યો હતો. હાથમાં વેણની સોટી લઈને એ બેઠો હતો.
એણે ઊંઘવા માંડ્યું, ત્યાં તો ત્રણ-ચાર ખિસકોલીઓએ આવીને ચોખાની ઉજાણી કરવા માંડી.
ખાતી જાય, કૂદતી જાય ને પૂંછડી હલાવતી જાય. ખિલ-ખિલ-ખિલ હસતી જાય.
એની બાએ દૂરથી જોયું તો મનુ આંબાને થડિયે અઢેલીને ઊંઘે છે, ને ખિસકોલીઓ ચોખાની ચટણી કરે છે.
મનુની બાનો સ્વભાવ ચીઢિંયો હતો. જરા જરામાં ગરમ થઈ જાય.
મનુની ગફલત જોઈ એને ખૂબ જ ગુસ્સો ચઢ્યો. એ દોડી આવીને મનુને ઢંઢોળવા લાગી.
આંખો ચોળતો મનુ જાગ્યો.
‘અરરર! મારું મઝાનું સો’ણું બગાડ્યું!’
‘અરે વાહ રે સો’ણાવાળા! અહીં બધા ચોખાની ચટણી થઈ ગઈ ને ભાઈને સ્વપ્નાં આવે છે! તને તે ચોખા સાચવવા બેસાડ્યો છે કે કોપરાં જોખવા? શું સો’ણું આવ્યું હતું?’
મનુને એની બાએ સવાલ કર્યો એટલે એણે કહેવા માંડ્યું :
‘સ્વપ્નું તો બહુ મોટું હતું; પણ મને એટલું યાદ છે કે રાજાજીના રત્નજડિત સિંહાસન ઉપર આપણા રામ બેઠા છે ને એક બાજુ સૂરજ ને બીજી બાજુ ચાંદો ઝગમગે છે. પગ આગળ શુક્રનો તારો ઝબૂકે છે, ને દરબાર આખો ભરાયો છે –’
‘વાહ ભાઈ, વાહ! તારું સો’ણું તો ભારે મઝાનું. મને ઘણું ગમી ગયું. લાવ તારું સો’ણું–’ મનુની બાએ બૂમ મારી.
‘સો’ણું તે કંઈ અપાતું હશે?’ મનુએ કહ્યું.
‘અપાય તોય આપ ને ન અપાય તોયે આપ. લાવ, નહિ તો મારું!’
અને મારવાની વાત આવી એટલે મનુ તો મૂઠીઓ વાળીને જાય નાઠો. આગળ મનુ ને પાછળ એની બા. બેઉ જણ જાયરે નાઠાં.
મનુ તો ક્યાંનો ક્યાં નીકળી ગયો ને એની બા પાછળ પડી ગઈ.
મનુ દોડતો હતો ત્યાં એને રાજાજી સામા મળ્યા. એ એકલા ફરવા નીકળ્યા હતા. દખ્ખણ દેશના એ મહારાજા હતા. અવારનવાર એ રીતે ફરવા નીકળવાનો એમને શોખ હતો.
મનુને હાંફળોફાંફળો જોઈ એમણે ઊભો રાક્યો ને પોતાની સાથે લઈ ગયા.
ધીરે રહીને એમણે એને વાત પૂછી.
મનુએ એક પછી એક બધી વાત કહી. એને સ્વપ્નું આવેલું તે કહ્યું અને એની બાને ગમી ગયેલું તે પણ કહ્યું.
રાજાજીને પણ એનું સ્વપ્ન ગમી ગયું.
‘લાવ તારું સો’ણું.’ એમણે કહ્યું.
‘એ તે કૈં અપાતું હશે?’
‘અપાય તોયે આપ ને ન અપાય તોયે આપ. લાવ નહિ તો મારીશ!’
ને મનુ તો નાઠો. મૂઠીઓ વાળીને દોટ જ મૂકી.
પણ નાસી નાસીને કેટલે નાસે? આ તો રાજાજી હતા. એમની પાસે સિપાઈ હતા, સવાર હતા, ઘોડા હતા, ઊંટ હતાં, ને બધુંયે હતું. હોકારો કરે કે સૌ હાજર. એ કૈ ઓછી એની બા હતી કે બિચારી થાકીને અટકી જાય.
રાજાજીએ ઘોડેસવારોને હુક્મ કર્યો. તે પડ્યા મનુની પાછળ અને એને પકડી લાવ્યા.
‘લાવ તારું સો’ણું–’ રાજાજીએ હઠ પકડી.
‘પણ સોણું શી રીતે અપાય?’
‘ન અપાય તો જેલમાં જા.’
‘ભલે.’
અને મનુ જેલમાં ગયો.
એ જેલ જોવા જેવી હતી.
આખો દહાડો જાતજાતનું ને ભાતભાતનું શીખવાનું, હરવા-ફરવાનું ને રાતે ભોંયરા જેવી કોટડીઓમાં પુરાવાનું. બહાર જવા-આવવાનું કૈ નહિ.
રાજાજીને એક દીકરી હતી. એનું નામ મેના.
એણે મનુનું સો’ણું સાંભળ્યું હતું અને એ પણ ખુશ થઈ ગઈ હતી.
મનુને જેલમાં મોકલ્યો તે જોઈને એને દુઃખ થયું. મનુની એને દયા આવી. એણે જેલરને મનુને પૂરતી છૂટ આપવા સૂચના કરી.
એ પોતે મનુને ખાવાનું પહોંચાડવા લાગી અને ખબરઅંતર પૂછવા લાગી.
દિવસે દિવસે મનુએ પોતાનું શરીર કેળવવા પાછળ ધ્યાન આપ્યું.
એમ ને એમ ચાર-પાંચ વરસ વહી ગયાં ને મનુ તો ખાસ્સો જુવાનજોધ પહેલવાન થઈ ગયો.
રંગ છે રે સોણ’લિયા!
રાજા રણમલનો દરબાર ભરાયો હતો. સભામાં સામંતો, શૂરવીરો, અમલદારો, ભાયાતો ને પ્રજાજનો હતા.
એવામાં ઓતરાખંડના રાજ ઉદયસિંહનો રાજબારોટ આવી લાગ્યો.
એણે મહારાજને ઝૂકીને નમન કર્યું અને બોલ્યો :
‘મહારાજાસાહેબ, ઓતરાખંડના રાજા ઉદયસિંહજીએ આપ નામદારને સરખેસરખી ચાર પંચકલ્યાણી ઘોડીઓ મોકલાવી છે. એમાં મા કઈ, મોટી વછેરી કઈ, વચેટ કઈ નો સૌથી નાની વછેરી કઈ એ પારખીને આઠ દિવસમાં કહેવરાવવાની વિનંતિ કરી છે. આપનો દરબાર એનો ખુલાસો ત્યાં સુધીમાં ન કરી શકે તો આપનાં રાજકુમારી મેનાવતીને અમારા રાજાજીના ખાંડા સાથે વરાવવાં એમ કહેવાની મને એમણે આજ્ઞા કરી છે.’
રાજાના બારોટને મોઢેથી આ વાત સાંભળી દરબાર આખોય વિચારમાં પડી ગયો.
બધાયે બારોટે આણેલી ચારે પંચકલ્યાણી ઘોડીઓ જોઈ.
ચારે ઘોડી રૂપ રંગ ને દેખાવમાં એક જ સરખી. ચારેની ટેવો પણ જુદી નહિ, અને ચારે એટલી સરસ હતી કે એનો જોટો મળવો મુશ્કેલ. સૌ ગૂંચવાડામાં પડી ગયા કે આની પરીક્ષા શી રીતે કરવી?
કોઈની હિંમત ચાલી નહિ.
એક પછી એક દિવસો જવા લાગ્યા ને રાજાજીની મૂંઝવણ વધવા માંડી.
મેનાએ વાત સાંભળી.
એણે મનુને કહી અને શું કરવું તે પૂછ્યું.
મનુએ વિચાર કરીને કહ્યું :
‘રાતના વખતે એ ચારે ઘોડીઓને જુદાજુદા તબેલામાં પૂરવી અને ખૂબ ચંદી ખવરાવવી. ચંદીમાં પૂરતા પ્રમાણમાં મીઠું નાખવું. રાતના જરાયે પાણી પાવું નહિ. સવારમાં ચારે ઘોડીને તબેલા સાથે ઉઘાડવા. એ બધામાં જે સૌથી પહેલી નીકળે ને આગળ ચાલે તે મા, તેને જોઈને જે તરત જ બહાર આવે તે સૌથી નાની વછેરી, પછીથી આવે તે વચેટ, ને છેલ્લી આવે તે મોટી વછેરી. એ વાતનો ખુલાસો છે.’
એ સાંભળીને મેના ખૂબ રાજી થઈ. એને ઓતરાખંડના રાજા સાથે પરણવું જ ન હતું.
એણે રાજાજીને વાત કરી.
રાજાજીને રાતના વખતે ચારે ઘોડીને જુદા જુદા તબેલામાં પુરાવી. ને સારી રીતે મીઠું નાખીને ચંદી ખવરાવી. રાત્રે પાણી આપવાની બંધી કરી.
સવારે ચારે તબેલા સાથે ઉઘડાવ્યા એટલે પીઢ સ્વભાવની ઘોડી પહેલી બહાર આવી. એને બહાર નીકળેલી જોઈ બીજી ઘોડી નાચતીકૂદતી બહાર આવી ને તે પછી ત્રીજી બહાર નીકળી, તે જરા ઠરેલ હતી ને છેવટે આવી તે વધારે ઠરેલ હતી. ચારેની રીતભાત ઉપરથી જ ઘટતો ખુલાસો થઈ જતો હતો.
રાજાજીએ દરબાર ભરીને બારોટને ઘટતો ખુલાસો કર્યો ને ઓતરાખંડના રાજાને જવાબ આપ્યો.
ઉદયસિંહને ઘટતો જવાબ મળવાથી એને આનંદ થયો કે રાજા રણમલના દરબારમાં પણ રત્નોનો અભાવ નથી. એણે રાજકુમારી મેનાવતીનાં રૂપગુણની પ્રશંસા સાંભળી હતી, અને એ ઉપરથી કુંવરીનું માગું કરવાનું એને મન થયું હતું; પણ સીધી રીતે માગું કરવાને બદલે એણે દરબારની પરીક્ષા લેવાને ઉપર જણાવ્યા પ્રમાણે યુક્તિ કરી હતી.
હવે એણે બીજો રસ્તો લીધો.
એક મહા ભારી બાણ એણે છોડાવ્યું, તે દખ્ખણ દેશના રાજા રણમલના દરબારમાં જઈને પડ્યું.
દરબારના ચોકમાં સરર કરતું બાણ આવ્યું ને ફરસબંધીમાં પેસી ગયું.
એને છેડે એક કાગળ બાંધેલો હતો. એમાં લખ્યું હતું કે આ બાણ અમારા દરબારમાં પાછું ફેંકાવજો અને એવો બાણાવળી તમારે ત્યાં ન હોય તો મેનાકુમારીને અમારા ખાંડા સાથે પરણાવવાની તૈયારી કરજો.
કાગળ વાંચીને દરબારના બધાયે શૂરવીરો, સરદારો, ગરાસિયા ને વાંટાદાર ભાયાતો ને સેનાનીઓ સૌ મથ્યા પણ કેમે કર્યું એ બાણ નીકળે જ નહિ.
પથ્થર ફાડીને એ એટલું ઊંડું ઊતરી ગયેલું કે કોઈથી એ નીકળી શક્યું નહિ.
રાજકુમારી મેનાને એ વાતની ખબર પડી.
બીજે દહાડે એણે મનુને વાત કરી.
મનુ કહે : ‘એમાં શું? મને જરા બહાર કાઢો ને. પછી હું ખેંચી કાઢીશ.’
અને બેઉ જણે નક્કી કર્યું કે રાતના વખતે મેનાકુમારીએ દોરડું લટકાવીને મનુને બહાર કાઢવો ને એણે એ બાણ ખેંચી કાઢવું ને પાછા પોતાના ભોંયરામાં પુરાવું.
એ રીતે મેનાવતીએ દોરડું લચકાવીને મનુને બહાર કાઢ્યો.
બેઉ જણ દરબાર ગઢના ચોકમાં ગયાં અને મનુએ બાણ ખેંચી કાઢ્યું.
સારાયે દરબારમાં ભારે રસાકસી જામી. કોણે કાઢ્યું ને કોણે નહિ તે શી રીતે ખબર પડે! કોણ ખરું ને કોણ નહિ તે શી રીતે સમજાય?
મેનાકુમારી ચોક પાછળ બેઠીબેઠી આ ગમ્મત જોતી હતી. એને ભારે મઝા પડી.
છેવટે રાજાએ સૂચના કરી.
‘જેણે એ બાણ ખેંચ્યું હોય તેણે એને ઓતરાખંડના રાજા ઉદયસિંહ દરબારમાં ફેંકવું. જે કોઈ એ રીતે ફેંકી શકશે તેની સાથે હું મેનાકુમારીને પરણાવીશ.’
સૌ કોઈ જોઈ રહ્યા. બધાયે ફડાકીદાસનાં મોઢાં સિયાવિયા થઈ ગયાં! કોની તાકાત હોય કે બાણ ઉપાડીને આ રીતે ફેંકી શકે!
મેનાએ રાજાજીને કહેવરાવ્યું કે : ‘એ કામ પેલા સો’ણાવાલા મનુનું છે માટે એને બોલાવો.’
‘વાહ રે સો’ણાલિયા!’ કહીને રાજાજીએ મનુને બોલાવવાનો હુક્મ કર્યો.
મનુ આવ્યો. એણે શસ્ત્રગારમાંથી એક મોટું જૂના વખતનું ઘનુષ મંગાવ્યું ને તેની પણછ ચઢાવી બાણ છોડ્યું. સણસણાટ કરતું બાણ જઈને પડ્યું ઉતરાખંડના રાજાના દરબારમાં.
સૌ આંખો ફાડીને જોઈ રહ્યા.
‘રંગ છે રે! સો’ણલિયા રંગ છે!’ બારોટે હોંકારો દીધો.
રાજા રણમલે તપાસ કરાવી તો બાણ બરાબર ઉદયસિંહના દરબાર ચોકમાં ઊંડું ઊતરી ગયું હતું.
એમણે ઘડિયાં લગ્ન લેવરાવ્યાં ને મેનાકુમારીને મનુ સાથે પરણાવી.
બેઉના આનંદનો પાર ન રહ્યો.
સો’ણલિયાના નામનો ડંકો વાગ્યો. સૌ કોઈ એનાં ગુણગાન ગાવા લાગ્યું.
ઓતરાખંડ જીતવા
મેનાકુમારીના લગનની વાત જાણી ઓતરાખંડના રાજાના પેટમાં દુઃખવા માંડ્યું. એની ઈર્ષા વધી પડી.
એણે દખ્ખણ દેશ પર ચઢાઈ કરવા લશ્કર તૈયાર કરવા માંડ્યું.
એ વાતની રાજા રણમલના દરબારમાં જાણ થઈ. મનુને પણ ખબર પડી.
અને એના મનમાં લાગ્યું કે એને પોતાને લીઘે આખા દેશને લડાઈમાં ઊતરવું પડે તે ખોટું. એ એકલો જ ઓતરાખંડના રાજાને જીતી આવે તો? તો તો એના જેવું રૂડું બીજું શું?
એણે મેનાકુમારીને વાત કરી.
એ પણ સાથે આવવા તૈયાર થઈ.
પણ મનુએ એને સમજાવી, ને પોતે એકલો ચાલ્યો ઓતરાખંડ જીતવા.
એ હતો લહેરી જવાન. આમતેમ જોતો જાય ને ચાલતો જાય.
જતાં જતાં એની નજર એક ખેડુ ઉપર પડી. એ ખેતર ખેડતો જાય ને પાછળ જે ઢેફાં પડે તે ઉપાડીને ખાતો જાય!
મનુએ તો જોયા જ કર્યું. એને ભારે નવાઈ લાગી.
પેલો ખેડૂત તો ઢેફાં ખાધે જ રાખે! જાણે બરફીનાં ચોસલાં ખાતો ન હોય!
‘વાહ! આ તો ભાઈ, અજબ જેવું!’ મનુ બોલી ઊઠ્યો.
એ સાંભળીને ખેડૂત બોલ્યો : ‘આમાં તે શું અચરજ પામો છો! ખરું કર્યું તો પેલા સો’ણલિયાએ! અચરજ તો એણે કર્યું કે સરરર કરતુંકને બાણ ફેંક્યું એણે ઓતરાખંડના રાજાના દરબારમાં!’
‘તમે સો’ણલિયાને જોયો છે!’ મનુએ સવાલ કર્યો.
‘જોયેલો નથી પણ એનો સારાયે દેશમાં ડંકો વાગ્યો છે.’
‘મારું નામ જ સો’ણલિયો’ મનુએ કહ્યું.
‘એમ કે! સારું થયું કે તમારું ઓળખાણ થયું. ક્યાં જાવ છો?’ ખેડૂતે પૂછ્યું.
‘ઓતરાખંડ જીતવા.’
‘ચાલો ને, હુંયે સાથે આવું, એકથી ભલા બે.’ ખેડૂત બોલ્યો.
‘ના રે! હું એકલો જ બસ છું.’
‘બે જણ હઈશું તો આનંદ આવશે.’
‘ભલે ભાઈ.’
હળને જુંસરે ભેળવી બળદને ગામ તરફ હાંકી મૂક્યા ને ખેડૂત મનુ સાથે ચલ્યો.
બેઉ જણ આગળ ચાલ્યા.
જતાં જતાં દરિયાકાંઠે આવી પહોંચ્યા.
એક જણ કિનારે બેઠો બેઠો ચસચસાવીને દરિયાનાં ખારા પાણી પીતો હતો!
એ જોઈને એને નવાઈ લાગી કે આ તે ખારું પાણી શી રીતે પીતો હશે!
જૂના કાળમાં એક મોટા ઋષિ આચમન કરીને સમુદ્રનું બધું પાણી પી ગયા હતા તે એણે વાંચ્યું હતું, પણ આ તો નજરે જોયું!
એ બોલી ઊઠ્યો : ‘વાહ! આનામાં તો અજબ કરામત છે!’
પેલો કહે : ‘આમાં તે શું છે મારા ભાઈ! રંગ રાખ્યો પેલા સો’ણલિયાએ! દખ્ખણ દેશનો ચાંદો ચૂંટી ગયો એ તો!’
‘સો’ણલિયાને તેં જોયો છે?’ ખેડૂતે એને પૂછ્યું.
‘જોયેલો નથી પણ એની કીર્તિ મારા કાને અથડાઈ છે.’
‘એ જ ગમ્મત છે ને! આ જવાનડાનું જ નામ સો’ણલિયો!’ ખેડૂતે ઓળખાણ કરાવી.
‘ઓહો! સારું થયું ભાઈ, તમે મળ્યા તે.’ એ બોલ્યો અને ખબરઅંતર પૂછી.
મનુની વાત સાંભળી એણે પણ સાથે આવવા આગ્રહ કર્યો.
‘બેથી ભલા ત્રણ’ કરીને એને પણ સાથે લીધો.
ત્રણે જણ આગળ ચાલ્યા.
ત્યાં તો એક જણ ઘંટીના પડિયાં પૈડાંની માફક પગે બાંધીને એવો દોડે, એવો દોડે. કે ન પૂછો વાત! એણે જોતજોતામાં આગળ દોડતા હરણને પકડી પાડ્યું. ઘંટીનાં પડિયાં પણ એવાં ફેરવે કે જાણે પાટા ઉપર પૈડાં ચાલ્યાં!
‘ઓહો આણે તો ભાઈ! ભારે કરી ને!
‘એમાં તે શું ભારે કરી, ભારે કરી, કહો છો! ભારે કરી તે પેલા સો’ણલિયાએ!’ એણે જવાબ આપ્યો.
‘સો’ણલિયાને તમે જોયો છે?’
‘જોયો નથી પણ નામ તો સાંભળ્યું છે ને!’ પેલાએ જવાબ દીધો.
‘એ જ ગમ્મત છે ને! આ ભાઈનું નામ સો’ણલિયો.’
‘તમને જોઈને મને બહુ આનંદ થયો.’
અને પછી ખબરઅંતર પુછાઈ. એણે પણ પોતાને સાથે લેવા આગ્રહ કર્યો.
‘ત્રણથી ભલા ચાર’ કરીને એને પણ સાથે લીધો. ચારે જણ આગળ ચાલ્યા.
આગળ જતાં ચારે જણે એક કૌતુક જોયું.
એક જણ જમીન પર કાન દઈને સૂતો હતો. અને એના મોઢા પર ભારે અજાયબી હતી.
‘શું કરો છો ભાઈ?’ મનુએ એને પૂછ્યું.
એણે જવાબ દીધો :
‘પાતાળમાં કીડીઓનાં બે મોટાં ટોળાં વચ્ચે ખૂનખાર લઢાઈ ફાટી નીકળી છે તે હું સાંભળું છું, અને એમને સુલેહ કરવા સમજાવું છું.’
‘એ તો ભારે કપરું કામ!’
‘એમાં તો કાંઈ નથી. કપરું કામ તો કર્યું પેલા સો’ણલિયાએ.’ એણે જવાબ દીધો.
‘સો’ણલિયાને તમે જોયો છે?’ ખેડૂતે એને પૂછ્યું.
‘ના ભાઈ, જોયો તો નથી પણ એના નામના તો ડંકા વાગે છે.’
‘આ ભાઈનું નામ સો’ણલિયો.’
અને પછી ખબરઅંતર પુછાઈ અને એણે પણ પોતાને સાથે લેવા આગ્રહ કર્યો.
‘ચારથી ભલા પાંચ’ કરીને એને પણ સાથે લીધો. આગળ જતાં એક જણને આકાશ સામે તાકીને જોયા કરતાં દીઠો. એ આંખનું મટકું પણ મારતો ન હતો, તે જોઈને સૌને નવાઈ લાગી.
‘શું કરો છો ભાઈ?’ મનુએ પૂછ્યું.
‘ત્રણ દિવસ ઉપર મેં એક બાણ છોડ્યું હતું તે હમણાં સોરું (સુધીમાં) પાછું આવવાનું છે તેની રાહ જોઉં છું.’
‘આ તો અક્કલ કામ ન કરે એની વાત છે!’
એવામાં પેલું બાણ આવીને બાજુમાં પડ્યું.
‘ઓહો! આમાં તે શું હેરત પામી જાવ છો! હેરત પામી જવાય એવું તો પેલે સો’ણલિયે કર્યું છે!
અને એને સો’ણલિયાનું ઓળખાણ કરાવ્યું. એણે પણ પોતાને સાથે લેવાનો આગ્રહ કર્યો.
‘પાંચથી ભલા છ’ કરીને એને પણ સાથે લીધો.
આગળ જતાં એક જણ બેઠો બેઠો અજબ જેવી રીતે પક્ષીઓની પાંખો બદલતો હતો. કબૂતરને એણે પતંગિયાની પાંખો આપને ઉરાડ્યું હતું,
ને બીજા પંખીની પાંખો પણ ભારે સિફતથી બદલતો હતો. એ જોઈ બધાને નવાઈ લાગી.
‘આણે તો ભાઈ કમાલ કરી!’
‘કમાલ કરી તે પેલો સો’ણલિયે. મેં તો એની સરખામણીમાં કશુંયે કર્યું નથી.’
સૌએ એને સો’ણલિયાનું ઓળખાણ કરાવ્યું, અને એણે પોતાને સાથે લેવાનો આગ્રહ કર્યો.
‘છથી ભલા સાત’ કરીને એને પણ સાથે લીધો.
સાતે જણ ચાલ્યા ઓતરાખંડ જીતવા.
જતાં જતાં એક જણને ખભા પર શંકરનું જબરદસ્ત દહેરું ઊંચકીને જતાં જોયો.
એના શરીરના પ્રમાણમાં દહેરું તો ક્યાનું ક્યાંયે મોટું હતું!
‘ઓહોહો! આણે તો ભાઈ ગજબ કર્યો!’
‘એમાં તે મેં શાનો ગજબ કર્યો! ભોળા શંભુનો હું ભક્ત છું, અને જ્યાં જઈએ ત્યાં શંકરનું દહેરું હોય પણ ખરું, ને ના પણ હોય; એટલે આપણે તો આપણું દહેરું સાથે જ રાખીએ છીએ. એ ખભા પર ભલેને પડ્યું રહે. પૂજા કરવી હોય ત્યારે ઉતારીને નીચે મૂકીએ. ગજબ કર્યો તો પેલા સો’ણલિયાએ.’
અને એને પણ સો’ણલિયાનું ઓળખાણ કરાવ્યું.
એણે પણ સાથે આવવાનો આગ્રહ કર્યો. સાતથી ભલા આઠ કરીને એનેય સાથે લીધો.
આઠે જણા ચાલ્યા ઓતરાખંડ જીતવા. સાતેમાં જુદીજુદી એક કળા હતી, ને એ સાતેનો સદુપયોગ કરવાની બુદ્ધિ સો’ણલિયામાં હતી.
ચાંદો, સૂરજ ને શુક્રનો તારો
આઠે જણ પહોંચ્યા ઓતરાખંડના દરબારમાં.
મહારાજ પાસે સો’ણલિયે રાજકુમારીનું માગું કર્યું. આપે તો ઠીક. નહિ તો કરે લડાઈ.
ટાઢે પાણીએ ખસ જાય ને સાપ પરે છતાં લાઠી ન ભાગે એની ઓતરાખંડના રાજાએ યુક્તિ કરી ને જવાબ આપ્યો :
‘કુંવરી આપવામાં અમને કાંઈ જ હરકત નથી; પણ તે પહેલાં તો અમારે તમારાં બળ, કળ, ને જળની પરીક્ષા કરવી જોઈએ. એમાં તમે પસાર થાવ તો અમારી ક્યાં ના છે!’
‘ભલે કરવા માંડો પરીક્ષા. શી પરીક્ષા કરવી છે?’
રાજાજીએ વિચાર કરીને કહ્યું : ‘અમારા રસોઇયા ત્રણ રાત ને ત્રણ દિવસ પકવાન પાડે તે તમારે એક જ દહાડામાં ખાઈને ખુટાડવું.’
‘ઓહો! એમાં શું?’ મનુએ કહ્યું : ‘એ તો અમારામાંનો એક જ જણ કરી શકશે.’
‘એ તો મારું કામ-રોડાં કરતાં પકવાન ભલું એ કામ તો મને જ સોંપો.’ પેલો ખેડૂત બોલ્યો.
ને ત્રણ દહાડા ને ત્રણ રાત મહારાજાના કંદોઈઓએ બત્રીસ ભાતનાં રૂડાંરૂપાલાં પકવાન બનાવ્યાં તે બધાંયે પેલા એકલાએ જ એકી વખતે સફાચટ કરી નાખ્યાં. સોગન ખાવા જેટલીય એંઠ બાકી ન રાખી!
એ જઈને રાજાજી તો દિંગ થઈ ગયા; પણ એમ એ ક્યાં સમજી જાય એવા હતા? એમણે કહ્યું : ‘આ એક પરીક્ષા પૂરી થઈ. હવે પેલું મોટું કડાયું ભરીને દૂધ એકીસાથે પી જવું.’
‘એટલું જ ને! એ મારું કામ, ખારા પાણી કરતાં મીઠું દૂધ શું ખોટું?’ એમ કહીને એ તો એકે ઘૂંટડે આખું કડાયું ગટગટાવી ગયો. ટીપુંયે નીચે ન પડ્યું!
એ જોઈને રાજાએ ઉમેર્યું : ‘હવે અહીંથી ત્રણ દહાડાની મજલ પર એક વાવ છે. એનું પાણી મારો ઘોડેસવાર જઈને લઈ આવે એ પહેલાં લઈ આવો.’
‘એ મારું કામ.’ કરતોકને પેલો ઘંટીનાં પડ પગે બાંધનાર ઊપડ્યો.
એની સાથે રાજા સવારે દોસ્તી કરી, ને આખો દિવસ બેઉ સાથે ચાલ્યા ને સાથે વિસામો લેવા થોભ્યા. જમતી વખતે સવારે એના ખાવામાં કડક ઘેનની દવા ભેળવી દીધી; એટલે એ બિચારો ઘસઘસાટ ઊંઘી ગય. ખાસ્સો એક દહાડો ને એક રાત લાગલગટ ઊંઘ્યા જ કર્યું.
પેલો સવાર તો વાવમાંથી પાણી લઈને પાછો વળ્યો.
સો’ણલિયો પૂછે : ‘આપણો મિત્ર આવતો સંભળાય છે ખરો?’
પેલો કીડીઓને સલાહ કરાવનાર કહે : ‘ના રે ભાઈ! એ તો ઊંઘી ગયો લાગે છે.’
‘માર્યા ઠાર!’ કહીને એણે પેલા બાણની રાહ જોનારને બાણ મારવા કહ્યું. અણે તાકીને બાણ માર્યું, ને પેલાના પગે બાંધેલા ઘંટીના બેઉ પડ કડાક લઈને તૂટી પડ્યા. એ તો ઝબકીને જાગ્યો ને જાગતાંવેંત જ દોડ્યો. હાંફળાફાંફળાં આંખ મીંચીને ઉઘાડીએ એટલામાં તો પાણી ભરીને આવી પહોંચ્યો. સવાર તો ક્યાંનો ક્યાંય પાછળ રહી ગયો હતો.
આટઆટલી પરીક્ષા પછી પણ રાજાના પેટનો મેલ ગયો ન હતો. તેણે આઠે જણના જમણમાં ઝેર દેવાની સંતલસ કરી.
પણ જેને રામ રાખે તેને કોણ મારી શકે?
કીડીને સલાહ આપનારના સરવા કાનોએ એ સંતલસ સાંભળી લીધી ને પંખીની પાંખો બદલનારે મીઠાઈના તાટ હેરફેર કરવાનું પોતાને માથે લઈ લીધું.
અને તરત જ તેણે પોતાની ફરજ બજાવી ને તાટ ફેરવી નાખ્યા.
પેલા આઠે જણે લહેરથી મિષ્ઠાન્ન પર ખૂબ હાથ માર્યા અને રાજાજીના આઠ સરદારો મીઠાઈ ખાતાંવેંત રામશરણ થઈ ગયા!
હવે કાંઈ રાજાજીનો છૂટકો થાય!
એમણે સો’ણલિયા સાથે રાજકુમારી પરણાવી.
છેલ્લી પરીક્ષા કરવા રાજાજીએ ઉમેર્યું : ‘એ બેઉને જવા માટે હું તો કાંઈ વાહન નહિ આપું. એમને ને એમને દીધેલા તથા રાજકુમારીને કરેલા કરિયાવર માટે વાહન એમણે શોધી લેવું.’
પેલો શંકરના દહેરાવાળો કહે : ‘તમે નહિ દો તો કાંઈ કામ અટકી નહિ પડે! આટલું મોટું દહેરું ઉપાડું છું તો તમારો કરિયાવર જુઓ! શું મોટું આપીને ન્યાલ કર્યા છે તે અમારું મન જાણે છે!’
અને એણે પોતાને ખબે ઉપાડ્યું સ્તોને!
જોતજોતામાં સૌ આવ્યા દખ્ખણ દેશમાં.
પણ આ બધી ગડભાંગમાં ખાસાં પાંચેડેપાંચ વર્ષ બીતી ગયાં હતાં અને મેનાકુમારીને એક મનોહર પુત્ર આવેલો તે યે ચાર વર્ષનો થઈ ગયો હતો.
સો’ણલિયો આવ્યો દરબારમાં. પોતાના દોસ્તોને જરજરિઆન ને જાગીરોથી એણે નવાજ્યા.
રાજાજીએ એને ગાદી સોંપી.
દરબાર ભરાયો હતો : સો’ણલિયાની બે બાજુ બે રાણીઓ તથા પાસે રાજકુમાર બેઠો હતો, ત્યાં એણે પોતાની માને તેડાવીને તેને અને મહારાજને નમન કરીને કહ્યું : ‘લ્યો આ મારું સો’ણું! તે દહાડે માગતા હતા તે. આ બાજુ સૂરજ ને પેલી બાજુ ચંદ્રમા. જુઓ પેલો શુક્રનો તારો!’ એમ કહીને એણે ચંદ્રમા જેવી સૌમ્ય મેનાકુમારી અને સૂરજ જેવી ઓતરાખંડની રાજકુમારી તથા શુક્ર જેવો રાજકુમાર બતાવ્યાં.
બેઉના આનંદનો પાર ન રહ્યો.
સૌની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં.
સ્રોત
- પુસ્તક : નાગરદાસ ઈ. પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013