Akkal Vinani Nakal - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અક્કલ વિનાની નક્લ

Akkal Vinani Nakal

ફિલિપ ક્લાર્ક ફિલિપ ક્લાર્ક
અક્કલ વિનાની નક્લ
ફિલિપ ક્લાર્ક

    એક હતાં બિલ્લીબેન. ધોળી પૂણી જેવું રૂપાળું મોઢું. લખોટી જેવી તગતગતી બે આંખો. રેશમ જેવું શરીર.

    બિલ્લીબેન રાતદિવસ લોકોના ઘરમાં ફરતાં, ખાતાં, પીતાં અને મઝા કરતાં. બધાં બિલ્લીબેનને ઘરના માણસની જેમ રાખે. નાનાં બાળકો તો એમને ખૂબ જ રમાડતાં.

    બાળકો બિલ્લીબેન સાથે ગમ્મત પણ કરતાં. તેમની પાસે જાતજાતના દાવ કરાવતાં. બાળકો કહે, બિલ્લીબેન તાલી આપો, તો બિલ્લીબેન તાલી આપતાં. બિલ્લીબેન ગીત ગાવ, તો બિલ્લીબેન મિયાઉં મિયાંઉં કરતાં. બિલ્લીબેન ક્યારેક રંગમાં આવી જતાં ત્યારે આવડે એવું નાચી પણ લેતાં. તેમના આવા સ્વભાવને કારણે તેઓ ગામમાં માનીતાં થઈ ગયાં હતાં.

    ગામમાં તહેવારો શરૂ થયા. નાટકો, ગરબા, નાચ વગેરે થવા લાગ્યાં. ગામની ભાગોળે રોજ નવા નવા ખેલ થતાં. ગામલોકની સાથે સાથે બિલ્લીબેન પણ જોવા જતાં.

    ગામની નાની નાની છોકરીઓનો નાચ જોઈ બિલ્લીબેન ખુશ થઈ ગયાં. તેમને પણ નાચવાનું મન થયું. એક ખૂણામાં તેમણે થોડું નાચી પણ લીધું.

    બિલ્લીબેન ઘણાં જ અભિમાની હતાં. નવું જુએ એટલે તેની નકલ કરવાની તેમને ખરાબ ટેવ હતી. અક્કલનો ઉપયોગ તેઓ બિલકુલ કરતાં નહીં. રૂપનું અભિમાન તો તેમને ઘણું જ હતું.

    થોડું નાચતાં આવડતું એટલે તેઓ એમ માનતાં કે મારા જેવું નાચતાં આખા ગામમાં કોઈને આવડતું નથી. તેમણે પોતાની જાતે જ જાહેરમાં નાચ કરવાનું નક્કી કરી નાખ્યું.

    તેઓ ગામની છોકરીઓ પાસે ગયાં. ચણિયા-ચોળી અને ઘુઘરાની માંગણી કરી. બિલ્લીબેનની વાત પર છોકરીઓ હસવા લાગી.

    પણ બિલ્લીબેન તો હઠે ચડયાં. આખરે છોકરીઓ માની ગઈ. એમણે ચણિયા, ચોળી, ઘુઘરા, વેણી વગેરે આપ્યાં. બિલ્લીબેન તો રાજી રાજી થઈ ગયાં.

    બિલ્લીબેને છાનામાના બધું પહેરીને આયનામાં જોઈ પણ લીધું. પોતાને કોઈ જરૂર પરી માનશે એમ વિચારી તેઓ આનંદમાં ફરવા લાગ્યાં.

    પણ હવે નાચવું કયાં? ગામમાં નાચ કરીશ તો ગામલોકો ઓળખી જશે. ગામથી દૂર જઈને નાચું તો? બિલ્લીબેન નિરાંતે બેસીને વિચાર કરવા લાગ્યાં.

    ગામથી થોડે દૂર એક ખેતર હતું. ખેતરમાં મોર, ઢેલ, પોપટ, કબૂતર, સસલાં અને શિયાળ રહેતાં હતાં. તેઓ નાચગાનનાં ખૂબ જ શોખીન હતાં. ઘણીવાર ખેતરમાં મોર અને ઢેલના નાચ થતાં. બધાં નાચ જોઈને ખુશ થઈ જતાં. મોર અને ઢેલનાં ખૂબ વખાણ થતાં. તેમને માનપાન મળતાં. કિંમતી ભેટ સોગાદો પણ મળતી.

    બિલ્લીબેન આ વાત સારી રીતે જાણતાં હતાં. એમને પણ માનપાન અને ભેટ મેળવવાનું મન થયું. તેમને કિંમતી ભેટ દેખાવા લાગી. તેમણે આ ખેતરમાં જઈને જ નાચ કરવાનું ગોઠવ્યું.

    એક દિવસે ગામનાં બધાં માણસો મોટા શેઠનાં લગ્નમાં ગયાં. હતાં. ગામમાં કોઈ હતું નહીં. લાગ જોઈને બિલ્લીબેન તૈયાર થઈ ગયાં. દોડીને ખેતરમાં પહોંચી ગયાં.

    સારી જગ્યા પસંદ કરીને નાચવાનું શરૂ કર્યું. ઘુઘરાનો અવાજ સાંભળી, મોર, ઢેલ, પોપટ, કબૂતર, સસલાં વગેરે દોડી આવ્યાં. બિલ્લીબેન તો કોઈની સામે જોયા સિવાય નાચતાં હતાં. તેઓ પોતાનું મોઢું દેખાય નહીં એટલા માટે મોઢા પરથી ઓઢણું નીચે પડવા દેતાં નહીં.

    બધાં જોઈને ખુશ થવા લાગ્યાં. જાત જાતની અને ભાત ભાતની વાતો થવા લાગી. પોપટે કહ્યું, 'સ્વર્ગની કોઈ પરી નાચ કરવા આવી છે.'

    સસલાએ કૂદકો મારીને કહ્યું, 'કોઈ દેવી લાગે છે',  કબૂતરે કહ્યું, ‘મને તો એનો નાચ જોઈને લાગે છે કે, નૃત્યની રાણી આપણા આનંદ માટે આવી છે. આપણે વાજતે ગાજતે એનું સ્વાગત કરવું જોઈએ.” બધાં સહમત થઈ ગયાં.

    ભેટ આપવા માટેની વસ્તુઓ આવવા લાગી. ફુલહાર અને બેન્ડવાજાં પણ આવી ગયાં. બિલ્લીબેન ત્રાંસી આંખે બધું જોતાં હતાં. વાતચીત પણ ધ્યાનથી સાંભળતાં હતાં. પોતાના સ્વાગત માટેની તૈયારી જોઈને તેઓ મનમાં ને મનમાં મલકાતાં હતાં.

    શિયાળ હજી આવ્યું ન હતું તે બે દિવસથી મોસાળ ગયું હોવાથી, ખેતરમાં વાતાવરણ શાંત હતું. શિયાળ ચાલાક હતું. તે ગમે તેને ઓળખી કાઢતું.

    એવામાં શિયાળ આવી પહોંચ્યું. શરૂઆતમાં તે પણ નાચ જોઈને ખુશ થઈ ગયું. પણ શિયાળ તો મૂળે ચાલાક. એને શંકા ગઈ તે ખૂબ નજીક જઈને નાચ કરતી પરીને જોવા લાગ્યું. શિયાળની ચાલાક આંખોને ખબર પડી ગઈ છે, ગામની ધોળી બિલાડી હોય એમ લાગે છે. ચણિયો ચોળી અને ઘુઘરા પહેરી બધાંને બનાવવા આવી છે.

    શિયાળે પોતાના મનની વાત બધાંને કરી. પ્રથમ સૌએ શિયાળની વાતને હસવામાં કાઢી નાખી. શિયાળ પોતાની વાતમાં મક્કમ રહ્યું. તેણે સાબિત કરી આપવાની ખાત્રી આપી. સૌએ વાત મંજૂર રાખી.

    શિયાળ દોડતું જઈ એક તગડો ઊંદર પકડી લાવ્યું. બિલ્લીબેન, નાચી નાચીને થાકી ગયાં હતાં. કકડીને ભૂખ પણ લાગી હતી.

    શિયાળે લાગ જોઈને ઊંદર ફેંક્યો. ઊંદર પણ બિલ્લીબેનનાં પગમાં જ પડયો.

    ઊંદર જોઈને બિલ્લીબેનની આંખો ચાર થઈ ગઈ. તેમના મોંમાં પાણી છૂટ્યું. તેઓ પોતાની ટેવ મુજબ ઊંદરને પકડવા દોડયાં, તરાપ મારીને ઊંદરને પકડી પણ લીધો.

    ઊંદરને પકડવાની દોડાદોડીમાં બિલ્લીબેન ખુલ્લાં પડી ગયાં. તેમનું ઓઢણું, ચણિયો, ચોળી અને ઘુઘરા નીકળી ગયાં. તેમણે શરમથી મોઢું છુપાવી દીધું.

    શિયાળે બૂમ પાડીને કહ્યું, ‘જુઓ ભાઈઓ, ગામની આ ધોળી બિલાડી. આપણને બનાવવા આવી પણ જાતે જ બની ગઈ. કોઈ એને ભેટ આપશો નહીં.'

    ‘અક્કલ વગરની નકલ કરવા જાય, એની દશા આવી થાય' પોપટે હસતાં હસતાં કહ્યું.

    બિલ્લીબેન તો ચણિયો, ચોળી, ઘુઘરા અને ઓઢણું બગલમાં દબાવી જાય ભાગ્યાં. ફરીથી નકલ ન કરવાની પ્રતિજ્ઞા કરી તેઓ ગામમાં દોડી ગયાં.

સ્રોત

  • પુસ્તક : વાંચો રે વાર્તા (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : ફિલિપ ક્લાર્ક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1996