રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલીમડાના ઝાડની એક નીચી ડાળી ઉપર એક ઘુવડ આરામથી બેઠું હતું.
એટલામાં કયાંકથી એક છોકરો આવ્યો.
એણે નજીકમાં કાદવ હતો એમાં જોરથી એક પથ્થર માર્યો.
જમીન ભીની હતી. આજુબાજુ પાણી પણ હતું. કાદવવાળું પાણી ઊડ્યું. ઝાડની ડાળીએ ઘુવડ બેઠું હતું એની આંખમાં પડ્યું.
ઘુવડ ગભરાઈ ગયું. આંખમાં વેદના થવા લાગી. આંખ ઉઘાડ-મીંચ કર્યા જ કરે. એને આરામ ન થાય. એ તો આંખ બંધ કરીને બેસી રહ્યું. એના મનમાં કે બે-ત્રણ કલાકમાં મટી જશે; પણ રાત પડીને ઘુવડ સૂઈ ગયું છતાં એને આરામ તો ન જ થયો.
બીજે દહાડે તો પહેલા દહાડાના કરતાં પણ વધારે વેદના થવા લાગી. અંદર કાંઈ ખૂંચખૂંચ થતું હોય એમ લાગ્યું.
ઘુવડ ત્યાથી ઊડીને કાગડા પાસે ગયો.
એક કાગડો એનો ખાસ બાઈબંધ હતો એને મળ્યો.
આંખની પીડાની બધી વાત કરી.
કાગડો કહે : ‘મારો એક પિછાનવાળો ખાસ દાક્તર છે. એનું નામ છે દાક્તર કવિરાજ કોકિલ, આયુર્વેદી ભિષગાચાર્ય(નિષ્ણાત વૈધ) છે. તને એની પાસે લઈ જાઉં. એ આંખની પીડા મટાડી દેશે.’
બંને જણા દાક્તર પાસે ગયા.
પંખીઓની દુનિયામાં દાક્તર કોકિલ ખૂબ વખણાયેલો અને જાણીતો હતો.
દાક્તરે ઘુવડની આંખ બારીકાઈથી તપાસી. વધારે ખાતરી કરવા એક જાતના જાડા કાચમાંથી બારીકાઈથી તપાસ્યું. પછી કહે : ‘સમજી ગયો. વાત જાણે એમ છે કે કાદવની એક નાની પણ કઠણ કણી આંખમાં પોપચાંના ભાગમાં ભરાઈ ગઈ છે. એ કાઢ્યા વગર આંખને આરામ નહિ થાય. હું એ કામ કરી શકીશ. પણ મારી ફીની રકમ મને પહેલાથી જ મળી જવી જોઈએ.’
વાત એમ હતી કે ઘુવડ ખૂબ લાસરિયો અને ઘાલીદાસ હતો. એ જેની પાસેથી જે કાંઈ પણ લેતો એને એ કદી એની રકમ આપતો નહિ. આથી કોઈ એને ઉઘાર આપતું નહિ.
કોયલભાઈ આ વાત જાણતા હતા. એટલે એમણે ફીની વાત પહેલેથી કરી.
ઘુવડ કહે : ‘દાક્તર, તમ તમારે ઉપચાર શરૂ કરો. બિલની રકમની ફિકર જ ન કરશો. તમને એ હું જરૂર ચૂકવી આપીશ.’
પણ દાક્તરે ઉપચાર શરૂ કરવાની તૈયારી બતાવી નહિ.
જે દેવું કર્યા જ કરે અને લેના ઉસકો દેના હરામ જેવી જેની છાપ હોય એના ઉપર કોણ વિશ્વાસ રાખે?
આખરે કાગડો વચ્ચે પડ્યો.
‘દાક્તર સાહેબ, તમે બિલની ફિકર ન કરશો. જો ઘુવડભાઈ તમારી રકમ નહિ આપે, તો હું ચૂકવી આપીશ.’
દાક્તર કોયલે કાગડાના બોલ પર ભરોસો રાખી, ઉપચારની વિધિ ઘુવડને બતાવી.
કોઈ પાણીના ઝરા કે ખાબોચિયામાં એકથી બે કલાક આંખો ઉઘાડી રાખી, પાણીમાં ડૂબકીઓ મારવાની સલાહ ડૉ. કોયલે ઘુવડને આપી.
ઘુવડ કહે : ‘પણ માથું પાણીમાં બોળું તો આંખો ઉઘાડી શી રીતે રહે?’
દાક્તર કહે : ‘શું કામ ન રહે? તમે બંધ ન કરશો અને ઉઘાડી આંખે જ પાણીમાં માથું બોળ-બોળ કરજો.’
ઘુવડ ને કાગડો રસ્તે પડ્યા.
એક સારો, ચોખ્ખા પાણીનો વહેળો જતો હતો. એનું પાણી એક ખાડામાં ભેગું થયું હતું.
ઘુવડે એ જગા પસંદ કરી. પાણીમાં વારંવાર માથું બોળવા માંડ્યું. બેએક કલાક એમ કર્યું.
આંખમાં કાદવ સુકાઈને કાંકરી જેવો થઈ ગયો હતો. તે પાણીને લીધે પલળી ગયો ને ધોવાઈ ગયો. આંખ ચોખ્ખી થઈ ગઈ. ઘુવડને આંખની પીડા બિલકુલ મટી ગઈ.
(2)
ઉપરની વાતને છ-સાત દહાકા થયા, પણ દાક્તર કોયલને ઘુવડે ફીની રકમ પહોંચાડી નહિ.
દાક્તર સાંજના છેક દરદીઓનું કામ પતાવી, ગયો ઘુવડ પાસે.
‘ઘુવડકાકા, રામ રામ!’
ઘુવડ બોલ્યું જ નહિ. બેસી જ રહ્યું.
બે-ત્રણ વખત કોયલે એને બોલાવી જોયો, પણ એ બોલ્યો નહિ.
કોયલે કહ્યું ‘ઘુવડકાક, આમ કેમ કરો છો? હું મારી ફીની રકમ લેવા આવ્યો છું! તે આપી દો.’
‘હુ-હુ-હુ-હૂ-હૂ’ કરતો ઘુવડ ઘૂરકીને બોલ્યો : ‘શું બોલ્યા વૈદ્યરાજ? આ જરા સરખું મને પાણીમાં માથું બોળી રાખવાનું કહ્યું, એટલા માટે તમને દવાની ફી આપું? કાંઈ ગાંડા થયા? તમને એક દમડીનો પણ ખર્ચ તો થયો નથી, અને શું જોઈ દવાની ફી લેવા હાલી નીકળ્યા છો?’
દાક્તર કોયલે નિસાસો નાખ્યો. એ કહે : ‘પણ ઘુવડકાકા, દરદ મટાડવાની શરત હતી. એ તો દર્દ એવો ઉપાય. તમને મટી ગયું ખરું કે નહિ?’
ઘુવડ ગુસ્સે થઈને બોલ્યો : ‘દાક્તર તમે કહેવાનું કહી રહ્યા? હું તમને ફીની રકમ આપવાનો નથી. થાય એ કરી લો. જાઓ; મારે ૐ નમઃ શિવાયના જાપ કરવા છે.’
દાક્તર એક શબ્દ પણ બોલ્યા સિવાય ચાલતો થયો.
એ ગયો કાગડાની પાસે.
એને બધી વાત કરી.
કાગડો કહે : ‘કવિરાજ કોયલ! જરાય ગભરાશો નહિ હું હમણાં જ તમારી રકમ અપાવી દઉં છું. એ ઘરડા ઘુવડને જરા મશ્કરી કરવાની ટેવ છે. વેળ ન જુએ, કવેળ ન જુએ, ને ઠઠ્ઠા-મશ્કરી! હું તમારી રકમ અપાવી દઉં છું. ચાલો, મારી સાથે.’
બંને ગયાં ઘુવડ પાસે.
કાગડાએ ઘણુંય કહ્યું, પણ ઘુવડ એકનું બે ન થયું. એણે રકમ આપવાની સાફ ના પાડી.
(3)
કોયલ કહે : ‘કાગડાકાકા, આ ઘરડો ઘુવડ પાકો શેતાન છે. ‘રામ નામ જપના, પરાયા માલ અપના’, એ એની પહેલાંથી જ ચાલબાજી છે. હું એ સમજતો હતો. માટે જ મેં પહેલાંથી ફી માંગી હતી. તમે વચ્ચે પડ્યા ને હું સંમત થયો. જામીનગીરીનો અર્થ તમે સમજો છો. મારી રકમ હવે તમે આપી દો.’
કાગડો ગભરાઈને કહે, ‘પણ દાક્તર! મારુ નામ તો તમે સારી રીતે જાણો છો. કાગાભાઈ કડકા! મારી પાસે તો ઝેર ખાવાને પણ એક દમડી નથી. પછી તમારી ફીની રકમ હું ક્યાંથી લાવું?’
દાક્તર કહે : ‘એટલે તમે રકમ આપવાની ના પાડો છો?’
કાગડો કકળીને બોલ્યો : ‘મને ખબર નહિ કે ઘુવડ આમ છેલ્લે પાટલે બેસશે. મારી પાસે કાંઈ પણ નથી, એટલે હું તમને શી રીતે ફીની રકમ આપું?’
‘ઠીક છે, મારે ન્યાય મેળવવા ન્યાયકચેરીમાં જવું પડશે.’ કોયલ કંટાળીને બોલ્યો.
બીજા દિવસે એ ગયો વકીલને ત્યાં. વકીલનું નામ હતું પોપટભાઈ લીલાધર પટપટ.
વકીલે બધી વાત સાંભળી લીધી.
એ કહે : ‘સોમવારે આવજો મારી સાથે ન્યાયકચેરીમાં.’
ગીચ જંગલની અંદરના ભાગમાં એક સરોવર હતું. એના કાંઠે મોટી વડવાઈ હતી. એની ગીચ ઘટામાં નામદાર ન્યાયાધીશ બેસતા હતા. એમનું નામ હતું ગજરાજ સર્વશ્રેષ્ઠ હાથીજી. બધાં પશુ-પંખીઓનો ન્યાય એ ચૂકવતા.
પોપટ પટપટે ચટચટ પોતાના અસીલ કવિરાજ દાક્તર કોયલનો કેસ નાયાયાધીશ આગળ રજૂ કર્યો.
ન્યાયાધીશે બકુભાઈ બકબક નામના બકરા પટાવાળાને આરોપીઓને બોલાવવા પોકાકર કરવા કહ્યું.
બેં-બેં કરતા બકરાભાઈએ પોકાર કર્યો.
‘શ્રીયુત ઘમસાણભાઈ ધાપીદાસ ઘુવડ હાજર હૈ એ એ?’
‘શ્રીયુત કાગડાભાઈ કડકા હાજર હય?’
શ્રીયુત કાગડાભાઈ કડકા અને ઘુવડ બંને હાજર થયા.
એમની હકીકત પણ ન્યાયાધીશે બરાબર સાંભળી લીધી.
ન્યાયાધીશે મીની માંકડીને પોતાનો ચુકાદો લખાવ્યો.
મીની માંકડી ન્યાયકચેરીની શિરસ્તેદાર હતી.
કોર્ટમાં મીની માંકડીએ ચુકાદો વાંચી સંભળાવ્યો.
‘આરોપી ઘુવડે દાક્તર કોયલની ફી કાયદેસર રીતે આપવી જોઈતી હતી, પણ તે આપી નથી. કાગાભાઈ કાળિદાસ કડકા ઘુવડના જામીન થયા છે. એ જામીન ન થયા હોત, તો દાક્તર કોયલ ઘુવડભાઈની સારવાર કરત જ નહિ. એટલે ન્યાયની રાહે ફીની રકમ જામીને આપવાની રહે છે.
હવે કાગાભાઈ કહે છે કે એમની પાસે તો એક દમડી પણ નથી. આથી ઠરાવવામાં આવે છે કે આજથી તમામ કાગડીઓએ તમામ કોયલોનાં ઈંડાં પોતાના માળામાં મૂકવા દેવાં અને એને સેવી, એ કોયલનાં બચ્ચાં ઊડી જતાં થાય ત્યાં લગી પોષણ કરવું. જામીનદાર કાગડાભાઈ ઘુવડ પાસે હવે પછી રકમ વસૂલ કરી શકે તો પછી કાગડીઓને કરવામાં આવેલી આ સજા બંધ થશે. જો ઘુવડની પાસેથી જામીનદાર રકમ વસૂલ કરી શકે તો આ દાવાનો ખર્ચ પણ પ્રતિવાદી ઘુવડ પાસેથી વસૂલ કરી દાક્તર કોયલને આપવો. પ્રતિવાદીનો ખર્ચ પ્રતિવાદીએ પોતે ભોગવી લેવો.’
અને ત્યારથી આજ લગી બાપડી કાગડીઓ કોયલોનાં ઈંડાં પોતાના માળામાં રાખે છે, સેવે છે અને કોયલનાં બચ્ચાંને એ ઊડતાં થાય ત્યાં લગી ઉછેરે છે.
અને કાગડાઓ આ બલામાંથી છૂટવા ઘુવડની પાછળ પડે છે. પણ ઘુવડ ઝાડની બખોલો કે અંધારી જગામાં આખો દહાડો સંતાઈ રહે છે. દહાડે બહાર નીકળતું જ નથી! કાગડા બિચારા શોધી-શોધીને રોજ મહેનત કરે છે, પણ ઘુવડ હાથમાં આવતું જ નથી!
ઘુવડને પણ એના હરામીવેડાની કુદરતી સજા થઈ ચૂકી છે. એ દિનાંધ બન્યો છે! એટલે કે દહાડે એ કશું જોઈ શકતો જ નથી! રાત પડે ત્યારે જ બહાર હરીફરી શકે છે. એ માત્ર રાત્રે જ જોઈ શકે છે.
સ્રોત
- પુસ્તક : રમણલાલ ન. શાહની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2015