Kagdo Ane Kothimbu - Children Stories | RekhtaGujarati

કાગડો ને કોઠીંબુ

Kagdo Ane Kothimbu

ગિજુભાઈ બધેકા ગિજુભાઈ બધેકા
કાગડો ને કોઠીંબુ
ગિજુભાઈ બધેકા

                એક હતું કોઠીંબુ. તે વાડ્યે વાડ્યે દડ્યું જતું હતું.

 

                ત્યાં એક કાગડો ઊડતો ઊડતો આવ્યો.

 

                કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું.

 

                કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબુ કહે :

 

               “બાપુ! આવી ગૂવાળી ચાંચે મન ન ખવાય. ક્યાંકથી પાણી લઈ ધોઈ આવ.”

 

                કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. જઈને કૂવાને કહે :


“કૂવા, કૂવા, કૂવાદેવા!
આંગણ આવ્યા કાગદેવા.
આલો પાણીડાં,
ધોઉં ચાંચૂડી,
ખાઉં કોઠીંબુ,
બડૂક બડૂક વાગે.”

 

                કૂવો કહે : “પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડૂલો લઈ આવ ને પાણી સીંચી લે.”

 

                કાગડો તો ઊડતો ઊડતો કુંભારવાડે ગયો. જઈને કુંભારને કહે :


“કુંભાર, કુંભાર, કુંભારદેવા!
આંગણા આવ્યા કાગદેવા.
આલો ઘડૂલો,
સીંચું પાણીડાં,
ધોઉં ચાંચૂડી,
ખાઉં કોઠીંબુ,
બડૂક બડૂક વાગે.”

 

                કુંભાર કહે : “માટી લાવ તો રૂપાળો ઘડૂલો ઘડી દઉં.”

 

                એટલે કાગડો ગયો ટીંબા પાસે. જઈને ટીંબાને કહે :


“ટીંબા, ટીંબા, ટીંબાદેવા!
આંગણ આવ્યા કાગદેવા.
આલો માટૂડી,
આપું કુંભારને,
ઘડે ઘડૂલો,
સીંચું પાણીડાં,
ધોઉં ચાંચૂડી,
ખાઉં કોઠીંબુ,
બડૂક બડૂક વાગે.”

 

                ટીંબો કહે : “મરગલાની શિંગડી લઈને ખોદી લે. ના કોણ પાડે છે?”

 

                કાગડો તો ઊડતો ઊડતો ગયો મરગલા પાસે. મરગને જઈને કહે :

 

“મરગ, મરગ, મરગદેવા!
આંગણ આવ્યા કાગદેવા.
આલો શિંગલડી,
ખોદું માટૂડી,
આપું કુંભારને,
ઘડે ઘડૂલો,
સીંચું પાણીડાં,
ધોઉં ચાંચૂડી,
ખાઉં કોઠીંબુ,
બડૂક બડૂક વાગે.”

 

                મરગ કહે : “મને મારીને મારું શિંગડું લઈ લે; કૂતરાને બોલાવી આવ એટલે તે મને મારી નાખશે.”

 

                કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા, ને કહે :


“કુત્તા, કુત્તા, કુત્તાદેવા!
આંગણ આવ્યા કાગદેવા.
મારો મરગલા,
લઉં શિંગલડી,
ખોદું માટૂડી,
દઉં કુંભારને,
ઘડે ઘડૂલો,
સીંચું પાણીડાં,
ધોઉં ચાંચૂડી,
ખાઉં કોઠીંબુ,
બડૂક બડૂક વાગે.”

 

                કૂતરો કહે : “ભાઈ! હું બહુ ભૂખ્યો છું. માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ મારવા જાઉં.”

 

                કાગડા ગાય પાસે ગયો. જઈને કહે :


“ગવરી, ગવરી, ગવરીદેવા!
આંગણ આવ્યા કાગદેવા.
આલો દૂધલાં,
પાઉં કુત્તલા,
મારે મરગલા,
લઉં શિંગલડી,
ખોદું માટૂડી,
દઉં કુંભારને,
ઘડે ઘડૂલો,
સીંચું પાણીડાં,
ધોઉં ચાંચૂડી,
ખાઉં કોઠીંબુ,
બડૂક બડૂક વાગે.”

 

                ગાય કહે : “હું બહુ ભૂખી છું. મને સારી પેઠે ખડ ખવરાવીને દૂધ દોઈ લે.”

 

                પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો. જઈને સીમને કહે :

 

“સીમ, સીમ, સીમદેવા!
આંગણ આવ્યા કાગદેવા.
આલો ખડલાં,
નીરું ગવરીને,
દોઉં દૂધલાં,
પાઉં કુત્તલા,
મારે મરગલા,
લઉં શિંગલડી,
ખોદું માટૂડી,
દઉં કુંભારને,
ઘડે ઘડૂલો,
સીંચું પાણીડાં,
ધોઉં ચાંચૂડી,
ખાઉં કોઠીંબુ,
બડૂક બડૂક વાગે.”

 

                સીમ કહે : “ભાઈ! લુવારને ત્યાંથી દાતરડું લઈ વ અને ખડ વાઢી લે.”

 

                કાગડો તો લુવાર પાસે ગયો. જઈને લુવારને કહે :


“લુવાર, લુવાર, લુવારદેવા!
આંગણ આવ્યા કાગદેવા.
આલો દાતરડાં,
વાઢું ખડલાં,
નીરું ગવરીને,
દોઉં દૂધલાં,
પાઉં કુત્તલા,
મારે મરગલા,
લઉં શિંગલડી,
ખોદું માટૂડી,
દઉં કુંભારને,
ઘડે ઘડૂલો,
સીંચું પાણીડાં,
ધોઉં ચાંચૂડી,
ખાઉં કોઠીંબુ,
બડૂક બડૂક વાગે.”

 

                લુવાર કહે : “લે આ દાતરડું.”

 

                કાગડો દાતરડું લઈને સીમમાં ગયો; ત્યાંથી ખડ લઈને ગાયને ખવરાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું; કૂતરો મરગલાને મારવા દોડ્યો એટલે તેણે શિંગડું આપી દીધું; કાગડે શિંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ઘડૂલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ સાફ ધોઈ નાખી ને કોઠીંબુ ખાધું.

રસપ્રદ તથ્યો

કોઠીંબુ : નાનું ચીભડું. મરગ, મરગલો : મૃગ, હરણ.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020