રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતાં ફોરાબહેન. ચારેક વરસની ઉંમર. મમ્મી હારે આંગણામાં રમે. અહીંતહીં દોડાદોડી કરે, નાચે-કૂદે, હસે, ચીસો પાડે ને કાલી-કાલી ભાષામાં ગીત ગાય. મમ્મીને એની હરકતો બહુ ગમે.
મમ્મીને કામ હતું તેથી થોડી વાર રહી ફોરાને કહે, ‘ફોરા, તું અહીં રમજે. હું ઘરમાં જઈ થોડું કામ કરું.’
ફોરા કહે, ‘પણ મમ્મી, મને ભૂખ લાગી છે. કંઈક ખાવાનું આપતી જા.’
મમ્મી અંદર ગઈ. મૂઠીભર શેકેલી મગફળી લઈ આવી. ફોરા બેઠી હતી તેની બાજુમાં ઢગલી કરીને કહે, ‘આ મગફળી ફોલજે ને ખાજે.’
ફોરા બોલી, ‘મમ્મી, દાણા કાઢી આપ ને!’
‘પણ મારે ઉતાવળ છે, ઘણું કામ છે. તું જાતે કાઢ ને ખા.’ આમ કહી મમ્મી તો ઘરમાં જતી રહી. હવે શું થાય?
ફોરા તો રડવા જેવી થઈ ગઈ. મગફળી ફોલતાં વાર લાગે. ક્યારે દાણા નીકળે ને ક્યારે ખવાય?
ફોરાબહેન તો રડવા લાગ્યાં, બાજુના ઝાડ પર એક ખિસકોલી દોડાદોડી કરતી હતી. ફોરાને રડતી જોઈ ઝટપટ નીચે આવી. ફોરા પાસે જઈ, પૂંછડી પટપટ ઊંચી કરી કહે, ‘કેમ રડો છો, ફોરાબહેન?’
ફોરાબહેને રડવાનું અટકાવી ખિસકોલી સામે જોયું. ફોરા કહે, ‘ખલીબહેન, જુઓ ને મને ભૂખ લાગી છે ને મમ્મી આખ્ખી મગફળી મૂકીને જતી રહી. હવે કોણ ફોલે ને કોણ ખાય?’ખલીબહેન ખિલખિલ હસીને બોલ્યાં :
‘કોણ ફોલે ને કોણ ખાય?
ખલીબહેન ફોલે ને ફોરાબહેન ખાય.’
આ સાંભળી ફોરાબહેન થયાં ખુશખુશ. પછી તો ખલીબહેને શીંગ આગળના બે પગ વચ્ચે લીધી ને દાંત વડે ફોલવા માંડી. કટ... કટ... કટ... ને દાણા કાઢ્યા. ફરી બીજી મગફળી લીધી ને એય ફોલી દાણા કાઢ્યા પછી ત્રીજી, પછી ચોથી... બધી જ મગફળી ફોલી કાઢી. કુલ વીસ દાણા થયા.
ખલીબહેન કહે, ‘લ્યો, ફોરાબહેન, દાણા નીકળી ગયા. લ્યો, હવે ટેસથી ખાવ. પણ...’
‘પણ શું, ખલીબહેન?’ ફોરાએ પૂછ્યું.
‘મનેય ભૂખ લાગી છે. મનેય આપો ને?’
‘હા, હા કેમ નહિ! લો, આ તમારી મહેનતનો ભાગ.’
આમ કહી ફોરાબહેને ખલીબહેનને પાંચ દાણા ગણીને આપ્યા. ખલીબહેન તો પોતાનો ભાગ લઈ, ‘થેંક્યૂ’ કહી ચડી ગયાં ઝાડ પર.
પછી ફોરાબહેન શીંગ ખાવા જાય છે ત્યાં કા...કા કરતા કાગડાભાઈ આવ્યા. કાગડાભાઈ બોલ્યા,
‘ફોરાબહેન, લાગી છે ભૂખ,
આપો શીંગ તો ભાગે ભૂખ.’
ફોરા બોલી, ‘કાગાભૈ, તમે ડાન્સ કરો તો આપું.’
કાગડાભાઈ કહે, ‘ભલે, તો જુઓ મારો ડાન્સ.’
ને પછી કાગડાભાઈએ સુંદર ડાન્સ કર્યો. આમ કૂદે ને તેમ કૂદે. ડાન્સ જોઈ ફોરાબહેન તો રાજીરાજી થઈ ગયાં. કાગડાભાઈને પાંચ દાણા આપ્યા. કાગડાભાઈ કા...કા કરતા ઊડી ગયા.
ફરી ફોરાબહેન દાણો મોંમાં મૂકવા જાય છે ત્યાં કાબરબહેન કલબલ કરતાં આવ્યાં ને બોલ્યાં,
‘ફોરાબહેન, લાગી છે ભૂખ,
આપો શીંગ તો ભાગે ભૂખ.’
ફોરાને કાબરની દયા આવી ગઈ. ફોરાએ તેનેય પાંચ દાણા આપ્યા. કાબરબહેન ઠેકડા મારતી-મારતી રાજી થતી ઊડી ગઈ.
ફોરા પાસે હવે પાંચ જ દાણા વધ્યા હતા. તેને થયું કે હવે આ પાંચ દાણા મારા. લાવ, હવે ખાઉં. પણ... એ ખાવા જાય છે ત્યાં તો ઘૂ... ઘૂં... કરતું એક કબૂતર આવી પહોંચ્યું. કબૂતર ડોક ફુલાવીને કહે,
‘ફોરાબહેન, લાગી છે ભૂખ,
આપો શીંગ તો ભાગે ભૂખ.’
ફોરાને થયું કે હવે તો માત્ર પાંચ જ દાણા વધ્યા છે. જો એય કબૂતરને આપી દે તો પોતે શું ખાશે? પણ... કબૂને તો આપવા પડે ને? બિચ્ચારાને કેટલી ભૂખ લાગી હશે ત્યારે અહીં આવ્યું હશે? મને તો મમ્મી બીજું કાંક ખાવા આપશે. પણ આ કબૂને કોણ આપશે?
ફોરાબહેને બાકીના વધેલા પાંચેય દાણા કબૂને આપી દીધા. ‘લે કબૂ, તું ખા.’
કબૂતર તો ચપ-ચપ કરતું દાણા ત્યાં ને ત્યાં ખાઈ ગયું ને પછી ગટર ઘૂ... ગટર ઘૂ... કરી ગોળગોળ ફરી, ફોરાને ‘ટા...ટા’ કહી ઊડી ગયું.
એટલામાં ઘરમાંથી મમ્મી બહાર આવી. મમ્મીએ પૂછ્યું, ‘ફોરા, બધી જ શીંગ ઝાપટી ગઈ કે શું?’
આ સાંભળી ફોરા બોલી, ‘ના, મમ્મી, ના. મેં તો એક દાણોય ખાધો નથી.’
‘તો બધી શીંગ કોણ ખાઈ ગયું?’
ફોરાએ મમ્મીને પછી બધી વાત કહી.
‘ખલીબહેન આવ્યાં, શીંગ ગઈ ફોલાઈ,
પછી વિચાર્યું મનમાં ખાઈશું ધરાઈ.
ખલીએ માગ્યો એનો ભાગ,
ખલીને આપ્યા દાણા પાંચ.
કા...કા કરતો આવ્યો, કાગ,
કાગને આપ્યા દાણા પાંચ.
કલબલ કરતી આવી કાબર,
કાબર લઈ ગૈ દાણા પાંચ.
ઘૂ...ઘૂ કરતું આવ્યું કબૂતર,
કબૂને આપ્યા દાણા પાંચ.
દાણા બધા થયા ખલાસ
ફોરા બેઠી કહીને હાશ.’
આ સાંભળી મમ્મી રાજી થઈ. તેણે ફોરાને બાથમાં લઈ ચૂમી લીધી.
મમ્મી બોલી, ‘બેટા, તેં સારું કામ કર્યું. અંદર ચાલ, તારા માટે મેં નાસ્તો બનાવી દીધો છે.’
‘શું બનાવ્યું છે નાસ્તામાં?’ ફોરાએ પૂછ્યું.
‘તલસાંકળી.’
‘હેં! તલસાંકળી...! તો ઝટ આપ.’
ને ફોરા મમ્મીનો હાથ પકડી ઘરમાં દોડી ગઈ.
- (‘ખુશી અને પરી’માંથી)
સ્રોત
- પુસ્તક : નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 116)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023