રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવનમાં પ્રાણીઓ બધાં ભેગાં મળ્યાં. એમાં હાથી હતો, સિંહ હતો. વાઘ હતો, વરુ હતું. રીંછ હતું, ચિત્તો હતો. શિયાળ હતું : બધાં હતાં.
શિયાળ કહે : શહેરમાં માણસ છે. એ આપણો દુશ્મન છે. સરકસમાં એ આપણને પકડી જાય છે. આપણને પૂરી રાખે છે. આપણી પાસે ખેલ કરાવે છે. આપણે એને સીધો કરીએ. આપણામાંથી કોઈ આગેવાની લો. હાથી કહે : એ કામ મારું. હું માણસને સીધો કરીશ.
બધાં કહે : હા, હાથીભાઈ, એ કામ તમારું. તમારું માથું મોટું છે. એમાં અક્કલ પણ મોટી હોય.
હાથીભાઈ શહેરમાં આવ્યા. માણસની સામે સૂંઢ ઉલાળી.
માણસ કહે : આ સૂંઢાળો હાથી શું કરશે? લાવો અંકુશ. એને સીધો કરીએ.
હાથીએ વિચાર્યું; માણસ સામે લડવામાં એક સૂંઢ ઓછી પડશે. હું બીજી સૂંઢ વધારું.
વનમાં એણે વડ શોધી કાઢ્યો.
હાથીએ વડની વડવાઈ લઈ એની સૂંઢ બનાવી. હવે હાથી બે સૂંઢાળો થયો.
બે સૂંઢાળો હાથી માણસ સામે લડવા ગયો. માણસને થયું બે સૂંઢાળા હાથી સામે લડવા માટે બીજા કોઈની મદદ લેવી પડશે.
માણસે શિવજીની મદદ લીધી. એણે શિવજીને કહ્યું : તમે તમારામાં પાર્વતીને સમાવ્યાં છે. તમારું એક મોઢું ને પાર્વતીનું બીજું મોઢું એમ તમારે બે મોઢાં છે. તમે બે સૂંઢાળા હાથીને સીધો કરો.
શિવજીને જોતાં જ બે સૂંઢાળો હાથી હેબતાઈ ગયો : આ તો પેલા ગણપતિ માટે મારા જાતભાઈનું આખું માથું કાપનારા. નાસો મારા બાપ!
હાથ પાછો પડ્યો. વડની વડવાઈની એણે ત્રીજી સૂંઢ બનાવી. હવે એ ત્રણ સૂંઢાળો થયો. ત્રણ સૂંઢ સાથે એ માણસ સામે લડવા ગયો.
માણસે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને કહ્યું : આ હાથીને સીધો કરો.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને જોઈ ત્રણ સૂંઢાળો હાથી ઠરી ગયો. પૂંછડી દબાવી જાય ભાગ્યો.
વડની વડવાઈની ચોથી સૂંઢ લીધી. ચાર સૂંઢાળો બની એ માણસ સામે લડવા ગયો.
બ્રહ્મા હજુ પાછળ જ હતાં. એમણે જોયું તો હાથી ચાર સૂંઢાળો બની પાછો આવ્યો હતો.
બ્રહ્માએ ડોકું આમ લંબાવ્યું. બ્રહ્માને તો ચાર મોઢાં.
જોતાં જ હાથી જાય ભાગ્યો.
વડની વડવાઈની પાંચમી સૂંઢ લઈ એ પાછો ફર્યો.
માણસે પંચમુખ મહાદેવને કહ્યું : તમે જ આ હાથીને પહોંચી વળશો.
મહાદેવે હાથી તરફ નજર કરી ને હાથી જાય ભાગ્યો.
વડની વડવાઈની છઠ્ઠી સૂંઢ લઈ એ પાછો ફર્યો.
માણસે કાર્તિક સ્વામીને આગળ ધર્યા. કાર્તિક સ્વામી તો છ મોઢાના દેવ. એમનાં છ મોઢાં જોતાં જ એમના બળથી હાથી બી ગયો. હાથી જાય ભાગ્યો.
વડની વડવાઈની સાતમી સૂંઢ લઈ એ પાછો ફર્યો.
માણસે સપ્તર્ષિને આગળ ધર્યા.
સાત ઋષિનાં સાત મોં જોતાં જ સાત સૂંઢાળો હાથ ટાઢોટમ.
ઋષિઓએ કહ્યું : અમે તને મારીશું નહિ. અમે રહ્યા ઋષિ. મારામારી ને કાપાકાપી અમારું કામ નહિ. અમે પ્રેમમાં માનીએ અહિંસામાં માનીએ. તને અમે ઐરાવત એવું નામ આપીશું. તને અમે દેવોની નગરીમાં વસાવીશું. તારે પછી માણસને જોવાનોય નહિ ને માણસ સાથે લડવાનુંય નહિ.
ઋષિઓની વાણીમાં કોઈ અજબ બળ હતું. ઋષિઓના મોં ઉપર કોઈ ગજબનો પ્રેમભાવ હતો. હાથી એમને વશ થઈ ગયો.
સાત સૂંઢાળો હાથી ઐરાવત બની દેવોની નગરીમાં રહી ગયો.
પ્રાણીઓ હજુય પેલા એમના વતી લડનાર હાથીની રાહ જુએ છે.
પણ એ દેવોની નગરીથી પાછો આવે ત્યારે ને!
દેવોની નગરીમાં ઐરાવત ખાય છે, પીએ છે ને લહેર કરે છે.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 305)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020