hun Kai Ekalu Nathi... - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું કંઈ એકલું નથી...

hun Kai Ekalu Nathi...

ગિરા પિનાકીન ભટ્ટ ગિરા પિનાકીન ભટ્ટ
હું કંઈ એકલું નથી...
ગિરા પિનાકીન ભટ્ટ

        હંસ અને હંસલી માનસરોવરની જાતરાએ નીકળ્યાં હતાં. સાથે જોડાયા હતા કાચબાભાઈ. હા... પેલા લપલપિયા કાચબાભાઈ. લપલપિયા કાચબાભાઈ જરાય મૂંગા ન રહ્યા. ને એ તો પડ્યા ભફાંગ કરતા ભોંય પર. એ વાત તમને ખબર છે બરાબરને?

        પછી શું થયું એ તો તમને ખબર નહીં જ હોય! તો ચાલો, હવે આગળની વાત કરું. પછી શું થયું તે... કાચબો ઊંડી ખીણમાં પડી ગયો. એ જોઈ હંસ ને હંસલીને ખૂબ દુ:ખ થયું. ‘અરે! આપણે યાત્રા અટકાવીને પાછા વળી જવું જોઈએ હોં.’ હંસલો બોલ્યો.

        હંસલી રડમસ ચહેરે બોલી, ‘મને ખૂબ દુઃખ થાય છે. અરેરે...આ ગીચ જંગલમાં કાચબો ક્યાંથી મળે? આ સમાચાર કાચબીને આપવા પડે. વળી એનું નાનકડું બચ્ચું પણ રાહ જોતું હશે.’

        ‘તો ચાલો, પડતી મૂકો યાત્રા ને જઈએ પાછા. એ કાચબી અને તેના બચ્ચાને મળીએ. એને ખૂબ ખૂબ વ્હાલ કરીએ.’

        ‘હા... હા... તારી વાત મને ગમી. અરે! યાત્રા તો પછી પણ થશે.’

        પછી તો બન્ને પાછાં વળ્યાં. જે જગ્યાએથી કાચબાને લીધો હતો તે તળાવ પાસે આવ્યાં. આવીને બહુ તપાસ કરી. પેલા યાત્રાએ નિકળેલા કાચબાનું બચ્ચું ક્યાં? એની મા ક્યાં? પણ ના મળે બચ્ચું કે ના મળે એની મા. હંસલો થાક્યો, હંસલી હારી. થાકેલાં બન્ને વડના ઝાડ ઉપર આવીને બેઠાં. વડ પર બેઠેલા વાંદરાઓ ઝાડની ડાળી ઉપર કૂદાકૂદ કરે ને ગીતો ગાય,

સ્વ બળે ભાઈ હરવું‌‌-ફરવું,
પારકી આશ મજબૂર.
વણ વિચાર્યે જો કરીએ કંઈ,
પસ્તાઈએ ભરપૂર.

        હંસ અને હંસલીએ તો વાંદરાઓને પૂછ્યું કે, ‘માનસરોવર ગયેલા કાચબાનું બચ્ચું ક્યાં? એ બચ્ચાની મા કાચબી ક્યાં?’ પણ વાંદરાઓતો કરે કૂદાકૂદ. તેમણે પૂરી વાત પણ સાંભળી નહીં, તો સરખો જવાબ ક્યાંથી આપે?

        હંસ અને હંસલી તો તળાવની ચારે કોર ફરે. ઠેર-ઠેર પૂછી વળે. અરે! કોઈ તો કહો, ક્યાં છે કાચબી અને તેનું બચ્ચું? એ બન્ને તો...

ઝાડને પૂછે, વાડને પૂછે.
ઉંદરને પૂછે, ડુંગરને પૂછે.
બાગને પૂછે, નાગને પૂછે.
કાબરને પૂછે, સાબરને પૂછે.
ઢોરને પૂછે, મોરને પૂછે.

        પણ... ક્યાંયથી સાચો જવાબ મળે ના. હવે કરવું શું?

        હંસલી કહે, ‘બચ્ચાની માનો મોબાઈલ નંબર ક્યાંયથી મળે?’

        હંસલો કહે, ‘તો તો... હું વાત ન કરી લઉં?’

        હંસલી બોલી, ‘વોટ્સએપ ગ્રુપમાં વાત મૂકીએ? કાચબી અને તેના બચ્ચાની ભાળ મળી જાય તો સારું.’

        હંસલો રાજી થતાં બોલ્યો, ‘સાચ્ચેજ, તેં બહુ સારી વાત કરી. એજ બરાબર છે.’

        ને ગ્રુપમાં મેસેજ ફરતા થઈ ગયા, ‘હંસલા-હંસલી સાથે જે કાચબો યાત્રાએ નિકળ્યો હતો એને તમે કોઈ જાણો છો? એમના પરિવારને જાણો છો? એમના નાનકડા બચ્ચાને અમારે મળવું છે. અમારે એને મદદ કરવી છે, તો જાણ કરવા વિનંતી.’

        એમ મા અને બચ્ચાને શોધતાં શોધતાં ચોમાસું બેઠું. નદી, નાળાં ને તળાવનાં પાણી છલકાયાં. એ જઈ મળ્યાં દરિયાને. વાત પહોંચી ગઈ ઠેર-ઠેર. દરિયો આખો કાચબી અને બચ્ચાને શોધવા લાગ્યો. એનો ઉચાટ ઘણો ભારે. આ વાત જાણી સૂરજદાદાએ. તેમણે વાદળાંઓને પૂછ્યું, ‘પેલા કાચબાનું બચ્ચું ક્યાં? એની મા કાચબી ક્યાં? દોડી જાઓ દરિયા પાસે ને સમાચાર જાણી લાવો.’ સૂરજદાદાની વાત સાંભળી વાદળાં ફરી પાછાં દરિયા પાસે દોડી ગયાં. એ તો સઘળી વાતો જાણે ને દરિયાનું ખારું જળ તાણે. એમ કરતાં કરતાં વાદળાં થયાં ઘનઘોર. પછી તો ચારે કોર સાંબેલાધારે વરસાદ તૂટી પડ્યો. વરસાદનાં ફોરાં ઘેર-ઘેર ને ઠેર-ઠેર પૂછે કે, ‘પેલી કાચબી અને તેનું બચ્ચું ક્યાં?’ પણ જવાબ મળે ના.

        એક નાનકડા ખાબોચિયામાંથી અવાજ આવતાં હંસ અને હંસલી એ અવાજ ભણી ગયાં. મોટાં દેડકાં ડ્રાઉં ડ્ર્રાઉં કરતાં ગીત ગાતાં હતાં. તો વળી નાનાં દેડકાં ધ્યાનથી સાંભળતાં હતાં. હંસ અને હંસલી પણ ગીત સાંભળવા ઊભાં રહ્યાં.

જીવ છે તો જીવન છે એવું,
સમજીએ તો સારું.
વણ વિચાર્યે કૂદી પડો તો,
લાગે હાથ અંધારું.

        ‘સાવ સાચી વાત છે.’ હંસલી બોલી.

        ‘સાચ્ચેજ, આ તો સહુએ સમજવા જેવી વાત.’ આમ વાત કરતાં એ ઊભાં હતાં ત્યાં તો કાચબાનું બચ્ચું ફરતું ફરતું આવી ચડ્યું. એ તો જ્યાં ને ત્યાં આનંદમાં ફરતું હતું ને મસ્ત મજાનાં ગીતો ગાતું હતું. હંસ અને હંસલી તો કાચબાના બચ્ચાને જોતાં રાજી-રાજી થઈ ગયાં.

        હંસલી તો બચ્ચાને વળગી પડી અને બોલી ઊઠી, ‘અરે બકુડા, ખરેખર મને બહુ દુઃખ થાય છે. હવે તો તું સાવ એકલું પડી ગયું.’

        ‘હું કંઈ એકલું નથી. આખી દુનિયા છે ને મારી સાથે.’ બચ્ચું નિર્ભયપણે બોલ્યું.

        ‘અરેરે...! અમારી સાથે આવેલા કાચબાજીએ મોં ખોલ્યું ને પડ્યા ભફાંગ કરતા નીચે. બહુ ખોટું થયું. અમને એવી ખબર હોત તો અમારી સાથે આમ લઈ જાત નહીં.’ હંસે ગળગળા થતાં કહ્યું.

        ‘ખરેખર ખૂબ દુઃખ થયું. હજુ માનવામાં આવતું નથી.’ આંખમાં આંસુ સાથે હંસલી બોલી.

        ‘જે થવાનું હતું તે થઈ ગયું. તમે દુઃખી ન થશો.’ બચ્ચુ હિંમતભેર બોલ્યું.

        ‘મારા વ્હાલા નાના બકુડા, હવે તું અમારી સાથે ચાલ. અમે તને જીવની જેમ સાચવીને લઈ જઈશું. કાયમ માટે અમારી સાથે રાખીશું.’

        ‘આમ તમે મળવા આવ્યા એ મને ગમ્યું. એ માટે મારે તમને થેંક્યું કહેવું જ પડે. પરંતુ સાચું કહું તો મારી સંભાળ લેતાં હવે હું શીખી ગયો છું. વળી, જોખમ જાણ્યા-સમજ્યા વિના એમ લટકી ન પડાય. એવી સમજ મેં કેળવી લીધી છે.’

        ‘વાહ... તારી સમજદારી ભારે. એ જાણી અમને ખૂબ આનંદ થયો. પણ તને એકલું મૂકીને જતાં અમારો જીવ ચાલતો નથી.’ હંસલી બોલી.

        ‘તમે મળ્યા એથી હું રાજી રાજી. હવે સાંભળો આગળ મારી વાત... હું સ્વાશ્રયી છું, મેં મારી મહેનત વડે મોબાઈલ ખરિદી લીધો છે. લો, લખી લ્યો મારો નંબર. ક્યારેક આમ વાતો કરતાં રહીશું. મારી ચિંતા કર્યા વિના હવે તમે સુખેથી માનસરોવર ફરી આવો.’

        બચ્ચાંની આ વાત સાંભળીને હંસલો અને હંસલીની ચિંતા દૂર થઈ. ‘બાય... બાય... આવજો.’ કરતાં હંસલો ને હંસલી માનસરોવર ભણી ઊડ્યાં. કાચબાનું બચ્ચું બાય... બાય કરતાં બોલ્યું, ‘હું જરાય એકલું નથી.’

        એ તો હરતું જાય, ફરતું જાય ને આનંદથી ગીતો ગાતું જાય...

જીવ થકી છે જીવન સુંદર,
સમજે છે બાળ ન્યારાં.
બળ, બુદ્ધિ બેઉં સમજીને,
પ્રગતિ કરજો પ્યારાં.

સ્રોત

  • પુસ્તક : ઢોલકીવાળા અનબનજી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : ગિરા પિનાકીન ભટ્ટ
  • પ્રકાશક : દર્શિતા પ્રકાશન
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : 1