Gangu Gadhedani Je! - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગંગુ ગધેડાની જે!

Gangu Gadhedani Je!

યશવંત મહેતા યશવંત મહેતા
ગંગુ ગધેડાની જે!
યશવંત મહેતા

    એક હતો ગધેડો.

    ગંગુ એનું નામ.

    ઉકરડો એનું ઠામ.

    કલ્લુ કુંભારની ઝૂંપડી એ જ એનું ધામ.

    સવાર-સાંજ એ માટી વહે, જરાય નહિ આરામ. રાત પડતાં થાકે : બોલે, ‘હે રામ! હે રામ!’

    આમ ને આમ ગંગુ ગધેડાએ કલ્લુ કુંભારની ખૂબ-ખૂબ સેવા કરી. ઘણાં વરસ ચાકરી કરી. પણ ન કલ્લુએ કદી એને પ્રેમથી બોલાવ્યો કે ન કદી હેતથી હાથ ફેરવ્યો. ક્લ્લુને તો એક જ આવડત : દે ધનાધન ડફણાં! દે ધનાધન ડફણાં!

    આખરે ગંગુ થાકી ગયો. કંટાળી ગયો. કલ્લુ કુંભારની ગુલામી છોડીને આઝાદ બનવાનું એણે નક્કી કર્યું. એ તો ગામ છોડીને, પાદર છોડીને, સીમ છોડીને નાઠો. પહોંચી ગયો દૂરદૂરના વનમાં. અહીં નહોતા ખેડૂત ને નહોતા કુંભાર; નહોતા કડિયા ને નહોતા કારીગર.... નાખી નજર પહોંચે ત્યાં સુધી બસ, ઘાસ અને ફૂલ અને છોડ અને વેલા અને ઝાડ....

    અરે, કેટલાંય ફળ તો એટલાં નીચાં કે ગંગુડો જરાક ગરદન ઊંચી કરે ત્યાં ફળોના ઢગલા મોંમાં!

    અને ઘાસ તે કેવું?

    જાણે લીલાછમ રોટલાની જાજમ પાથરી હોય! અને એ રોટલા પણ કેવા? જાણે માખણનું મોણ નાખીને મધ વડે બનાવ્યા હોય!

    અને રોટલા પર અહીંતહીં અથાણું ચોપડ્યું હોય એમ ઘાસની વચ્ચે જાતજાતનાં ને રંગરંગનાં ફૂલ ઊગેલાં.

    ગંગુ ગધેડો તો ઉકરડો ચરનારો જીવ હતો. આટલું બધું ઘાસ ભાળીને ખુશખુશાલ બની ગયો. મઝાથી ઘાસ ચરવા લાગ્યો. ખૂબ ખાધું, પછી ખૂબ આળોટ્યો, પછી ખૂબ આરામ કર્યો, પછી પાછું ખૂબ ખાધું....

    આમ ને આમ દસ-વીસ-ત્રીસ દહાડા થઈ ગયા. ગંગુ ગધેડો તો ખાઈપીને અલમસ્ત બની ગયો. અહીં તો ન ડફણાં, ન માટી-ખાણ ન કલ્લુ કુંભારની ગાળો, ન ઉકરડાનાં ચરાણ. ગંગુને તો જાણે નાનું સરખું રાજ મળી ગયું.

    અને ત્યારે જ એની કસોટી શરૂ થઈ.

    એક દહાડાની વાત છે. ગંગુ તો લહેરથી કૂણું મીઠું ઘાસ ચરે છે ત્યાં એકાએક એને કાને કોઈકનો અવાજ આવ્યો. અબે. “અબે, કોણ છે તું? ક્યાંથી આવ્યો? મારા વનમાં મારી મંજૂરી વગર કેમ ફરે છે?”

    ગંગુ તો ચમકી ગયો. એણે ઊંચું જોયું અને એનાં મોતિયાં મરી ગયાં. સામે સિંહ ઊભો હતો! એ તો વનનો રાજા! ઘોડા-ગધેડકાને તો એક જ થપાટે મારીને ઢાળી દે.

    ડરેલો ગંગુ થથરવા લાગ્યો. ધ્રુજવા લાગ્યો, અને એના ગળામાંથી મરણચીસ નીકળી ગઈ : હોં...ઓ...ઓ... ચી...હોં...ઓ...ઓ...ચી...હોં...ઓ...ઓ...ચી... હોં...ઓ...ઓ...ચી...

    હવે વાત એવી હતી કે સિંહભાઈએ બિચારાએ ગધેડો કદી જોયેલો નહિ. ગધેડાનો અવાજ સાંભળેલો નહિ. ગંગુના બુલંદ હોંચી-હોંચીને સિંહના કાન જાણે ફાડી નાખ્યા. સિંહને એવુંય લાગ્યું જાણે આસપાસની ધરતી ચકર-ચકર ફરતી હોય અને ડુંગરા જાણે ડોલતા હોય. એટલે, એ જ ઘડીએ એક સાથે બે વાતો બની. ડરી ગયેલો સિંહ આંખો મીંચીને એક બાજુ ભાગ્યો અને ડરી ગયેલો ગધેડો બીજી બાજુ ભાગ્યો! ગધેડો તો થોડુંક દોડીને થાકી ગયો અને ભફ્ફાંગ લઈને ઘાસમાં પછડાયો અને હાંફવા લાગ્યો.

    આ બાજુ સિંહ તો ઊંધમૂંધ ભાગ્યો જ જાય છે, ભાગ્યો જ જાય છે. કોણ જાણે કેટલા જોજન દૂર નીકળી ગયો. પછી હાંફતો-હાંફતો ઊભો રહ્યો.

    બરાબર એ જ વખતે એક વરુ એની સામેથી નીકળ્યો. વરુએ તો હાંફતો અને ધ્રૂજતો અને પરસેવે નહાતો સિહં પહેલી વાર જોયો. એને નવાઈ લાગી. એણે પૂછ્યું. “વનરાજ! આ શું? વનના રાજા થઈને તમે આમ ડરી ગયેલા કેમ લાગો છો?”

    સિંહ કહે : “ભાઈ! ડરવું પડે એવો મામલો છે. ભાગવું પડે એવો ભય છે. દૂર પેલા ઉગમણા મેદાનમાં એક અજાયબ પ્રાણી રહે છે. એ આમ તો ઘાસ ચરે છે અને પાણીથી પેટ ભરે છે. પણ એનો અવાજ! એની ત્રાડ! બાપ રે! બાપ રે! બાપ રે! એ ત્રાડ પાડે છે ત્યારે ધરતી ધ્રૂજે છે અને ડુંગરા ડોલે છે!”

    વરુ કહે, “મહારાજ! તમે નાહકના ડરી ગયા લાગો છો. શાસ્ત્રમાં કહ્યું છે કે ઘાસખાઉ જીવો બીજા બધા શિકારી જીવોના ખોરાક તરીકે સર્જાણા છે. તમે વનના રાજા થઈને ઘાસખાઉથી કાં ગભરાણા?”

    સિંહ કહે, “ભાઈ વરુ! આટલે છેટે ઊભો-ઊભો તું બણગાં ફૂંકે તે શા કામનાં! જરાક એ જોરાવર જીવને નિહાળી જો. એની ગર્જના સાંભળી જો. પછી વાયડી વાતો કરજે...”

    વરુ કહે, “ભલે, મને બતાવો ને તમારો એ જોરાવર જીવ! જરા જોઉં તો ખરો કે એક ઘાસખાઉ જાનવર એવું જોરાવર શાથી થયું!”

    એટલે સિંહે તો પોતાનો પરસેવો લૂછ્યો. જીવ મક્કમ કર્યો, વરુની સાથે એ પાછો વળ્યો. જરાક દૂરની એક ટેકરી ઉપર ઊભાં રહીને એણે ઘાસના મેદાનમાં નજર કરી.

    એણે જોયું કે ગંગુ ગધેડો તો અત્યારે બેધડક રીતે ઘાસ ખાય છે ને મઝા કરે છે. એણે વરુને કહ્યું, “જો વરુ! પેલો રહ્યો એ જોરાવર જીવ. એની ત્રાડ સાંભળીને ઝાડ ધ્રજે છે!”

     પણ વરુ તો એકદમ હસવા લાગ્યો. ખડખડાટ હસવા લાગ્યો. એને આમ હસતો જોઈને સિંહ તો સાવ ખસિયાણો પડી ગયો.

    ઘણી વારે માંડમાંડ હસવું ખાળીને વરુ કહે : “અરે, વનરાજ! તમે તો અજબ છો હો! આવડા મોટા થયા તોય બધાં પ્રાણીઓને ઓળખતા નથી! અરે, આ તો ગધેડો છે, ગધેડો!”

    સિંહ કહે : “એ ગધેડો હોય કે બધેડો, એનો અવાજ કેટલો જબરદસ્ત છે! અને જેનો અવાજ આટલો ખતરનાક હોય એનામાં કેટલું બધું બળ હશે!”

    વરુ કહે, “તમે ભૂલો છો, મહારાજ. આ તો સાવક પોચટ અને બીકણ પ્રાણી છે. એ માનવીના જાતજાતના બોજ વહેવાનું કામ કરે છે. એને લડતાં તો આવડતું જ નથી. હું ધારું તો એક જ ઘડીમાં એના રામ રમાડી દઉં! ફુરચા ઉડાડી દઉં.”

    સિંહ કહે, “ભાઈ, કાં તો તું ખોટું બોલે છે અને કાં તો મારી મશ્કરી કરે છે. પણ તારી વાત તું જાણે. તારે એને મારવું હોય તો માર, પણ હું હવે, એની નજીક પણ નહિ જાઉં.”

    વરુ કહે, “  નહિ, વનરાજ તમે અહીં જ ઊભા રહો અને એ ગધેડાની હું કેવી વલે કરું છું એ જુઓ.”

    એટલે સિંહ ઊંચી ટેકરી પર ઊભો રહ્યો અને વરુ પેલા ઘાસના મેદાનમાં ઊતર્યો. જઈને એણે ખોંખારો ખાધો. પણ ગંગુ ગધેડો તો ખાવામાં મશગૂલ હતો. એણે વરુ સામે જોયું સુધ્ધાં નહિ. એટલે વરુને જરાક ડર લાગ્યો. અરે, જે મારા જેવા ખૂંખાર પ્રાણીની સામે જોવાનીય દરકાર નથી કરતો એ ગધેડો જોરાવર તો હોવો જ જોઈ.

    છતાં એણે હિંમત કરી. ગંગુની નજીક જઈને ઘુરકિયું કર્યું. હવે ગંગુએ ઊંચું જોયું ત્યાં તો સામે વરુ ઊભેલું. એને નવાઈ લાગી. અરે, આજે વનના જીવોને શું થઈ ગયું છે! મારા પર એમને શું વેર છે? પહેલાં પેલો સિંહડો દેખાયો હતો, હવે આ વરુડો આવ્યો!

    એણે નમ્રતાથી કહ્યું, “નમસ્તે, વરુભાઈ! આ ઘાસના મેદાનમાં તમે ક્યાંથી આવ્યા?”

    વરુએ દાંત કચડીને કહ્યું, “તને ખાવા માટે, માળા ગધેડા! તારું ગામ છોડીને અહીં વનમાં કેમ આવ્યો છે?”

    ગંગુ કહે, “ભાઈ, ગામમાં તો મુસીબતનો પાર નથી. કલ્લુ આખો દિવસ કામ કરાવે અને ખાવા માટે ઉકરડો! એને બદલે અહીં હરિયાળા મેદાનમાં ચરીએ છીએ ને મજા કરીએ છીએ.”

    વરુ કહે, “બસ, હવે તારી મજા પૂરી થઈ. હવે હું તને ખાઈશ.”

    ગંગુ તો ક્યારનોય સમજી ગયો હતો કે આ ભાઈ મને ખાવા માટે આવ્યા છે. પરંતુ પડશે એવા દેવાશે, એમ માનીને ગંગુ વરુની ચાલ જોતો હતો.

    હવે વરુએ પોત પ્રકાશ્યું એટલે એ બોલ્યો, “અહો, તમે મને ખાશો, એમ ને? બરાબર છે, બરાબર છે! સદીઓથી વરુઓ તો ગધેડાઓને ખાતા જ રહ્યા છે ને! તમે મને જરૂર ખાવ. પણ મને મરતાં-મરતાં એક વસવસો રહી જાશે.”

    વરુને નવાઈ લાગી, આ માળો ગધેડો વસવસાની ને એવીએવી શી વાત કરવા લાગ્યો? મરતાં પહેલાં વળી વસવસો શાનો?

    ગંગુ આગળ બોલ્યો, “મારા વહાલા વરુભાઈ! વસવસો મને મારે ખાતર નહિ પણ તમારે ખાતર થશે.”

    “હેં...? મારે ખાતર તને શાનો વસવસો, ભાઈ?”

    ગંગુ કહે, “વાત એમ છે કે હું કોઈ સાધારણ ગધેડો નથી. હું તો સવારીનો ગધેડો છું. મારો માલિક કલ્લુ કુંભાર દરરોજ મારી પીઠ ઉપર સવારી કરતો, અને હું ને જાતજાતની ચાલ ચાલીને આનંદ કરાવતો.”

    વરુ કહે, “અલ્યા, ચાલ એટલે ચાલ, એમાં વળી જાતજાતની ચાલ શાની?”

    ગંગુ કહે, “ત્યારે તમારી વનવાસીઓની આ જ મુશ્કેલી છે ને! તમે લોકો સાવ જંગલી કહેવાઓ. જુઓ, હું કુલ પાંચ જાતની ચાલ જાણું છું. રેવાલ ચાલ, ચક્કર ચાલ, દેડક ચાલ, ઊંટ ચાલ અને ઝડપ ચાલ. તમે મારી પીઠ પર બેસી જાવ ને હું આ દરેક જાતની ચાલ ચાલી બતાવું. અરે, તમને મોજ કરાવું, રાજ્જા! પછી તમતમારે નિરાંતે મને આરોગી જજો ને!”

    હવે વરુને લોભ લાગ્યો. એ બોલ્યો, “અબે ગધા! ધારો કે અત્યારે હું તને મારી ન નાખું અને જીવતો રાખું તો તું મને તારી પીઠ પર બેસાડીને ફેરવે એમ?”

    ગંગુ કહે, “એમ જ, મારા રાજ્જા! એમ જ! હવે તમે બરાબર સમજી ગયા. બોલો હમણાં જ સવારીની મોજ માણવી છે?”

    વરુ કહે, “સારા કામમાં ઢીલ શી! ચાલ, અત્યારે જ ગધા-સવારી હો જાયે! સાંભળ, હમણાં તેં જે જાતજાતની ચાલ ગણાવી ને, એ બધી જ ચાલ બતાવવી પડશે હોં.”

    ગંગુ કહે, “તમે ચિંતા ન કરો, મહારાજ! અરે, એવી તો ચાલ બતાવીશ, એવી બતાવીશ કે તમે મરતાં-મરતાંય યાદ કરશો.”

    એટલે વરુએ તો મારી છલાંગ. એ ગંગુ ગધેડાની પીઠ ઉપર ચડી ગયો એટલે ગંગુએ તબડક... તબડક... એમ એકધારી ઝડપે દોડવા માંડ્યું. એ વેળા એની ચાલ એટલી સરખી અને આસાન હતી કે વરુના પેટનું પાણીય ન હલે. થોડીક વાર આ રીતે દોડીને ગંગુડો બોલ્યો, “વરુ રાજ્જા! આ હતી રેવાલ ચાલ.”

    એ પછી તરત જ એણે એક ઝાડના થડ ફરતે ગોળગોળ દોડવા માંડ્યું. ખૂબ ઝડપથી દોડ્યો. એની પીઠે બેઠેલા વરુની તો આંખો ચકરાવા લાગી. એણે બૂમ પાડી, “ગંગુ! બંધ કર! આ ચાલ બંધ કર. હું પડી જઈશ!”

    ગંગુ કહે, “ભલે રાજ્જા! પણ આ હતી ચક્કર ચાલ. હવે દેડક ચાલ બતાવું? ઊંટ ચાલ બતાવું?”

    વરુ કહે, “એ ચાલમાં શી ખાસિયત હોય?”

    ગંગુ કહે, “દેડક ચાલમાં અમે દેડકાની જેમ આગળ કૂદકા ભરીને ચાલીએ. ઊંટ ચાલમાં ઊંચા-નીચા થતા ચાલીએ. પણ હવે તમને મારી છેલ્લી ચાલ જ બતાવી દઉં. એ છે ઝડપ ચાલ. આ ચાલમાં હું પવનની ઝડપે દોડીશ. એક ઘડીમાં એક જોજન ચાલી નાખીશ. એ ઝડપ જોઈને તમે તો ડઘાઈ જ જશો. માટે મારી પીઠે ચપોચપ બેસી રહેજો, અને આંખો બંધ કરી દેજો. જો આંખો ઉઘાડશો તો એટલો જોરદાર પવન લાગશે કે ઈજા થઈ જશે. ચાલો, તૈયાર?”

    વરુ તો ગંગુની પીઠે ચપોચપ બેસી ગયો. આંખો મીંચી દીધી. પછી બોલ્યો, “તૈયાર! હવે બતાવો ઝડપ ચાલ.

    ગંગુ ખરેખર ઝડપથી દોડ્યો. હતું એટલું બધુંય જોર કાઢીને દોડ્યો. હવે ગામ અને ગામનાં ખેતર નજીક હતાં.

    થોડી વારમાં જુવારનું એક ખેતર દેખાયું. અહીં ઘણા ખેડૂતો હાથમાં દાતરડાં લઈને જુવારનાં ડૂંડાં લણતા હતા. ગંગુને આવા જ કોઈક ખેતરની ખોજ હતી. એણે તો જુવારના આ ખેતર વચ્ચે થઈને દોટ મૂકી. જુવાર લણતા બધા ખેડૂતો આ નવી નવાઈનો દેખાવ જોઈ રહ્યા. ગધેડાની પીઠ પર વરુ બેઠો છે અને આંખો મીંચીને બેઠો છે! એ ખંધા પ્રાણી ઉપર તો દરેક ખેડૂતને ખૂબ ખાર હોય છે. એ બધા તો દાતરડાં લઈને દોડ્યા.

    ગંગુડો પણ એમની સામે દોડ્યો. જઈને માળો ખેડૂતોની વચ્ચે ઊભો રહી ગયો. એણે બૂમ પાડી : “વરુભાઈ જાગો! હવે તમારે બધી ચાલ પૂરી થઈ ગઈ!”

    વરુએ આંખો ઉઘાડી અને એણે શું જોયું? પોતાની આસપાસ વીસ-પચીસ ખેડૂતો દાતરડાં ઉગામીને ઊભા છે! એણે નાસવાની કોશિશ તો કરી, પણ આટલા બધા માણસોના ઘેરામાંથી એ જાય તો ક્યાં જાય? કેટલેક જાય? આંખના પલકારા જેટલી વારમાં તો દાતરડાં વીંઝાવા લાગ્યાં : ખચ્ચાક! ખચ્ચાક!

    ત્યારે બાજુમાં ઊભેલો ગંગુ ગધેડો કહે, “કેમ વરુ રાજ્જા! મેં કહ્યું હતું કે તમને ચાલ એવી બતાવીશ કે તમે યાદ કરશો! મારી વાત ખરી પડી ને?”

    આખરે વરુ માંડ જીવ બચાવીને ભાગ્યો.

    આ... એ દિવસથી ગામ આખામાં ગંગુ ગધેડાનાં માન ખૂબ વધી ગયું. ગધેડાઓની જાતે તો એનું જાહેર સન્માન કર્યું અને હારતોરા પહેરાવ્યા અને બધાય ગધેડાઓએ પોકાર કર્યો : ગંગુ ગધેડાની... જે! ગંગુ ગધેડાની...જે! ગંગુ ગધેડાની... જે!

સ્રોત

  • પુસ્તક : યશવન્ત મહેતાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2024