Come On, Charlie - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કમ ઑન, ચાર્લી

Come On, Charlie

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
કમ ઑન, ચાર્લી
ઉદયન ઠક્કર

    દિવાળીના શુભ તહેવારો આવ્યા એટલે શાળાઓમાં રજા પડી. બાળકોને તો જે દહાડે શાળામાં રજા હોય તે દહાડો તહેવાર જેવો જ લાગે. છોકરાંઓને જેમ મોસાળ વહાલું અને સ્ત્રીને વહાલું પિયર, તેમ મુંબઈગરા માણસોને માથેરાન-મહાબળેશ્વર વહાલાં. રાજ ખાંડવાળાનું કુટુંબ પણ રજા પડતાં જ મહાબળેશ્વર પહોંચી ગયું.

    લેક પાસે, બજારમાં, આર્થર સીટ, કેટ્સ પૉઇન્ટ – જ્યાં જાઓ ત્યાં માણસો જ માણસો! આ તે મહાબળેશ્વર કે મહાભૂલેશ્વર? ખાંડવાળો રહેતો હતો એ હોટેલમાં એક બપોરે ડુગડુગી વાગી ઊઠી :

          ડુગ ડુગ ડુગ

          આઇયે સાહેબાન

          દેખિયે કદરદાન

          ડુગ ડુગ ડુગ

    કોક જાદુગરે ખેલ ચાલુ કર્યો. સહેલાણીઓ તો રંગમાં આવી ગયા. આજુબાજુ વીંટળાઈને તમાશો જોવા લાગ્યા.

    “યે દેખો, ભાઈયોં ઔર બહેનોં, મેરે પાસ દો કબૂતર હૈં,” કહીને જાદુગરે બે સફેદ કબૂતર કાઢ્યાં. “દો કબૂતર, ચાર પંખ. એક, દો, તીન, ચાર. અંગ્રેજીમાં કહેતા હૈ વન, ટુ, થ્રી, ફોર. મદ્રાસીમેં બોલતા હૈ ઓંડુ ઈરાંડુ, મૂંડુ, નાંગુ, ફ્રેંચમેં બોલતા હૈ અં, ડ, ટ્રઅ, કાટ્ર. સંસ્કૃતમેં પઢાતા હૈ પ્રથમમ્, દ્વિતીયમ્, તૃતીયમ્, ચતુર્થમ્, કચ્છીમેં હૈ હકડો, બ, ત્રે, ચાર. યે કબૂતર કોઈ ઐસાવૈસા પંછી નહીં. પિછલે સાલ મૈં જબ ઈરાન ગયા થા તબ શાહ ઑફ ઈરાનને ખુદ મેરેકુ ભેટ દિયા થા…”

    રાજ ખાંડવાળાથી બોલી દેવાયું, “શું ટાઢા પહોરની હાંકતા હૈ, જાદુગર. ઈરાનનો શાહ તો દસેક વર્ષ પહેલાં જ મરી ગયા થા.”

    “કૌન બોલા વો છોકરા? ઇધર આઓ, કમ ઑન...” જાદુગર વીફર્યો. રાજ ખાંડવાળા જાદુગરની સામે આવ્યો.

    “ભાઈલોગ, ટોકરીમેં યે દો પંછી મૈં રખતા હૂં. ચાર્લી ઍન્ડ જ્હોની. ધોંડિયા ઍન્ડ પાંડિયા.” જાદુગરે સૌની સામે બે કબૂતર ટોપલીમાં મૂક્યાં. “અભી દેખના બચ્ચા જંબૂરા, મૈં યે ટોકરી તુમ્હારે સર પે રખતા હૂં,” કહીને જાદુગરે ટોપલી સીધેસીધી ખાંડવાળાને માથે ચડાવી દીધી. હાથમાં પકડાવી દીધો એક દંડૂકો.

    “અભી ચલો જંબૂરે, ગોલ ગોલ ચક્કર લગાઓ.”

    રાજ ખાંડવાળાને જબરદસ્ત મદારીના છોકરાની જેમ કૂંડાળું ફરવું પડ્યું. “અભી કમર પર હાથ રખો ઔર બોલો : “આહ... હાં...” અડધો શરમથી, અડધો ગુસ્સામાં, ખાંડવાળો બોલ્યો, “આહ... હાં....”

    “અભી બચ્ચા, ટોકરી હમકો લૌટા દો.” જાદુગરે ટોપલી સફાઈથી ખોલી નાખી, ને બોલ્યો : “કમ ઑન, ચાર્લી!” અંદરથી ફક્ત એક જ કબૂતર નીકળ્યું. ટોપલી સૌને બતાવી. “દેખો ભાઈ દેખો, હમારા ચાર્લી ગુલ હો ગયા. બચ્ચા, હમારા દૂસરા કબૂતર કહાં રખ દિયા? વાપસ કર દો.”

    ખાંડવાળો ખસિયાણો પડી ગયો અને તાળીઓની તડેડાટી બોલી ગઈ. હવે રાજને ચડ્યો ગુસ્સો. તેણે મનોમન વિચાર્યું, આ જાદુગરે મને ચાટ પાડી દીધો. હું પણ જો એનો ખેલ ખતમ કરું છું.

    ત્યાં તો જાદુગરે એક પ્રેક્ષક પાસેથી સફરજન માગી લીધું. જાદુગરના મદદનીશ પોરિયાએ છૂપી રીતે સફરજનમાં પાડ્યું કાણું. પછી જાદુગરે કોઈ શેઠાણીની વીંટી માગી. પાછલા હાથે સરકાવી દીધી પોરિયાને. પોરિયો હતો હોશિયાર. કોઈ ન જુએ તેમ વીંટી ઘુસાડી દીધી સફરજનના ઝીણા કાણામાં. પણ ખાંડવાળાએ આ બધું જોઈ લીધું.

    ખેલમાંથી આઘોપાછો થઈ જઈને ખાંડવાળો ગયો રસોડામાં, ને લઈ આવ્યો સફરજન. જાદુગરના પોરિયા સાથે ગપ્પાં મારતાં મારતાં સિફતથી સફરજનની અદલાબદલી કરી નાખી.

    પછી તો જો થઈ છે! જાદુગરે ઘાંટો પાડ્યો, “સાહેબાન, કદરદાન, શેઠાણી કી અંગૂઠી મેરે હાથોંમેં નહીં હૈ” શેઠાણી ગભરાયાં. જાદુગર કહે, “ધબડાના નહીં શેઠાણીજી. સફરજન ખાઓ. સફરજન કાટનેસે તુમ્હારી અંગૂઠી ઉસીમેં સે નિકલેગી. કાલી કલકત્તેવાલી, ભીમ કે ધરમે કી સાલી, તેરા બચન ન જાયે ખાલી!”

    શેઠાણી સફરજનને કાપવા માંડ્યાં. વીંટી ક્યાંથી નીકળે? અંદરથી નીકળ્યાં બી અને ઠળિયા.

    ખાંડવાળાએ હસતાં હસતાં જાદુગર તરફ હાથ લંબાવ્યો. “એ ભાઈ ભીમના સાળા, કાળા કલકત્તાવાળા, આ વીંટી તમારી તો નથી ને?”

    જાદુગરને કાપો, તો લોહી ન નીકળે!

    પણ જાદુગરે બાજી સંભાળી લીધી. એક લોટો લીધો. તેમાંનું બધું પાણી ઢોળી નાખ્યું. લોટો ઊંધો કરીને સૌને બતાવ્યો. ખાલી હતો. ફરી વાર ઊંધો કર્યો. જાદુ! ખાલી લોટામાંથી પાણી વહેવા માંડ્યું. ધીમે ધીમે બધું પાણી ઢોળી નાખ્યું. પાછું બધાંને ખાલી તળિયું દેખાડ્યું. “વૉટર ઑફ ઇન્ડિયા” કહીને જાદુગર ઝૂક્યો, સલામ કરી. બધાએ વાહ-વાહના પોકાર કર્યા. ત્યાં તો ખાંડવાળો આગળ વધ્યો. લોટો ઊંચક્યો. બોલ્યો, “કમ ઑન, ચાર્લી!” અને લોટો ઊંધો કર્યો. ખાલી લોટામાંથી ફરી ધડ ધડ, ધડ પાણી વહેવા લાગ્યું. જોવાવાળા છક્ક થઈ ગયા. એક સરદારજી કહેવા લાગ્યો, “કાકા, તેરા જવાબ નહીં.”

    ખાંડવાળાને ખબર હતી કે લોટામાં ચાંપ છે. ચાંપ દબાવવાથી તળિયું ખસી જાય છે ને નીચે બીજા તળિયામાં રહેલું પાણી પડવા માંડે છે. એટલે એણે જાદુગરની પોલ ખોલી નાખી.

    જાદુગરના ગુસ્સાનો પાર રહ્યો નહીં. હવે તેની છેલ્લી આઇટમ આવી. આ તેની સૌથી વધુ મશહૂર આઇટમ હતી. તમારે મનગમતા ફૂલોનો વિચાર કરવાનો. પછી હાથ ઘસવાના ને સૂંઘવાના. તો તમારા હાથથી એ જ ફૂલની સુગંધ આવે! બ્લૅક મૅજિક? મેલી વિદ્યા?

    પણ વાતમાં કંઈ માલ નહોતો. ખેલ અર્ધોક કલાકથી ચાલતો હતો. તે દરમિયાન જોવાવાળા પાસેથી જાદુગર ક્યારેક રૂમાલ માગતો હતો, ક્યારેક ફળ તો ક્યારેક વળી પકડવા માટે ટોપલી આપતો હતો... આ બધી લેવડદેવડમાં છૂપી રીતે જોવાવાવાળાઓના હાથે અત્તર ચોપડતો રહેતો હતો. ખાંડવાળાને આ રીતે અત્તર ચોડ્યું ત્યારે જ ચેતી ગયો હતો અને સૂંધ્યું હતું. પંચગુણી અત્તરની સુગંધ હતી. તેમાં ગુલાબની પણ સુગંધ વરતાય, ચમેલીની પણ ખરી ને કેવડાનીય ખરી...

    એટલે ટીખળી ખાંડવાળાએ તો પ્રાઇમસમાંથી થોડુંક ઘાસલેટ કાઢ્યું અને કેટલાક જોવાવાળાઓના હાથે ચૂપચાપ ચોપડી દીધું. જાદુગરે પોકાર્યું : “કમ ઑન, ચાર્લી! મહેરબાન શેઠિયાઓ, તમારા હાથ સૂંઘો ને ક્યા ફૂલની ખુશબો આવે છે તે બોલો...”

    મહેરબાન શેઠિયાઓ બોલ્યા કે, “અરરર... વાસ તો ગુલાબની નહીં, ઘાસલેટની આવે છે...”

    બસ, જાદુગરનો ખેલ ખતમ થઈ ગયો. રાજે ભાઈબંધોને કહ્યું : “હું કોણ? હું રાજ ખાંડવાળા! ભલભલા જાદુગરોને ભૂ પીતા કરી દઉં.”

    તમને કદાચ મારી વાત પર શંકા જશે. તમે પૂછશો કે મહાબળેશ્વરના આ જાદુના તમાશામાં શું શું થયું એ બધું મને ક્યાંથી ખબર? અચ્છા બાબા, મારી ન માનતા હો તો બારીએ બેઠેલા પેલા કબૂતરને પૂછો. એ સાક્ષી છે. શું કહ્યું? કબૂતરને રાજ ખાંડવાળાની વાતો કેમ ખબર પડે? અરે ભઈલા, આ કબૂતર પોતે જ તો રાજ ખાંડવાળા છે! ક્રોધથી ધૂંઆપૂંઆ થયેલા પેલા જાદુગરે વેરની વસૂલાત કરવા, ખેલ પત્યા પછી તરત જ રાજ ખાંડવાળાને કબૂતર બનાવી દીધો!!

    હવે તો ખાંડવાળો મારી-તમારી બારીએ બેસે છે ને ગુટર-ગૂં કરે છે.

સ્રોત

  • પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : સાંકળચંદ પટેલ
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012