રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતો ગધેડો. આખો દિવસ આમથી તેમ રખડતો રહેતો. નહિ કોઈ ધોબીનો નોકર કે નહિ કોઈ કુંભારનો ગુલામ. જ્યાં મન થાય ત્યાં રોકટોક વિના ચાલ્યો જાય. તેના પર હુકમ કરવાવાળું કોઈ નહોતું. આખો દિવસ પોતાની મસ્તીમાં ફર્યા કરતો.
ગધેડો શહેરમાં હંમેશાં પોતાને વિશે માણસોના મોઢેથી ઘણી વાતો સાંભળતો! એને ખબર પડી ગઈ હતી કે માણસો તેને ખૂબ જ મૂર્ખ અને નકામો માને છે. લોકોની નજરમાં ગધેડાથી ઊતરતી કક્ષાનો જીવ બીજો કોઈ નથી. માણસ મૂર્ખાઈભર્યું કામ કરે તો તરત તેને ‘ગધેડો’ કહી દેવામાં આવે છે.
ગધેડો હંમેશાં વિચાર કરતો કે અમારામાં એવી કઈ ખામી છે કે જેથી બધા માણસો નફરત અને ધિક્કારથી અમારી સામે જુએ છે?
એક દિવસ ગધેડો બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક માણસ હાથમાં છાપું લઈ વાંચતો હતો. એ પહેલાં પણ ગધેડો છાપામાં કેટલાક ફોટા જોઈ ચૂક્યો હતો. એણે લોકોના મોઢે સાંભળ્યું હતું કે જે માણસ સારાં કામ કરે છે તેને ઇજ્જત મળે છે અને છાપામાં તેનો ફોટો આવે છે. આવા એક માણસનો ફોટો છાપામાં જોઈ તેણે તરત જ નક્કી કર્યું કે હું પણ સારાં કામ કરીશ. જેથી મારો ફોટો પણ છાપામાં આવે. આમ કરવાથી મારા નાતભાઈઓને પણ ઇજ્જત મળશે અને ગધેડાને કોઈ મૂર્ખ કહેશે નહિ.
શહેરમાં આંટો મારતાં-મારતાં સારાં કાર્યો કોને કહેવાય એ વિચારવા માંડ્યો.
એક જગ્યાએ એણે જોયું કે એક બગીચાની બહાર નાનકડો છોકરો રડતો હતો. કદાચ તે પોતાનાં માતાપિતાથી છૂટો પડી ગયો હતો. ગધેડાએ મનમાં વિચાર્યું કે આ છોકરાને છાનો રાખવો જોઈએ. તેથી તે છોકરાની એકદમ નજીક ગયો. છોકરો ગધેડાને નજીક આવતો જોઈ વધારે રડવા લાગ્યો. છોકરાને બીક લાગવા લાગી તેથી તે ભાગવા લાગ્યો. ગધેડાએ વિચાર્યું કે માંડમાંડ કોઈને મદદ કરવાનો મોકો મળ્યો છે, અને એ મોકો હાથથી ગુમાવવો ન જોઈએ. તેથી તે પણ છોકરાને છાનો રાખવા તેની પાછળ દોડ્યો.
આથી છોકરાને વધારે બીક લાગી. બસ પછી તો આગળ રડતો છોકરો અને પાછળ દયાળુ ગધેડો. માણસોએ જોયું કે એક ગધેડો છોકરાની પાછળ પડ્યો છે, જેથી તેની સહાયતા માટે દોડી આવ્યા. કોઈએ લાકડી લીધી તો કોઈએ ખાસડાં. બધાંએ ગધેડાને મારવાનું શરૂ કર્યું. બિચારો ગધેડો વિચાર કરવા લાગ્યો કે આખરે મારો દોષ શો છે? પણ એણે સારાં કામ કરવાનું નક્કી કર્યું હતું એટલે વળી બીજા કોઈ સારા કામની શોધમાં આગળ વધ્યો.
થોડુંક આગળ ચાલ્યા પછી એણે એક ઘર જોયું. ઘરના માલિકને દૂરથી આવતો જોઈ એનો પાળેલો કૂતરો પૂંછડી પટપટાવવા માંડ્યો એ પણ તેણે જોયું. માલિક ઘર પાસે પહોંચતાં કૂતરાએ આગળના બે પગ ઊંચા કરી પૂંછડી પટપટાવી. માલિક પણ તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો. ગધેડાએ વિચાર્યું કે પ્રેમ મેળવવાનો આ પણ એક રસ્તો લાગે છે. હું પણ શા માટે આ રીતે માણસનો પ્રેમ ન મેળવું? આમ વિચારતા તેણે દોટ મૂકી. ઘરનો માલિક ગધેડાને પોતાના તરફ દોડતો આવતો જોઈને ગભરાઈ ગયો. ગધેડાએ નજીક આવી પોતાના આગળના પગ ઊંચા કરી પેલા માલિકના ખભે નાખ્યા. માલિક ગધેડાનો ભાર ન ઝીલી શક્યો અને નીચે પડી ગયો. ઊઠતાં જ તેણે ગધેડાને ખૂબ માર માર્યો. બિચારા ગધેડાને ફરી વાર ન સમજાયું કે પોતાનો દોષ શો હતો?
થોડી વાર રસ્તા પર આમતેમ ભટક્યા પછી ગધેડાએ એક જગ્યાએ જોયું કે સામેથી તેજ ગતિથી એક મોટર આવતી હતી અને એ જ વખતે એક વિદ્યાર્થી રસ્તો ઓળંગતો હતો. વિદ્યાર્થી પોતાને બચાવી ન શક્યો અને મોટર નીચે આવી ગયો. લોકો ત્યાં ભેગાં થઈ ગયાં. ગધેડાએ વિચાર્યું કે આવે વખતે વિદ્યાર્થીને મદદ કરવી જોઈએ. વિદ્યાર્થીની ચારેબાજુ લોકો ભેગાં થઈ ગયાં હતાં. તેથી તેની નજીક પહોંચવાનું તો ઠીક પણ તેને જોવા પણ જઈ શકાય તેમ નહોતું. ગધેડાએ વિચાર્યું કે પહેલાં તો લોકોને અહીંથી દૂર કરુ. તેણે પોતાના જૂના હથિયારનો ઉપયોગ કર્યો. તે પોતાના પાછળના પગથી લાત મારીમારીને લોકોને દૂર કરવા લાગ્યો. લોકો તો પહેલેથી મૂંઝાઈ જ ગયા હતા. ઉપરથી આ ગધેડો વચ્ચે પડ્યો. તેથી ગુસ્સે થઈને લોકોએ ગધેડાને મારવાનું શરૂ કર્યું. આ વખતે તો ગધેડો અધમૂઓ જ થઈ ગયો.
લોકોનો માર ખાધા પછી ગધેડો પોતાની હાલત પર અફસોસ કરવા લાગ્યો. તેને આશ્ચર્ય થતું હતું કે લોકો એની વાત કેમ સમજતા નથી? આખો દિવસ ભટક્યા પછીયે એક પણ સારું કામ તે કરી શક્યો નહોતો.
એને થયું : હવે છાપામાં તેનો ફોટો કેવી રીતે છપાશે?
સ્રોત
- પુસ્તક : હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સર્જક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014