
એક ફૂલછોડ. છોડ પર સરસ મજાનાં રંગીન અને સુગંધીગાર ફૂલો. ફૂલોની સુગંધથી આકર્ષાઈને પતંગિયાઓ, ભમરાઓ એ ફૂલોની આસપાસ મંડરાવા લાગ્યા. ને ફૂલો પર બેસવા લાગ્યા. વળી ફૂલોની સુવાસથી આકર્ષાઈને મનુષ્યો પણ આવવા લાગ્યા. વળી એ ફૂલોને ચૂંટીચૂંટીને લઈ જવા લાગ્યા. સ્ત્રીઓ પણ એ ફૂલોને ચૂંટીચૂંટીને વેણી બનાવી, ગજરા બનાવી પોતાના માથા પર પહેરવા લાગી. ભક્તો એ ફૂલોનો હાર બનાવી ભગવાનને ચઢાવવા લાગ્યા. તો કેટલીક ગૃહિણીઓ એ ફૂલોના હાર બનાવી ઘરને સજાવવા લાગી. આમ ને આમ રંગીન અને સુંગંધીદાર ફૂલોનો મહિમા થવા લાગ્યો.
પોતાના ગુણગાન થતાં જોઈને તથા પોતાનું માનસન્માન થતું જોઈને એ છોડના ફૂલોને તો અભિમાન ચઢી ગયું. એ છોડના ફૂલને થયું કે અમારા વગર મંદિરોમાં ભગવાનની મૂર્તિ હાર વગરની રહી જશે. સ્ત્રીઓ શણગાર નહીં કરી શકે ને ગૃહિણીઓ ઘર સજાવી નહીં શકે. વળી અમારા વગર આ ભમરાઓ, આ પતંગિયાઓ શું કરશે? ક્યાં જશે?
અભિમાનમાં ને અભિમાનમાં એક દિવસ એ છોડના ફૂલોએ વિચાર્યું કે એક અઠવાડિયું આપણે સુગંધ વગરના થઈને ખીલવું. ને જોઈએ કે આ બધાના કેવા હાલ થાય છે? ને ફૂલોએ સુગંધ વગર ખિલવાનું શરૂ કર્યું. પહેલા દિવસે લોકો ફૂલો પાસે આવ્યા. જોયું તો ફૂલોનો રંગ તો તેનો તે જ છે, પણ સુગંધ આવતી નથી. લોકોને થયું. આમ કેમ? પતંગિયાં આવ્યાં. પતંગિયાંને પણ થયું; ફૂલો તો તેના તે જ છે. રંગ પણ તેના તે જ છે. પણ સુગંધ કેમ આવતી નથી? આમ કેમ? ને રંગીન, પણ સુગંધ વગરના ફૂલોને જોઈને ભમરાઓ, પતંગિયાં પછા વળી ગયાં. એ બધાં બીજા છોડ પરના ફૂલોને માણવા લાગ્યાં. સ્ત્રીઓ બીજા છોડ પરથી ફૂલો ચુંટવા લાગી. આ જોઈને પેલા છોડ પરનાં ફૂલો એકબીજા સામે જોઈ મરકમરક હસવા લાગ્યાં અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યાં કે આપણે બધાંને કેવાં બનાવ્યાં?
એ છોડના ફૂલોએ બીજે દિવસે પણ એમ જ કર્યું. બીજે દિવસે પણ પતંગિયાં, ભમરા, મનુષ્યો આવ્યાં ખરા, પણ, રંગીન એવા પણ સુગંધ વગરનાં ફૂલો તરફ જોયા વગર જ પાછા જતાં રહ્યાં. એ દિવસે પણ પેલાં ફૂલો મનમાં ને મનમાં હસવા લાગ્યાં ને અભિમાનથી ફૂલવા લાગ્યાં.
આમ ને આમ અઠવાડિયા સુધી એ ફૂલોએ સુગંધી વગર ખીલવા માંડ્યું ને લોકો પાછા જતા રહેવા લાગ્યાં.
નવમા દિવસે ફૂલોને થયું કે ચાલો હવે આપણે આ અખતરો બંધ કરી પહેલાની જેમ સુગંધ સાથે ખીલીએ ને વળી પાછા પતંગિયાં, ભમરા, મનુષ્યો વગેરેને આપણી બાજુ ખેંચીએ. એ ફૂલોએ ફરીથી સુગંધ સાથે ખીલવાનું શરૂં કર્યું.
પણ આઠઆઠ દિવસથી એ ફૂલોથી ભોંઠા પડીને પાછા જતા રહેલાં પતંગિયાં ને મનુષ્યો નવમે દિવસે એ ફૂલો બાજુ ફરક્યાં જ નહીં. કોઈ કહેતાં કોઈ એ બાજુ ગયું જ નહીં. દસમે દિવસે પણ એમ જ થયું. આમ થવાથી, પોતાની બાજુ મનુષ્યો કે પતંગિયાં ફરકતાં જ નથી એ જોઈને એ ફૂલો મનમાં ને મનમાં અકળાવા લાગ્યાં. કોઈ પતંગિયું ભૂલેચૂકે એ ફૂલો બાજુ ઊડવા જતું તો બીજું પતંગિયું કહેતું, ‘એ બાજુ જઈશ નહીં. એ ફૂલો રંગીન તો છે પણ, સુગંધી વગરનાં છે.’ તેથી પેલું પતંગિયું પાછું વળી જતું. મનુષ્યો તો વળી એ બાજુ જતા જ નહીં.
રોજ આમ ને આમ થતું જોઈને ફૂલો મનથી ખૂબ વ્યાકુળ વ્યાકુળ થઈ ગયું. એમને પતંગિયાં અને મનુષ્યો વગર અકળામણ થવા લાગી. એમને પોતાની ભૂલ સમજાઈ. પોતે કરેલું અભિમાન પણ એમને સમજાયું. પછી એમણે પસ્તાવો કર્યો. એક દિવસે એ ફૂલોએ વહેતા પવનમાં પોતાની સુગંધને ધારદાર કરીને ચોમેર વહેતી કરી. આથી ફરી સુગંધની જાણ થતાં પતંગિયાં, ભમરા તથા મનુષ્યો આવવા લાગ્યાં ફૂલોને ફરી પાછું ગમવા લાગ્યું. એ છોડનાં ફૂલોનું અભિમાન ઓગળી ગયું.



સ્રોત
- પુસ્તક : મીઠી મીઠી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સર્જક : વિનોદ ગાંધી
- પ્રકાશક : ખુશ્બુ પ્રકાશન
- વર્ષ : 2013