Sanju Vala Profile & Biography | RekhtaGujarati

સંજુ વાળા

જાણીતા કવિ

  • favroite
  • share

સંજુ વાળાનો પરિચય

સંજુ વાળાનો જન્મ અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે 11 જુલાઈ, 1960ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ નારણભાઈ અને માતાનું નામ રાણીમા હતું. બાઢડાની પ્રાથમિક શાળામાંથી 1976માં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સાવરકુંડલાની જે. વી. મોદી હાઈસ્કૂલમાં જોડાયા હતા. ત્યાંથી ધો.-10 વર્ષ 1977માં અને ધો-12 1979માં પૂર્ણ કર્યું હતું. તેમણે પ્રથમ વર્ષ સુધી કૉલેજનો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં 1979માં જોડાયા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદમાં કાર્યકારી સમિતિના એક સભ્ય તરીકે વર્ષ 2012થી 2014 સુધી તેમણે સેવા આપી હતી. તેમણે 'જન્મભૂમિ' અને 'ફૂલછાબ' સહિત અનેક ગુજરાતી વર્તમાનપત્રોમાં કૉલમ લખી છે. તેમની કવિતાઓ 'શબ્દસૃષ્ટિ', 'પરબ', 'સમીપે', 'એતદ્', 'પરિવેશ', 'નવનીત સમર્પણ' અને 'ગઝલવિશ્વ'માં પ્રકાશિત થઈ છે.

સંજુ વાળાએ પોતાની કારકિર્દીની શરૂઆત ગઝલલેખનથી કરી છે ત્યાર બાદ તેઓ કવિતાના અન્ય સ્વરૂપો તરફ વળ્યા હતા. તેમાં મુખ્યત્વે ગીત, ગઝલ તેમજ અછાંદસ રચનાઓ લખી છે. હરીશ મીનાશ્રુ અને મણિલાલ એચ. પટેલે સંજુ વાળાની લેખનશૈલીને નવો ચીલો પાડનારી અને સ્થાપિત શૈલીમાં અદ્યતન ગણાવીને તેમની પ્રશંસા કરી છે.

સંજુવાળાનો પ્રથમ કાવ્યસંગ્રહ 'કંઈક/કશુંક-અથવા તો...' 1990માં પ્રકાશિત થયો હતો. જેના માટે તેમને જયંત પાઠક કવિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમણે 2000ની સાલમાં ‘કિલ્લેબંધી’ નામનો કાવ્યસંગ્રહ લખ્યો હતો. તેમનો કવિતાઓ અને ગીતોના સંગ્રહ 'રાગાધિનમ્' (2007) નામે પ્રકાશિત થયો છે. જેના માટે તેમને ગુજરાત સાહિત્ય પરિષદે ડૉ. ભાનુપ્રસાદ પંડયા ઍવૉર્ડ આપ્યો છે. 

તેમણે રાજકોટના કવિઓની ગઝલનું સંપાદન 'અતિક્રમી તે ગઝલ'(1990)ના નામે કર્યું હતું. નવી પેઢીની ગઝલોનું સંપાદન 'કિંશુક લય'માં 2000ના વર્ષમાં કર્યું છે. શ્યામ સાધુની કવિતાનું સંકલન 'ઘર સામે સરોવર' (2009), ગુજરાતી કવિતાઓનું સંકલન 'કવિતાચયન 2007', શૂન્ય પાલનપુરીની કવિતાઓનું સંપાદન 'યાદનો રાજ્યાભિષેક' (2012), રમેશ પારેખની કવિતાઓનું સંપાદન 'મનપાંચમના મેળામાં' (2013) નામે કર્યું છે. ગઝલસંગ્રહ ‘કવિતા નામે સંજીવની’ તેમણે 2014માં આપ્યો છે.

ગુજરાતી ગઝલ કવિતા ક્ષેત્રમાં યોગદાન માટે તેમને વર્ષ 1999માં શયદા ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2003માં તેમને આર. વી પાઠક/નાનાલાલ કવિતા પારિતોષિક પ્રાપ્ત થયા છે. વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા સંજુ વાળાને 'દર્શક સાહિત્યસન્માન' (2014), 'હરીન્દ્ર દવે સ્મૃતિપારિતોષિક' (2014), 'કવિશ્રી રમેશ પારેખ સન્માન' (2014) જેવા સન્માન આપવામાં આવ્યા છે. અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા તેમને કવિશ્રી રમેશ પારેખ સન્માન-2014 અપાયું હતું.