મસ્તકી
( વૈદ્યક ) રૂમી મસ્તકી નામનું ઝાડ. આ ઝાડ ભૂમધ્ય સમુદ્રના કિનારાનાં જંગલો, ઉત્તર આફ્રિક અને પશ્ર્ચિમ એશિઅમાં થાય છે. નર ઝાડના થડમાં રાળ હોય છે. તે પીળા રંગની, ચળકતી, સુગંધી અને સ્વાદે મિષ્ટ હોય છે. અગાઉ ચાયના ટર્પેન્ટાઈનને બદલે ઉત્તેજકતા માટે દવામાં અને વાર્નિશ બનાવવામાં વપરાતી. પણ હમણાં ઘણી જાતની સસ્તી રાળ શોધાતાં તેની ખપત ઓછી થઈ છે, જો કે તેમાં બીજા વાર્નિશ કરતાં ચળકાટ વધુ થાય છે. હિંદમાં ખરી મસ્તકી ભાગ્યે જ આવે છે. યરપમાં તે મુખવાસ તરીકે ચવાય છે. દાંતના દાક્તરો દાંતમાં પડી ગયેલ કોતરની અંદર તેને ભરે છે, તેથી દાંતની કોતરમાં અનાજ કે છોતરાં ભરાઇ જતાં નથી. તેને પાણીમાં ઉકાળી ચૂનામાં નાખવાથી તે ચૂનો સિમેંટ કરતાં વધુ ટકાઉ થાય છે. તેનાં પાંદડાંમાંથી ટેનિન મળે છે. તેથી ચામડાં સફેદ અને બહુ નરમ બને છે અને સુકાયા પછી પણ કડક થતાં નથી. આ ટેનિન ખાસ કરીને ઘેટાં બકરાંનાં પાતળાં ચામડા�� કે બીજાં જનાવરોનાં કાબરચીતરાં ચામડાં ઉપર ચડાવી તેમાંથી ગાદીતકિયાં, હાથપગનાં મોજાં, ચોપડીનાં પૂઠાં, હાથથેલીઓ કે હાથપાકીટો વગેરે ચામડાની ફેન્સી વસ્તુઓ બનાવાય છે. તેની અંદર ગેલોટેનિક એસિડ સારા પ્રમાણમાં હોવાથી ચામડાં બહુ સુંવાળા અને ચળકતાં થાય છે. આ ટેનિન કાઢવાનો ઉદ્યોગ ૧૯૧૪ની લડાઈ પહેલાં ઇટલિ, જર્મનિ, ઇજિપ્ત, સીરિઅ, ઓસ્ટ્રેલિઅમાં હતો, પણ લડાઈને લીધે એ મુલકોમાંથી ઇંગ્લંડને ટેનિન મળી શકવામાં મુશ્કેલી થતાં સાઇપ્રસ ટાપુઓમાં મોટા પ્રમાણમાં તે ઝાડોનું વાવેતર થયું. હાલ મોટે ભાગે ઇંગ્લંડ, ઈટલિ ને બેલ્જિયમ એ ઉદ્યોગ માટે અગ્ર ગણાય છે. સાઈપ્રસનાં હવાપાણી અને જમીનથી ટેનિન ઇટલિ જેવું સારું અને તેના જેટલું બીજે મળી શકતું નથી. ઇટલિમાં પાંદડાંમાંથી તે જ્યારે ૧૮થી ૨૮ ટકા મળે છે, ત્યારે સાઇપ્રસમાંથી ૧૨ થી ૧૯ ટકા મળે છે. આ ટેનિનમાં ગ્રાહી ગુણ નથી હોતો. છાલમાંથી પણ ઉપર જેવું ટેનિન થોડા પ્રમાણમાં મળે છે. લાકડું અને પાંદડાં તુર્કસ્તાનમાં લાંબા કાળથી ગર્ભાશયના વિકારો, નષ્ટાર્તવ, અત્યાર્તવ, પ્રદર, કસુવાવડ વગેરે રોગ માટે વપરાય છે.