maran same kari chhati jawaman ek kshan lage - Ghazals | RekhtaGujarati

મરણ સામે કરી છાતી જવામાં એક ક્ષણ લાગે

maran same kari chhati jawaman ek kshan lage

અબ્દુલ વાહીદ ‘સોઝ’ અબ્દુલ વાહીદ ‘સોઝ’
મરણ સામે કરી છાતી જવામાં એક ક્ષણ લાગે
અબ્દુલ વાહીદ ‘સોઝ’

મરણ સામે કરી છાતી જવામાં એક ક્ષણ લાગે,

ને નિજ અસ્તિત્વથી પણ બી જવામાં એક ક્ષણ લાગે.

સમયના તાપથી પણ ફૂલ ના કરમાય મનનું, ને

પૂનમની રાતથી દાઝી જવામાં એક ક્ષણ લાગે.

દુઃખોની ક્ષણ બને સૈકા, ને જો સુખ સાથ આપે તો,

સદી જેવું જીવન જીવી જવામાં એક ક્ષણ લાગે.

કરી છે માવજત જેની ઘણા દસકાઓ, વસ્તુ

મરણના હાથમાં સોંપી જવામાં એક ક્ષણ લાગે.

સભર વિશ્વાસ ને શ્રદ્ધાની મૂડી સાચવેલી હોય

તો મીરાં થૈ ને પ્યાલો પી જવામાં એક ક્ષણ લાગે.