theek nathi - Ghazals | RekhtaGujarati

તરસ્યે તરસ્યા તળાવ વાઢી ફાંટ ભરો, ઠીક નથી;

તમે અમારી તરસ વિશે કંઈ વાત કરો, ઠીક નથી.

ખરવું હો તો હાલ ખરો, પીડ ભરેલાં પત્તાંઓ,

અગન ભરેલા આંગણિયામાં રોજ ખરો, ઠીક નથી.

ધરવું હો તો મારી માફક આંખો ફાડી ધરો તમે,

ગળા લગોલગ ગાંજો પીને ધ્યાન ધરો, ઠીક નથી.

અમે અમારી પાંસળીઓમાં પથ્થર ખડકી નાખ્યા છે,

તમે રંજનો રેલો થઈને ત્યાંય કરો, ઠીક નથી.

દ્વંદ્વ ભરેલી દૃષ્ટિ માથે ડહોળાયેલાં દૃશ્યો પટકી,

તમે ઊકળતાં અંધારાંની ઊંઘ હરો, ઠીક નથી.

સ્રોત

  • પુસ્તક : વૃક્ષ નથી વૈરાગી (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : ચંદ્રેશ મકવાણા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2009