aawe chhe agar ashru ankhe, pi jaun chhun, sanyam rakhun chhun - Ghazals | RekhtaGujarati

આવે છે અગર અશ્રુ આંખે, પી જાઉં છું, સંયમ રાખું છું

aawe chhe agar ashru ankhe, pi jaun chhun, sanyam rakhun chhun

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
આવે છે અગર અશ્રુ આંખે, પી જાઉં છું, સંયમ રાખું છું
શૂન્ય પાલનપુરી

આવે છે અગર અશ્રુ આંખે, પી જાઉં છું, સંયમ રાખું છું;

જે વાત છે મારા અંતરની, વાત હું મોઘમ રાખું છું.

એક તું કે નથી પરવા જેને, એક હું કે સદા ગમ રાખું છું,

પથ્થરદિલ! લે તું કહે, દિલ કેવું મુલાયમ રાખું છું.

હું પ્રેમનાં બંધન છોડું છું, પણ પ્રેમ બંધન છોડે છે;

દુનિયાથી સદંતર દૂર છતાં, દુનિયાની ગતાગમ રાખું છું.

સૂર્ય-કમળ, ફૂલ-ભ્રમર, ચાંદ–ચકોરો શું જાણે?

છે પ્રેમ કરુણામય મારો, હું પ્રેમ અનુપમ રાખું છું.

ચિંતાઓ, વ્યથાઓ, અશ્રુઓ, નિઃશ્વાસ, નિરાશા, લાચારી,

એક જીવને માટે જીવનમાં મૃત્યુના ઘણા યમ રાખું છું.

એક વાર નમાવી ચરણોમાં ના શીશ ઉઠાવી જાણું છું,

ગર્વ નથી પણ શ્રદ્ધામાં મસ્તક હું અણનમ રાખું છું.

ફૂલમાં કંટક જોનારા! ચંદ્રમાં ડાઘા કહેનારા!

દોષ છે તારી દૃષ્ટિનો, દોષની હું ગમ રાખું છું.

ઠારીને ઠરું દીપ નથી, બાળીને બળું જ્યોત નથી,

એક પુષ્પ છું જીવન-ઉપવનમાં, હું રંગ ને ફોરમ રાખું છું.

વાવ્યું જે ગઝલનું ઉપવન જે મેં એક શૂન્ય હૃદયની ભૂમિમાં,

સીંચીને ઊર્મિ-રક્ત વડે બાગ લીલોછમ રાખું છું.

સ્રોત

  • પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : શૂન્ય પાલનપુરી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ